સિડનીઃ ઓસ્ટ્રેલિયાના મહાનગર સિડની ખાતે ગયા શનિવારે બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝની ઉપસ્થિતિમાં ભવ્યતાથી રંગોત્સવ ઉજવાયો હતો. પ.પૂ. મહંત સ્વામી વતી સંતોએ તેમનું પુષ્પહાર અને અમૃત કળશ દ્વારા સન્માન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સિડનીમાં ભવ્ય બીએપીએસ હિન્દુ મંદિર અને વિશાળ સાંસ્કૃતિક સંકુલ આકાર લઇ રહ્યા છે. આ વિરાટ આયોજનના પ્રથમ અધ્યાયરૂપે છઠ્ઠી માર્ચના રોજ મહંત સ્વામી મહારાજના હસ્તે ભગવાન શ્રી સ્વામિનારાયણની તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ધાતુમૂર્તિની વેદોક્ત પ્રાણપ્રતિષ્ઠા વિધિ થઇ હતી. ભગવાન સ્વામિનારાયણની આ ધાતુમુર્તિ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં સૌથી ઊંચામાં ઊંચી ધાતુમૂર્તિ છે.
શનિવારે હોળી-ધૂળેટી પર્વે યોજાયેલા રંગોત્સવ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વડાપ્રધાન એન્થની અલ્બેનીઝે બીએપીએસ સંસ્થા અને પૂ. મહંત સ્વામી મહારાજના કાર્યોથી પ્રભાવિત થઈ પોતાની ભાવોર્મિ રજૂ કરતા જણાવ્યું, હતું કે ‘પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આવા પવિત્ર સ્થાન પર, આજના ખાસ ઉત્સવદિને મને આજે અહીં મારા સાથી સભ્યો સાથે આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. તેઓ જે સંદેશ આપે છે તે બધા જ ઓસ્ટ્રેલિયનવાસીઓ માટે છે, કે બીજાના ભલામાં આપણું ભલું છે. સ્વામીજી, અમે આપના ખૂબ આભારી છીએ કે આપે ભારતથી અહીં પધારીને આ ઉત્સવ માટે સિડની શહેરની પસંદગી કરી. બીએપીએસ સંસ્થાના 115 કરતા વધુ વર્ષોના ઈતિહાસમાં બીજી વાર અમને આ લાભ મળી રહ્યો છે. દસ વર્ષ પહેલાં આપે જે જગ્યાને પ્રસાદીભૂત કરી હતી, આજે એ જ જગ્યાએ ઉપસ્થિત રહી અમે ધન્યતા અનુભવીએ છીએ.
વડાપ્રધાન અલ્બેનીઝે કહ્યું હતું કે ઓસ્ટ્રિલયન લોકો વતી હું આપને કહેવા માંગુ છું કે આપનું અહીં સદાય સ્વાગત છે. રંગોનો આ મહાન ઉત્સવ, સૌને આસુરી પર દૈવીના વિજયનો ઉત્તમ સંદેશ આપે છે. રંગોનો આ ઉત્સવ ભારતીયોએ ઓસ્ટ્રેલિયન કેલેન્ડરને આપેલી એક ઉત્તમ ભેટ છે. આજે આપણે એક એવા સ્થાનની ઉજવણી કરી રહ્યા છીએ જે આ દેશને મળેલી અમૂલ્ય ભેટ છે અને એ છે બીએપીસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર.
સ્વામીજીના સંકલ્પ મુજબ આ ભવ્ય મંદિર અહીં આકાર લઈ રહ્યું છે. આ મંદિર એ માત્ર ભક્તિનું સ્થાન નહીં, શાંતિ અને પવિત્રતાનું સ્થાન છે. કોઈપણ ભેદભાવ વગર દરેકને ગૌરવનો અનુભવ થાય તેવું સ્થાન છે. આ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થશે ત્યારે તે ઓસ્ટ્રિલિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર હશે. શાંતિની શોધ કરનારા સૌ કોઈ માટે આ એક અતુલ્ય સ્થાન હશે.
એન્થની અલ્બેનીઝે કહ્યું હતું કે હિન્દુ સમુદાય આ દેશનું એક અભિન્ન અંગ છે અને તેના માટે જેટલું કરીએ એટલું ઓછું છે. ઓસ્ટ્રેલિયા આજે જે કાંઈ પણ છે તેના કારણોમાં પેઢીઓથી આપ સૌએ ઓસ્ટ્રેલિયા માટે જે કર્યું છે તે પણ છે. અને આપ સૌ આ આધુનિક ઓસ્ટ્રેલિયાનો એક ખૂબ જ અગત્યનો ભાગ છો. સ્વામીજી શીખવે છે કે સંપ એ શક્તિ છે. જ્યારે સંપથી કાર્ય કરીએ છીએ ત્યારે કશું જ અશક્ય નથી.
તેમણે કહ્યું હતું કે 1991માં જ્યારે એક પ્રવાસી યુવાન તરીકે મેં ભારતની પ્રથમ મુલાકાત લીધી ત્યારથી મને ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનહદ લગાવ રહ્યો છે. તેમાંય નવી દિલ્હી ખાતેના અક્ષરધામની મુલાકાત મને આજે પણ યાદ છે. ઓસ્ટ્રિલિયામાં આ બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. હું માનું છું કે આ મંદિર ઓસ્ટ્રેલિયાના અક્ષરધામ તુલ્ય હશે. આપના સમુદાયમાં એક મહાન શક્તિ છે. બીએપીએસના તમામ સ્વયંસેવકો અને આપના સમુદાયના સૌ સભ્યોએ આ માટે ગૌરવ અનુભવવું જોઈએ. સ્વામીજી, આપને પ્રણામ સાથે ઓસ્ટ્રેલિયામાં, આપના ઘરમાં, આપનું સ્વાગત છે.’
રંગોત્સવની ઉજવણી પ્રસંગે પૂ. મહંત સ્વામી મહારાજે સિડની ખાતે મંદિરના વિશાળ પરિસરમાં, તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની વિશાળ પ્રતિમાના પ્રાંગણમાં બેઠેલા દેશ-વિદેશના હજારો ભક્તો-ભાવિકોને ભક્તિરંગથી રંગ્યા હતા. આમ, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય પરંપરા અને સનાતન ધર્મની અનુભૂતિ સાથે વડાપ્રધાને વિદાય લીધી હતી.