અમદાવાદઃ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પાંચ એકરમાં સાકાર થનારા લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભૂમિપૂજન મહોત્સવ તથા શોભાયાત્રા યોજાઈ હતી. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી સત્સંગીઓ ચાર વર્ષથી અહીંના હરિમંદિરમાં સત્સંગ કરી રહ્યા છે. પાંચ દિવસના ભૂમિપૂજન મહોત્સવ દરમિયાન ઘરસભા તથા સરધાર નિવાસી પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામીના વક્તાપદે શ્રીમદ્ સત્સંગીજીવનની કથા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહાસમર્થ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ આપેલ બીજમંત્ર અને જનમંગલ હોમના મંત્રોચ્ચાર સાથે પૂ. નિત્યસ્વરૂપ સ્વામી તથા ડો. સંત સ્વામીના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે ભૂમિદાતા યજમાનો સહિતના હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.