લંડનઃ આંતરરાષ્ટ્રીય એક્ટિંગ સુપરસ્ટાર ધનુષના હસ્તે 7 ડિસેમ્બર 2024ના રોજ સાતમી સિલ્વર સ્ટાર ડાયાબિટીસ એન્યુઅલ વોકના લંડન તબક્કાનું લોન્ચિંગ એજવેર, લંડન ખાતે કરવામાં આવ્યું હતું. ચેરિટીના સ્થાપક અને પેટ્રન કિથ વાઝ દ્વારા ધનુષને આમંત્રણ અપાયું હતું.
આ લોન્ચિંગમાં વિવિધ ક્ષેત્રોમાંથી લોકો આવ્યા હતા અને તેનો હેતુ ડાયાબિટીસ વિશે જાગરૂકતા અને તેના અટકાવને પ્રોત્સાહન આપવાનો હતો. સિલ્વર સ્ટાર ડાયાબિટીસ ચેરિટી દ્વારા આયોજિત આ વોક દ્વારા ડાયાબિટીસના વેળાસર નિદાન અને વૈશ્વિક આરોગ્ય પડકારના મેનેજમેન્ટના મહત્ત્વ પર પ્રકાશ પથરાયો હતો.
સુપરસ્ટાર ધનુષની ઉપસ્થિતિએ લોકોને આકર્ષ્યા હતા તેમજ આ ઈવેન્ટની વૈશ્વિક પહોંચ અને મહત્ત્વને ઉજાગર કર્યા હતા. વિશ્વભરમાં આશરે 537 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે જેમાંથી 4.9 મિલિયન લોકો યુકેમાં અને 101 મિલિયન લોકો ભારતમાં વસે છે.
કિથ વાઝના વડપણ હેઠળની 10 માઈલની વોકની શરૂઆત કેનેડાના ટોરન્ટોમાં થઈ હતી અને વધુ માઈલનો ઉમેરો યુએસએના શિકાગો અને ભારતના દમણ ખાતે કરાયો હતો. આગામી તબક્કો ભારતમાં કેરાલાના થ્રિસુર ખાતે યોજાનાર છે.
ટાઈપ 2 ડાયાબિટીસના પેશન્ટ કિથ વાઝે જણાવ્યું હતું કે,‘આ વાર્ષિક વોકના લંડન તબક્કાના લોન્ચિંગમાં ધનુષની ઉપસ્થિતિ ચેરિટી માટે ભારે પ્રોત્સાહન સમાન છે. તેની હાજરી લોકોને તેમના આરોગ્ય પર ધ્યાન આપવાના મહત્ત્વની યાદ અપાવશે. ડાયાબિટીસથી પીડાતા છ લોકોમાંથી એક વ્યક્તિ એશિયન મૂળની છે. આપણે બધા જ ડાયાબિટીસ ધરાવતી કોઈ વ્યક્તિને જાણીએ છીએ. આપણે આ રોગચાળાને ડામવો જોઈએ. આ ઈવેન્ટ પછી લંચની વ્યવસ્થા કરવા બદલ હું સર્વણા ભવન લંડનનો આભારી છું.’
મોબાઈલ ડાયાબિટીસ યુનિટ્સ અને ઈનોવેટિવ આઉટરીચ પ્રોગ્રામ્સ માટે જાણીતી સિલ્વર સ્ટાર ડાયાબિટીસ ચેરિટી નોંધપાત્ર અસર ઉપજાવી રહી છે. ચેરિટીના ઈનિશિયેટિવ્ઝમાં હજારો લોકોના અને ખાસ કરીને કચડાયેલી કોમ્યુનિટીઝ માટે મફત પરીક્ષણ અને એજ્યુકેશનનો સમાવેશ થાય છે. ચેરિટી દ્વારા અત્યાર સુધી ડાયાબિટીસ માટે 68,572 લોકોના પરીક્ષણો કરાયાં છે, તેના મોબાઈલ યુનિટ્સ દ્વારા 1,227 ઈવેન્ટ્સમાં હાજરી, 248 ડાયાબિટીસ અવેરનેસ કેમ્પ્સ ઉપરાંત, 313 અલગ અલગ સંસ્થાઓ સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે.