અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર-નૈરોબી ખાતે કેન્યાના 61મા જમ્હુરી ડેની ધ્વજ લહેરાવીને ઉજવણી કરાઈ હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આ કાર્યક્રમમાં પધારેલા માનવંતા મહેમાનો અને આફ્રિકા ગ્રોથ ઇનિશિએટિવ (AFI)ના વરિષ્ઠ સભ્યોની ઉપસ્થિતિમાં કેન્યાના 61મા જમ્હુરી ડેની ધ્વજ લહેરાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિશાળ સંતવૃંદ તથા વિદેશી પર્યટકો, સ્થાનિક હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્યાના સ્વાતંત્ર્ય દિવસને જમ્હુરી ડે તરીકે ઓળખવામાં આવે છે, તેનું નામ સ્વાહિલી શબ્દ જમ્હુરી એટલે કે રિપબ્લિક પરથી લેવામાં આવ્યું છે.
મહંત સદગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, 12 ડિસેમ્બર 1963ના રોજ કેન્યાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આ સમયગાળા દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા પણ હાજર હતા. તેઓ પાંચમી વખત પૂર્વ આફ્રિકાના વિચરણાર્થે પધાર્યા અને ચાર માસ સુધી સત્સંગ વિચરણ કર્યું હતું તે સમયે સ્વામીબાપાએ કેન્યાના રાષ્ટ્રપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.
કેન્યા રાષ્ટ્રએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેને 61 વર્ષ પૂર્ણ થતાં પ.પૂ. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજ વિશાળ સંતવૃંદ સહિત ઈસ્ટ આફ્રિકા પધાર્યા છે. કેન્યા, યુગાન્ડા, ટ્રાન્ઝાનિયા વગેરે દેશોમાં વસતા હરિભક્તો તથા અન્યોમાં હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા અખંડ જળવાઈ રહે તે હેતુથી સંતમંડળ સહિત વિચરણ અર્થે પધાર્યા છે.