શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા - અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિકતાસભર કાર્યક્રમો સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે ખાસ ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા.
આ પ્રસંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની રજત જયંતી પણ ઉજવાઈ હતી. સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ દ્વારા ઇન્ટરનેશનલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમની રચના કરાઈ હતી. દેશ-વિદેશમાં કાર્યરત આ ડિઝાસ્ટર ટીમનું સફળ સંચાલન છેલ્લા 25 વર્ષથી મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી કરી રહ્યા છે. તેમને આ કાર્યમાં સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી અને હિતેશ પટેલ તથા ટીમના સભ્યો સહયોગ આપી રહ્યા છે.
પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ધી યુનાઈટેડ રિપબ્લિક ઓફ ટાન્ઝાનિયાની ગૃહ મંત્રાલય અને ફાયર એન્ડ રેસ્ક્યુ ફોર્સના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું પ્રશંસાપત્ર અને મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.
ટાન્ઝાનિયાના સરકારના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર ટીમ મેનેજમેન્ટ અહીંયા આવીને ટ્રેનિંગ આપે છે એ સંસ્થાનું ઐતિહાસિક કાર્ય છે. આમાં વિશ્વબંધુત્વની ઉમદા ભાવના પણ રહેલી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.