અમદાવાદ: પ્રમુખસ્વામી મહારાજના 102મા જન્મદિવસની સુરત ખાતે થયેલી ઉજવણી દરમિયાન બીએપીએસ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિદ્વાન સંત, મહામહોપાધ્યાય ભદ્રેશદાસજી સ્વામીને સંસ્કૃત સાહિત્ય અને વૈદિક જ્ઞાનમાં તેમના યોગદાનને બિરદાવવા માટે ‘ડોક્ટર ઓફ સાયન્સ’ (ડીએસસી) અને ‘ડોક્ટર ઓફ લિટરેચર’ (ડી.લિટ.)ની પ્રતિષ્ઠિત માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.
આઈઆઈટી ખડગપુરના 69મા દીક્ષાંત સમારોહમાં સ્વામી ભદ્રેશદાસને ડીએસસીની પદવી એનાયત કરાઈ હતી. આઈઆઈટી ખડગપુરના ડિરેક્ટર પ્રો. વિરેન્દ્ર કુમાર તિવારી, ડીન કમલ લોચન પાણિગ્રહી અને રજિસ્ટ્રાર વિશ્વજિત ભટ્ટાચાર્યે ડીએસસીની પદવીનું પ્રમાણપત્ર સુરત આવીને સ્વામી ભદ્રેશદાસજીને અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે ડિરેક્ટર પ્રો. તિવારીએ પસંદગીની પ્રક્રિયા વિશે જણાવ્યું હતું કે, ‘આઠસોથી વધુ ફેકલ્ટી સભ્યો અને આઈઆઈટીના ત્રણસો સેનેટ સભ્યોએ સર્વાનુમતે ભદ્રેશદાસ સ્વામીજીની પસંદગી કરી હતી.’ આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ લિટરેચરનું સન્માન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નિરંજન પટેલ, ડીન ડો. પરેશ આચાર્ય સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.