નવી દિલ્હીઃ દ્વિપક્ષી કોંગ્રેસનલ કોકસ ઓન ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન અમેરિકન્સના સહઅધ્યક્ષો કોંગ્રેસમેન રો ખન્ના (CA-17) અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ (FL-06)ના વડપણ હેઠળ યુનાઈટેડ સ્ટેટ્સ કોંગ્રેસનલ ડેલિગેશને ભારતની મુલાકાત લીધી હતી. આ પ્રવાસના ભાગરૂપે તેઓએ 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં પ્રસિદ્ધ સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર સંકુલની પણ મુલાકાત લીધી હતી.
આ ડેલિગેશનના નેતાઓ અને કોંગ્રેસવુમન ડેબોરાહ રોસ (NC-2) અને કોંગ્રેસવુમન કેટ કામાક (FL-3) નું પરંપરાગત સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રતિનિધિમંડળે સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાં ઈશ્વરવંદના કરવા સાથે મંદિરના સ્થાપત્ય અને કળાની પ્રશંસા કરી હતી. તેમણે મંદિરની ડિઝાઈન અને તેની આદ્યાત્મિક ફીલોસોફીની વિશેષતા વિશે ઊંડી જાણકારી પ્રાપ્ત કરી હતી.
કોંગ્રેસનલ ડેલિગેશને ભારતીય રીતરિવાજ અને પરંપરાઓ વિશે આદરને દર્શાવવા શાંતિ અને શુભકામનાના અનુરોધ નિમિત્તે જળાભિષેકની પવિત્ર હિન્દુ પરંપરાનું આચરણ પણ કર્યું હતું. ભારતીય ઈતિહાસના હજારો વર્ષના સાંસ્કૃતિક બોટ પ્રવાસના અનુભવથી તેમના દિલોદિમાગમાં ભારતના સમૃદ્ધ વારસાની પ્રભાવશાળી છબી અંકિત થઈ હતી.
કોંગ્રેસમેન રો ખન્નાએ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે,‘અક્ષરધામ કોમ્યુનિટી દ્વારા અમારા સ્વાગતથી અમે ગૌરવ અને ધન્યતા અનુભવીએ છીએ. આ મુલાકાતથી આપણા દેશોના મૈત્રીબંધન મજબૂત બન્યાં છે અને સાંસ્કૃતિક વિનિમયને મહત્ત્વ સાંપડ્યું છે.’ કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝે જણાવ્યું હતું કે,‘ સ્વામીનારાયણ અક્ષરધામની અમારી મુલાકાત અતુલનીય અનુભવ બની રહ્યો છે જેનાથી ભારતના સાંસ્કૃતિક અને આદ્યાત્મિક મૂળિયાં વિશે અમારી સમજ વધી છે. ઉષ્માપૂર્ણ આવકાર અને પવિત્ર વિધિમાં ભાગ લેવાની તકે અમારા ડેલિગેશન પર કાયમી છબી ઉપસાવી છે.’
વિશ્વમાંથી લાખો મુલાકાતીઓ ભારતીય કળા, સંસ્કૃતિ અને આદ્યાત્મિકતાની દીવાદાંડી બની રહેલા સ્વામીનારાયણ અક્ષરધામની મુલાકાત લેવા આકર્ષાય છે. યુએસ કોંગ્રેસનલ ડેલિગેશનની મુલાકાત યુએસ અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સંબંધો અને પારસ્પરિક સમજનું મહત્ત્વ દર્શાવે છે.