લંડનઃ સ્વિન્ડન હિન્દુ ટેમ્પલ અને કલ્ચરલ સેન્ટર દ્વારા બુધવાર 6 નવેમ્બરે યુકે પાર્લામેન્ટમાં ભવ્ય દિવાળી ઊજવણીના આયોજનથી ઈતિહાસ સર્જ્યો હતો. સાઉથ વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સની કોઈ સંસ્થા દ્વારા સૌપ્રથમ વખત પાર્લામેન્ટમાં દિવાળી ઊજવણી કરાઈ હતી જ્યાં સ્વિન્ડનના બંને સાંસદ વિલ સ્ટોન અને હૈદી એલેકઝાન્ડર પણ ઉપસ્થિત હતાં. સાંસદો,બ્રિટિશ આર્મ્ડ ફોર્સીસના કર્મચારીઓ, હિન્દુ, જૈન, શીખ, ક્રિશ્ચિયન અને મુસ્લિમ કોમ્યુનિટીના લોકો, ભારતીય, બ્રિટિશ, નેપાળી, શ્રીલંકન, આફ્રિકન કોમ્યુનિટી સંસ્થાઓના અગ્રણીઓ અને મહેમાનોએ પ્રકાશ, આશા અને એકતા ઉત્સવની ઊજવણીમાં સમૃદ્ધ સાંસ્કૃતિક અને પરંપરાગત પરંપરાઓની સમજ કેળવી હતી. આ ઈવેન્ટ યુકેની સાંસ્કૃતિક વિવિધતા અને બ્રિટિશ સમાજને હિન્દુ કોમ્યુનિટીના યોગદાનના મજબૂત પુરાવારૂપ બની રહ્યો હતો.
સ્વિન્ડનના સાંસદો વિલ સ્ટોન અને હૈદી એલેકઝાન્ડર, સ્વિન્ડન હિન્દુ ટેમ્પલ અને કલ્ચરલ સેન્ટરના પ્રેસિડેન્ટ પ્રદીપ ભારદ્વાજ, ઓર્ગેોનાઈઝિંગ કમિટીના આશિષ ચન્નાવરે દીવાળીના ઉત્સવને વધાવતા પ્રસંગોચિત સંબોધનો કર્યા હતા.
થેમ્સ નદીના કિનારાઓ પર સેટિંગ્સમાં હિન્દુ મંત્રો અને પરંપરાગત પ્રાર્થનાઓ, ભારતીય શાસ્ત્રીય નૃત્ય તેમજ કીબોર્ડ અને તબલાની જુગલબંદીએ લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.
દિવાળીની ઊજવણીમાં વિલ સ્ટોન MP, શિવાની રાજા MP, ઊમા કુમારન MP, કનિષ્કા નારાયણ MP, પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, બ્રિટિશ આર્મ્ડ ફોર્સીસના હિન્દુ ચેપ્લિન આચાર્ય કૃષ્ણકાન્ત અત્રી MBE, ડિફેન્સ હિન્દુ નેટવર્કના અધ્યક્ષ ફ્લાઈટ લેફ્ટનન્ટ નિગમ જોશી, કર્નલ અમર ભુંડિઆ, સાર્જન્ટ શિવ ચંદ, વોરન્ટ ઓફિસર અશોક કુમાર ચૌહાણ MBE, મેજર મુનિશ ચૌહાણ, હિન્દુ કાઉન્સિલ યુકેના જન.સેક્રેટરી રજનીશ કશ્યપ, ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ મધુરેશ મિશ્રા, નેપાલીઝ એસો. ઓફ વિલ્ટશાયરના પ્રેસિડેન્ટ જ્ઞાન ગુરુંગ, MTM એવોર્ડ્ઝના સ્થાપક અબ્દુલ શેખ, બ્રિટિશ નેપાળી કોમ્યુનિટીના શિવ સૈન્જુ , સ્વિન્ડનના મેયર કાઉન્સિલર ઈમ્તિયાઝ શેખ, કાઉન્સિલર સુરેશ ગટ્ટાપુર, કાઉન્સિલર રવિ વેંકટેશ, વીનીત સિંહ, ઈન્દ્રપ્રીત, દીપા પટવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. સ્વિન્ડન હિન્દુ ટેમ્પલની ઓર્ગેનાઈઝિંગ ટીમમાં પ્રદીપ ભારદ્વાજ, રાજ પટેલ, આશિષ ચન્નાવર, કેતન વાજા, લોકેશ દ્વિવેદી અને તરુણ જૈનનો સમાવેશ થયો હતો.