બોટાદઃ સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. હનુમાનજીએ સુવર્ણ વાઘામાં ભક્તોને દર્શન આપ્યા હતા. સાળંગપુરમાં કષ્ટભંજન દેવ દાદાના દર્શને 7થી 10 લાખ ભક્તો ઉમટ્યા હતા.
સાળંગપુરમાં હનુમાન જયંતીના દિવસે દાદાના દરબારમાં સમૂહ મારુતિ યજ્ઞ યોજાયો હતો. જેમાં વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ. આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા બપોરે ૧૨:૦૦ કલાકે યજ્ઞમાં શ્રીફળ હોમી પૂર્ણાહુતી કરવામાં આવી હતી. સંતો અને 1 હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવ્યો હતો. મંદિરની યજ્ઞશાળામાં શ્રી હનુમત્ બીજમંત્ર અનુષ્ઠાન,વેદ અનુષ્ઠાન,પંચમુખી સમૂહ મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
શનિવારે સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાયું હતું. 7 કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યાં હતાં. સવારે 7.30 કલાકે 51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું.
250 કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. બપોરે 11:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા કરવામાં આવી હતી.
3000થી વધુ સ્વયંસેવકો
સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઈક્રો મેનેજમેન્ટ માટે 3000 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહ્યા હતા.
આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાળાથી આવતાં અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ પાર્ક કરાયા હતા.