લંડનઃ કાર્ડિફબે સ્થિત ટીવાય કૃષ્ણ સીમરુના હરે કૃષ્ણ ગ્રુપ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ વૃદ્ધજનોને વિનામૂલ્યે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસ (કોવિડ-૧૯) મહામારીનો રોકવા લોકડાઉન જાહેર કરાયું છે. તેવા સંજોગોમાં જે અશક્ત અને વૃદ્ધો બહાર નિકળી શકે તેમ નથી તેમને સીએફ૧૦ અને સીએફ૧૧ વિસ્તારમાં શાકાહારી ભોજન ઘેરબેઠા વિનામૂલ્યે પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ સુવિધા લોકડાઉન દરમ્યાન આખું અઠવાડિયું અપાશે. વેલ્સના ભારતીય માનદ કોન્સ્યુલ રાજ અગ્રવાલે કહ્યું હતું કે આવા કપરા સમયે સમાજને મદદરૂપ થવાનો સંસ્થાનો આવકારદાયક પગલું છે. આ કાર્ય માટે વેલ્સમાં રહેતા ભારતીય સમુદાય દ્વારા પણ દાનની મદદ મળી રહી છે. સરકારની કોઇ સહાય લેવાતી નથી. દાતાઓ સંસ્થાને ઓનલાઇન દાન આપી શકે છે. સેવાનો લાભ લેવા ફોન, ઇમેલ કે ફેસબુક દ્વારા સંપર્ક કરી શકાય તેમ પણ રાજ અગ્રવાલે જણાવ્યું હતું.