ધનતેરસ, સોમવાર તા.૯-૧૧-૧૫ના શુભદિને ભક્તિવેદાંત મેનોર, હરેકૃષ્ણ મંદિરમાં સવારના ૭ વાગ્યાના દર્શન, કિર્તન, ધૂન બાદ ઉપરના માળે પ.પૂ. શ્રીલા પ્રભુપાદજીના રૂમમાં એમના ચરણે "Feast on Fasting Day”રેસીપી બુકની વિમોચન વિધિનો કાર્યક્રમ મંદિરમાં નાના પાયે પરંતુ પવિત્ર વાતાવરણ વચ્ચે યોજાયો હતો.
અા પ્રસંગે મંદિરના પ્રેસિડેન્ટ શ્રી શ્રુતિધર્મદાસજીએ એમના વક્તવ્યમાં અા પુસ્તકના લેખિકા શ્રીમતી રંજનબેન હરિયાણીને અભિનંનદન અાપતા જણાવ્યું કે, “અગિયારસના ઉપવાસવેળા દર વખતે ફરાળમાં બટાટાની વાનગી સિવાય શું ખાવું અને શું બનાવવું એ પ્રશ્ન ભક્તજનોને મૂંઝવતો હોય છે. અા મૂંઝવણનો ઉકેલ અાપતું ૨૦૦થી વધુ લાજવાબ, મોંમાં પાણી લાવી દે તેવી વાનગીઅોનું દળદાર, રંગીન અને ભવ્ય પુસ્તક જોઇ ગૌરવ થાય છે. શ્રી શ્રી રાધાગોકુલાનંદ અને વૈષ્ણવ સમાજ માટે એકાદશીનું મહત્વ અદકેરૂં હોય છે. "ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની સમર્પિત જનની"ગણાય છે એકાદશી. એ દિવસે પોતાના અાધ્યાત્મિક વિકાસ માટે ભક્તો ઉપવાસ કરી શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન બને છે. અને અા ફરાળી ભોજન છે એકાદશીનાં!અાપણા મંદિરના રસોડે છેલ્લા અાઠેક વર્ષથી સેવા અાપતાં રંજનબેને ગ્લુટન ફ્રી, ફરાળી વાનગીઅોનું સુંદર પુસ્તક પ્રસિધ્ધ કર્યું એ અાપણા માટે અાશીર્વાદરૂપ બનશે.
અા પુસ્તકના પ્રકાશન પાછળની ભૂમિકા વિષે રજુઅાત કરતા રંજનબેનના દિકરી અ.સૌ.રાધારૂપા વિનોદ કૃષ્ણ ટાંકે (જેઅો અા પુસ્તકના પ્રીન્ટર અને મંદિરના ડીવોટી છે) જણાવ્યું કે, “મારા માતુશ્રીને નવ વર્ષની કુમળી વયથી રસોઇકળાનો ભારે શોખ! મૂળ નવસારીના અને અગાઉ અમેરિકામાં સનીવેલ, કેલીફર્નીયા-સીલીકોન વેલીમાં અમારી ફેમીલી રેસ્ટોરંટ “ક્રિષ્ણા ચાટ કાફે” હતી જેના મુખ્ય રસોઇયાની જવાબદારી મારાં માતુશ્રી સંભાળતા હતાં. ટૂંક સમયમાં જ અા રેસ્ટોરઁટે લોકપ્રિયતા મેળવી હતી.એમની વાનગીઅોમાં “ભારતનો અસલી સ્વાદ” છે. ૨૦૦૬થી નોર્થ લંડનમાં સ્થાયી થયાં છે.
છેલ્લા દાયકામાં અમારાં માતુશ્રી અકસ્માતનો ભોગ બન્યાં જેથી બેક-સર્જરી કરાવવી પડી. હ્દય રોગનો હુમલો, રૂમેટીક, અાર્થરાઇટીસની બિમારી અને અા બધાને કારણે ડીપ્રેશન….એમના અા કથળેલા અારોગ્યમાંથી ઉગારવા અમેરિકા સ્થિત મારી નાની બેન અમી હરિયાણીના દિમાગમાં એક વિચાર સ્ફૂર્યો. એણે મમ્મીને કહ્યું કે, અાપણે તમારી ફરાળી વાનગીઅોનું એક પુસ્તક બનાવીએ. દિકરીની પ્રેરણા અને “મારૂં ધ્યાન કૃષ્ણા રાખશે એવી” શ્રધ્ધાથી અા પુસ્તકના સર્જનનો શુભારંભ થયો. ૬૯ વર્ષની વયે કોમ્પયુટરનું જ્ઞાન મેળવ્યું. રસોઇમાં શાકભાજી સમારવા કે વાસણ ઉંચકવામાં પડતી તકલીફમાં પતિદેવ શ્રી બટુકકુમાર હરિયાણીએ મદદનીશની ભુમિકા ભજવી. અવનવી વાનગીઅો બનતી ગઇ, એની રેસીપી લખાતી ગઇ અને તસવીરો જાતે ખેંચી સંગ્રહ તૈયાર થતો ગયો. અા બધું ઇમેલ દ્વારા દિકરી અમીને મોકલતા ગયા જેણે એડીટીંગની જવાબદારી સ્વીકારી. એક મેરેથોન રનર જેમ સંઘર્ષોનો સામનો કરી પડકાર ઝીલ્યો અને ત્રણ વર્ષની જહેમતના પ્રતાપે અાજે અા સુંદર પુસ્તક લોકાર્પણ કરતા ગૌરવ થાય છે. કુટુંબીજનોના સાથ-સહકારે અમારાં માતુશ્રીને નવી જીંદગી બક્ષી.
શ્રી શ્રુતિધર્મદાસજીએ કાર્યક્રમનું સમાપન કરતા જણાવ્યું કે, શ્રીલા પ્રભુપાદજીનો અાદેશ હતો કે, અાપણી બધી જ પ્રવૃત્તિઅોની પ્રસિદ્ધિ “ગુજરાત સમાચાર” દ્વારા જ થવી જોઇએ અને અાપ સૌ જાણો છો કે, “હરે કૃષ્ણ મંદિર બચાવ ઝૂંબેશ”માં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ તથા એના તંત્રીશ્રી સી.બી. પટેલનું અનુદાન અનન્ય રહ્યું છે. અાજે એના પ્રતિનિધિ શ્રીમતી જ્યોત્સનાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં છે એ અાપણું ગૌરવ છે.
છેલ્લે એક ટેન્ટમાં રંજનબેનના હાથના બનેલ ફરાળી ચાટ અને અોરેન્જ રબડીનો અાસ્વાદ માણતા મહેમાનો અા પુસ્તક ઘરમાં વસાવવું જ જોઇએ એવા ભાવથી વિખરાયા. એજ દિવસથી મંદિરમાં અા પુસ્તકનું વેચાણ શરૂં થઇ ગયું.