લંડનઃ હાર્મની કોન્ફરન્સની તારીખ નજીક આવતી જાય છે. લંડનના વેમ્બલી ખાતે 8 જૂન, 2024ના રોજ આયોજિત હાર્મની કોન્ફરન્સમાં વિવિધ પ્રકારના વર્કશોપ્સ યોજાશે જેમાં, ઘરેલું શોષણ વિશે જાગરૂકતા, રાજકીય સંપર્ક, આપણી સંસ્કૃતિની જાળવણી, ગ્રૂમિંગ અને બળજબરીથી ધર્માન્તરણ, હિન્દુ શિક્ષણમાં વૃદ્ધિ, મંદિરોને ભંડોળમાં સહાય, મંદિરોમાં પૂજારીઓને મદદ સહિતનો સમાવેશ થાય છે.
હાર્મની કોન્ફરન્સ ચાવીરૂપ ધ્યેયો ધરાવે છે. યુકેના સમાજમાં હિન્દુ વિરોધી નફરતનો સામનો કરવા માટે જાગરૂકતા અભિયાનો ચલાવવા, શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન અન્ય કોમ્યુનિટીઓ અને સંગઠનો-સંસ્થાઓ સાથે સહકાર સાધવાની વ્યૂહરચના ઘડવી આવશ્યક છે. શાળાઓના અભ્યાસક્રમોમાં હિન્દુલક્ષી શિક્ષણનો સમાવેશ કરવા માટે અભ્યાસક્રમના વિકાસ, શિક્ષકોની તાલીમ અને શૈક્ષણિક ઓથોરિટીઝ સાથે વાતચીત જરૂરી બની રહે છે. યુકેના સમાજમાં હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓની જાળવણી અને પ્રોત્સાહન માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવાવર્ગને સાંકળતા કાર્યક્રમો અને ઈન્ટરફેઈથ સંવાદને આગળ વધારવો આવશ્યક જણાય છે. આ ઉપરાંત, રાજકીય સંપર્કો આગળ વધારવા અને રાજકારણમાં પ્રવેશને ઉત્તેજન અપાવું જોઈએ.
સમગ્ર દેશમાંથી 100થી વધુ સંસ્થાઓ હાર્મની કોન્ફરન્સમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે. યુકેમાં હિન્દુઓ માટે ભાવિ ઉજ્જવળ બનાવવા તેમજ અર્થસભર સંવાદમાં સાથ આપવા www.actionforharmony.org પર રજિસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે. વધુ માહિતી [email protected] મારફત મેળવી શકાશે.