૨૨ ઓગસ્ટને રવિવારે હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા કાર્ડિફમાં સનાતન મંદિર કોમ્યુનિટી સેન્ટર ખાતે આર્મ્ડ ફોર્સીસના મેમ્બર્સ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સે ભારતીય ઓનરરી કોન્સુલ રાજ અગરવાલ સાથે મળીને કર્યું હતું. અગાઉના વર્ષોની માફક આ કાર્યક્રમનું આયોજન આર્મ્ડ ફોર્સીસ, ઈમરજન્સી સર્વિસીસ અને કોમ્યુનિટી અગ્રણીઓએ કોમ્યુનિટીને આપેલા મૂલ્યવાન યોગદાન બદલ તેમને સમર્થન દર્શાવવા અને તેમનો આભાર માનવા માટે કરાયું હતું.
કાર્યક્રમમાં અનુક્રમે આરએએફ, આર્મી અને રોયલ નેવીનું પ્રતિનિધિત્વ કરી રહેલા સાર્જન્ટ પોલ હિગિન્સ, કર્નલ સાયન વોકર, લેફ્ટનન્ટ કમાન્ડર સુઝાન લીંચ, હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સના ચેર વિમળા પટેલ, ભારતીય ઓનરરી કોન્સુલ રાજ અગરવાલ અને લોર્ડ લેફ્ટનન્ટ ફોર સાઉથ ગ્લેમોર્ગન મોર્ફડ મેરેડીથ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ અગરવાલે જણાવ્યું હતું કે આજનો દિવસ એકબીજાની કંપની માણવાનો વિશેષ સમય છે. લાંબા સમયથી આપણને કોઈ કાર્યક્રમ કે ઉજવણી કરવાની પરવાનગી ન હતી. ઘણાં જાણીતા ચહેરા આજે જોવા મળ્યા તે ખૂબ સારું છે. આ કાર્યક્રમ મિત્રતા, પારસ્પારિક સમર્થન અને એકબીજાના રક્ષણને સમર્પિત છે. આ કાર્યક્રમ ભાઈચારાના મજબૂત બંધનનું પુનઃસમર્થન કરવાની ઉત્તમ તક છે અને તે હિંમત, શિસ્ત, સંભાળ અને સ્નેહના મુખ્ય મૂલ્યો પર ભાર મૂકે છે.