લંડનઃ ૧૧ નવેમ્બરે હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા હાઉસ ઓફ કોમન્સ (HoC)માં ૧૯મા દિવાળી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કોવિડ - ૧૯ લોકડાઉનને કારણે સંસ્થાના ઈતિહાસમાં પ્રથમ વખત આ ઉજવણી વર્ચ્યુઅલ કરાઈ હતી. વેબીનાર પ્લેટફોર્મ પર ૯૪થી વધુ લોકો જોડાયા હતા. ૨૫૦થી વધુ લોકોએ ફેસબુક પર આ ઉજવણી નિહાળી હતી. આ વર્ષના પાર્લામેન્ટના યજમાનો તરીકે સાંસદ બોબ બ્લેકમેન અને લોર્ડ ધોળકિયા OBE હતાં.
વાઈસ પ્રેસિડેન્ટ લંડન એન્ડ સાઉથ અને ચિન્મય મિશન યુકેના ટ્રસ્ટી ડો. રમેશ પટ્ટણી OBE એ દિવાળીના પર્વ પ્રસંગે મહેમાનોને આવકાર આપ્યો હતો અને દીપ પ્રગટાવીને આ ઉત્સવનો પ્રારંભ કરવા માટે ભક્તિવેદાંત મેનોરના પ્રમુખ વિશાખા દાસ, બ્રહ્મરીશી મિશનના હેડ સ્વામી સૂર્યપ્રભા દીદી અને ચિન્મય મિશન યુકેના સ્પિરિચ્યુઅલ હેડ બ્રહ્મચારિણી શ્રી પ્રિયાજી ચૈતન્યને અનુરોધ કર્યો હતો. તેમણે દીપ પ્રગટાવીને પ્રાર્થનાનું ગાન કર્યું હતું.
HFB ના પ્રમુખ અને HFB ચેરિટીના ટ્રસ્ટી તૃપ્તિ પટેલે પ્રારંભિક સંબોધનમાં હિંદુ ધર્મમાં દિવાળીના મહત્ત્વ વિશે વાત કરી હતી. યુકેમાં કોવિડ કટોકટી દરમિયાન લોકડાઉનમાં મોટા પાયે સેવા કરાઈ હતી તેના વિશે તેમણે જણાવ્યું હતું. આ સેવા પૂરી પાડવા યુકેની તમામ રાષ્ટ્રીય સંસ્થાઓ અને મંદિરોના સમાવેશથી રચાયેલી હિંદુ ઈમરજન્સી, રિસ્પોન્સ એક્શન ટીમની પણ તેમણે વાત કરી હતી. HoC ખાતે HFB દિવાળી ખૂબ મહત્ત્વના ઈન્ટરફેથ ઈવેન્ટ્સ પૈકી એક છે કારણ કે તેમાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહે છે.
બ્રિટિશ હિંદુસ APPGના ચેર સાંસદ બોબ બ્લેકમેન અને HFB ના પેટ્રન લોર્ડ નવનીત ધોળકિયા OBE DL બન્નેએ સૌને સલામત, આનંદમય અને શુભ દિવાળીની શુભકામના પાઠવી હતી. બોબ બ્લેકમેને વડા પ્રધાન બોરિસ જહોન્સનનો દિવાળી સંદેશ વાંચી સંભળાવ્યો હતો અને ઈ – દિવાળી બ્રોશરનું વિમોચન કર્યું હતું.
પ્રથમ હિંદુ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે દિવાળીના ગુણો વિશે અને હાલની પરિસ્થિતિમાં આપણે તેનો કેવો ઉપયોગ કર્યો તેની વાત કરી હતી. પ્રથમ હિંદુ ચાન્સેલર રિશિ સુનાકે આ વર્ષ કેવું પડકારજનક હતું તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સૌને ટેક્નોલોજીના ઉપયોગથી સલામત રીતે દિવાળી ઉજવવા પ્રોત્સાહિત કર્યા હતા.
સાંસદ આલોક શર્મા, સાંસદ કેર સ્ટાર્મર, બર્મિંગહામના કોન્સુલ જનરલ ઓફ ઈન્ડિયા ડો. શશાંક વિક્રમ, ફર્સ્ટ મિનિસ્ટર ઓફ વેલ્સ માર્ક ડ્રેકફર્ડ સહિત મહાનુભાવોએ સૌને દિવાળીની શુભકામના પાઠવી હતી.
લોર્ડ રેમી રેન્જર, લોર્ડ જિતેશ ગઢિયા અને લોર્ડ ડોલર પોપટે કોરોના કટોકટીમાં સેવા આપવા બદલ તમામ વોલન્ટિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ મંદિર તથા કોમ્યુનિટી સંસ્થાઓની કામગીરીની પ્રશંસા કરી હતી.
સાંસદ અને APPG બ્રિટિશ હિંદુસના વાઈસ ચેર થેરેસા વિલિયર્સ, વિશ્વ હિંદુ પરિષદ યુકેના ડો. ત્રિભુવન જોટંગીયા, HSS યુકેના ધીરજભાઈ શાહ, હિંદુ કાઉન્સિલ યુકેના રજનીશ કશ્યપ
આ અત્યંત પ્રેરણાદાયી હેપી વર્ચ્યુઅલ દિવાલી ઈવેન્ટના આયોજન બદલHFBનો આભાર માન્યો હતો.
સ્કોટિશ ચેપ્ટરના વાઈસ પ્રેસિડેન્ટ પુનિત દ્વિવેદીએ દિવાળીની શુભેચ્છા પાઠવીને
HFBના પેટ્રન્સ શશી વેકરિયા, રિકી સેહગલ અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલને આશીર્વાદ પાઠવવા આમંત્રિત કર્યા હતા.
જહાનવી હેરિસને સુંદર ભજન જ્યારે નૃત્ય રામ મોહન અને જાનકી મહેતાએ પ્રાર્થના નૃત્ય રજૂ કર્યું હતું.
HFBની આ વર્ષની દિવાળી કમિટીના ચેર અને SKLPના પ્રમુખ વેલજી વેકરિયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના સંચાલન માટે કાઉન્સિલર રીના રેન્જરનો આભાર માનવામાં આવ્યો હતો. હર્ષા શુકલ MBEએ ઉપનિષદના મંત્રનું ગાન કર્યું હતું અને યોગ ફાઉન્ડેશને રજૂ કરેલી ધૂન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.