કેમ્બ્રિજઃ ઇટાલિયન મૂળની એક વ્યક્તિએ કેમ્બ્રીજમાં ભારત ભવન મંદિરના સુંદર કોતરણીકામવાળા સ્તંભોને કાળજીપૂર્વક હટાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ મંદિર કેમ્બ્રિજમાં રહેતા પાંચ હજાર હિન્દુઓ માટે એકમાત્ર પૂજાસ્થળ છે. મંદિરની નજીક પિએરો દ એન્જેલિકોનું સલૂન છે. કળાપ્રેમી હેરડ્રેસર પિએરો દ એન્જેલિકોએ સુંદર કોતરણીકામવાળા સ્તંભ સાથેના મંદિરને હાલ તો તૂટતા બચાવી લીધું છે. તેઓ મંદિરના કલાત્મક અને બેનમૂન કોતરણી સાથેના સ્તંભોને આડેધડ તોડવાને બદલે વ્યવસ્થિત રીતે ઉતારી લેવા માગે છે. હાલ તેમણે આ કામગીરી માટે થતી રકમ જેટલું ડોનેશન ભેગું થાય ત્યાં સુધી તોડફોડ અટકાવવા કાઉન્ટી કાઉન્સિલના ઓફિસરોને સમજાવ્યા છે. એન્જેલિકો આ કલાત્મક સ્તંભોની જાળવણી કરવા અને લોકોના પ્રદર્શનાર્થે મૂકવા માગે છે.
મંદિરમાં ગુલાબી રાજસ્થાની બલુઆ પથ્થરના નક્શીદાર સ્તંભ છે. તે જોઇને પિએરોને તેમના દાદા યાદ આવી ગયા, કારણ કે તેમના દાદા ચર્ચના નિર્માણમાં લગાવાતા પથ્થરો પર આવું જ નક્શીકામ કરતા હતા. પિએરો નાના હોવાથી તેમને મદદ કરતા હતા.
આ બિલ્ડીંગ મંદિરને લીઝ પર અપાયું હતું. જાન્યુઆરી ૨૦૨૦માં ઈન્ડિયન કોમ્યુનિટી એન્ડ કલ્ચરલ એસોસિએશને આ બિલ્ડીંગ ખાલી કર્યું હતું. તે પછી કાઉન્સિલે ગ્રેડ II માં મૂકાયેલા આ બિલ્ડીંગનો કબજો લીધો હતો. હાલમાં જરૂરી રિનોવેશન ચાલી રહ્યું છે.
કાઉન્સિલે જણાવ્યું હતું કે સ્તંભો સલામત રીતે ખસેડાય તે માટે સાઈટ પરની ટીમ એન્જેલિકો સાથે મળીને કામ કરશે. આ બિલ્ડીંગનો ઉપયોગ ઓફિસ સ્પેસ માટે થશે તેવી અફવા છે. પરંતુ, કાઉન્સિલના પ્રવક્તા જણાવ્યું કે તેનો શું ઉપયોગ થશે તે હજુ સુધી નક્કી કરાયું નથી. વિકલ્પો વિશે ચર્ચા ચાલી રહી છે.
ભંડોળ એકઠું કરવા પિએરોએ GoFundMe પેજ બનાવ્યું પણ ૩,૨૫૦ પાઉન્ડમાંથી તેમને અત્યાર સુધીમાં ૫૭૦ પાઉન્ડ જ મળ્યા છે. સુંદર કોતરણીવાળા સ્તંભો બચાવવા માટે આગામી થોડાં દિવસમાં જ નાણાં એકત્ર કરવાની જરૂર છે.
ડોનેશન માટે સંપર્ક. https://bit.ly/3fqV7OR