હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા 19 ઓગસ્ટના રોજ ભારતના 77મા સ્વતંત્રતા દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા અશ્વિનભાઈ ગલોરિયાને તેમની વર્ષોની સેવા, સખત મહેનત અને નિસ્વાર્થ સમર્પણ બદલ અનોખું બહુમાન અપાયું હતું. હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના ચેરપર્સન નિર્મળાબેન પટેલે હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટની તમામ કમિટી વતી અશ્વિનભાઈના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરાવીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દર વર્ષે આ દેશમાં જન્મેલા બાળકોને કલાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને રીતરિવાજોથી પરિચિત કરાવે છે. આ પ્રસંગે 13 જ્ઞાતિના પાંચ વર્ષના બાળકોથી માંડીને 60 વર્ષ વડીલોએ દેશભક્તિનો ગીત-સંગીત-નૃત્યસાથે રંગારંગ કાર્યક્રમ રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. વિવિધ કાર્યક્રમના માધ્યમથી સંદેશ અપાયો હતો કે સ્વતંત્રતા એ દરેક વ્યક્તિનો હક છે જેને કોઈ છીનવી શકે નહિ. આપણા પૂર્વજોેએ કેટલા કષ્ટ વેઠીને આઝાદી મેળવી હતી અને જીવનમાં સ્વતંત્રતા કેટલી જરૂરી છે. સાથે સાથે જ આઝાદી માટે બલિદાન આપનાર વીરોને અંજલિ અપાઇ હતી.