હિન્દુ કાઉન્સિલ યુકેની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

Wednesday 02nd October 2024 06:13 EDT
 
 

લંડનઃ હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) વેમ્બલીના ધ બ્રેન્ટ ઈન્ડિયા એસોસિયેશન ખાતે 22 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાઈ હતી. AGMમાં HCUK અધ્યક્ષ કૃષ્ણા ભાન, અનિલ ભનોટ (મેનેજિંગ ટ્રસ્ટી), ક્રિસ ગોપાલ (ટ્રેઝરર), દીપેન રાજ્યગુરુ (ઈક્વલિટી ડાયરેક્ટર), મૂર્થિજીની પ્રોક્સીમાં એમ.પી.નાથન તેમજ ટેમ્પલ્સ ડર્બી, રીડિંગ, બેડફોર્ડ, લેસ્ટર, સાઉધમ્પ્ટન અને લંડનથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

બંધારણનો ભંગ અને આંતરિક ટ્રસ્ટી વિવાદ

મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોટ અને દીપેન રાજ્યગુરુએ પૂર્વ ચેર અને જનરલ સેક્રેટરી, ત્રણ ટ્રસ્ટીઓ દ્વારા બંધારણની મહત્ત્વની જોગવાઈઓનું ઉલ્લંઘન કરાયાનું જણાવ્યું હતું. ચેરિટી કમિશને સ્પષ્ટ કર્યું હતું કે HCUKએ આંતરિક ટ્રસ્ટી વિવાદ સુલઝાવવા અથવા કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. અનિલ ભનોટ અને પૂર્વ ચેર ઉમેશ શર્મા વચ્ચે સમાધાન બેઠકમાં શર્મા પદત્યાગ કરવા અને કૃષ્ણાજીને પદભાર સોંપવા સહમત થયા હતા. જોકે, તેમણે પાછળથી મન બદલી નાંખ્યું હતું.

આ મીટિંગમાં HCUK કાયદેસર સંસ્થા તરીકે કામગીરી બજાવતી રહે અને ચેરિટી કમિશન કોડ્સ હાંસલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમ સર્વાનુમતે ઠરાવાયું હતું.

HCUKના બોર્ડની પુનઃરચના કરાઈ

ચેરપર્સન કૃષ્ણાબહેન ભાને HCUKના દીર્ઘકાલીન એક્ઝિક્યુટિવ મેમ્બર તેમજ આર્કવેસ્થિત બ્રિટાનિઆ હિન્દુ ટેમ્પલ મંદિર અને સૈવ ફેડરેશન ઓફ ટેમ્પલ્સના પ્રતિનિધિ મિ. એમ.પી. નાથનની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ/ ટ્રસ્ટીઝમાં નવા સભ્ય તરીકે દરખાસ્ત કરી હતી. સભ્યોએ નાથનને ડાયરેક્ટર/ ટ્રસ્ટી બનાવવાના ઠરાવ તેમજ ત્રણ અસંમત ડાયરેક્ટર્સ/ ટ્રસ્ટીઝ, ઉમેશ શર્મા, રજનીશ કશ્યપ અને મહંતા શેષ્ઠાને દૂર કરવાના ઠરાવને સર્વાનુમતે બહાલી આપી હતી.

ટ્રેઝરર ક્રિસ ગોપાલ દ્વારા વર્ષ 2023/24ના હિસાબો અને અનિલ ભનોટ દ્વારા રીપ્રેઝન્ટેટિવ ફોર્મ્સ રજૂ કરાયા હતા જેને બહાલી અપાઈ હતી.

હિન્દુત્વ મુદ્દે બીબીસીની રજૂઆતો

અનિલ ભનોટે એવો મત દર્શાવ્યો હતો કે બીબીસી દ્વારા રામમંદિર અયોધ્યાના રિપોર્ટિંગ તેમજ બાંગલાદેશના હિન્દુઓ મુદ્દે વિપરીત રિપોર્ટિંગ કરી હિન્દુફોબિયા પ્રદર્શિત કર્યો હતો. અનિલભાઈએ બીબીસીની ડાયવર્સિટી પોલિસીમાં સુધારાની માગ કરી હતી. બીબીસીના પોઝિટિવ પ્રોગ્રામ્સને આપણે વખાણીએ છીએ. હેરોની કૃષ્ણા અવંતિ સ્કૂલમાં સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાન સહિત અભ્યાસક્રમ શીખવવા બાબતે પોઝિટિવ રિપોર્ટ અપાયો હતો.

ચેરપર્સન મિસિસ કૃષ્ણા ભાને એજીએમનું સમાપન કરી સુવિધાઓનો ઉપયોગ કરવા દેવા બદલ બ્રેન્ટ ઈન્ડિયન એસોસિયેશન, ટ્રસ્ટીગણ અને ઉપસ્થિત સભ્યોનો આભાર માન્યો હતો.

• નવી એક્ઝિક્યુટિવ/ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સઃ મિસિસ કૃષ્ણા ભાન (ચેર), અનિલ ભનોટ (મેનેજિંગ ટ્રસ્ટી), કુસ્સિયાલસિંગ ગોપાલ ( ટ્રેઝરર), દીપેન રાજ્યગુરુ (ડાયવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન), એ મૂર્થિ (હિન્દુ તામિલ કોમ્યુનિટી) અને એમ. પી. નાથન (સૈવ ફેડરેશન ઓફ તામિલ ટેમ્પલ્સ) એક્ઝિક્યુટિવ ઓફિસર્સઃ સૂર્યા ઉપાધ્યાય – નેપાળીઝ કોમ્યુનિટી

એક્ઝિક્યુટિવ મેમ્બર્સઃ મિ. દીલિપ જોશી MBE (ઈક્લવિટી એન્ડ રીપ્રેઝન્ટેશન), મિ. અમૃત લાલ ભારદ્વાજ(આર્ય સમાજ લંડન) એક્ઝિક્યુટિવ રીપ્રેઝન્ટેટિવ્ઝઃ નીરજ જોશી અને સંદીપ શિંદે (ડર્બી હિન્દુ ટેમ્પલ), યોગેશ તેલી (આશિયાના ચેરિટેબલ ટ્રસ્ટ) રીપ્રેઝન્ટેટિવ્ઝઃ સુરિન્દર સુંદ અને આત્મારામ ધાન્ડા (રવિદાસિયા કોમ્યુનિટી), વી રવિ (બ્રિટિશ તામિલ ફોરમ), અરુણ ઠાકર (NCHT), પ્રતીક દત્તાણી (ઈન્ડિયા બ્રીજ) અને અનિતા રુપારેલીઆ(એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter