લંડનઃ હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર અને શ્રીમદ્ ભાગવત કથાને સંબોધતા પ.પૂ. સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે E=mc2નું સૂત્ર ભૌતિક જગતને વ્યાખ્યાયિત કરે છે પરંતુ ઓમકાર ભૌતિક જગતના મૂળિયાં સાથે જોડે છે. હિંદુઓએ હંમેશા મધમાખીની જેમ વર્તવું જોઈએ, હંમેશા મધ ઉત્પન્ન કરવા અને મધનું રક્ષણ કરવા સજ્જ રહેવું જોઈએ. સમૃદ્ધિ કેવી રીતે હાંસલ કરવી અને કઇ રીતે તેનું રક્ષણ કરવું તે દરેક વ્યક્તિ જાણતી હોવી જોઈએ.
નોર્થોલ્ટમાં વેસ્ટ એન્ડ રોડ પર આવેલા એસકેએલપીસી ખાતે આ સેમિનાર અને ભાગવત કથા યોજાઇ હતી. માધવપ્રિયાદાસજીએ કહ્યું હતું, ‘ઓમકાર એ ધ્વનિના વિજ્ઞાનથી બનેલો છે. તેમાં બિંદુ રહેલું બ્રહ્માંડનું પ્રતીક છે. આપણું ઋષિ દર્શન કહે છે કે એકાદ - બે કે સેંકડો નહિ પણ અનંત બ્રહ્માંડો છે. ભારતીય દશર્નનું ઊંડાણ રજૂ કરવા માટે માત્ર એક બિંદુ જ પર્યાપ્ત છે.’
તેમણે કહ્યું હતું કે હિંદુ ધર્મ એવી ઘણી બધી પસંદગીઓ રજૂ કરે છે જે વિશ્વના અન્ય કોઈ પણ ધર્મમાં જોવા મળતી નથી. આ વૈવિધ્યમાં વિશિષ્ટતા છે અને આપણે તેને પસંદ કરીએ છીએ. આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે - બધા સુખી થવા જોઇએ. આ સુખની વ્યાખ્યા માત્ર મનુષ્યો પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ તમામ જીવો માટે છે. તમે પત્રો પોસ્ટ કરવા માટેનું લાલ બોક્સ જોયું જૂઓ છો, તેના બધા પત્રો જીપીઓ પર જાય છે. આ જ રીતે, આપણા ઋષિઓએ પંથના વિવિધ બોક્સનો વિકલ્પ આપ્યો છે, જેમને જ્યાં અનુકૂળ હોય ત્યાં લેટર નાંખી કરી શકે છે, પણ આખરે તો તે નારાયણના ચરણોમાં પહોંચવાનો છે.’
સ્વામીશ્રીએ કહ્યું હતું કે આપણે નાશવંતનો ઉપયોગ કરવો પડશે અને શાશ્વતને પ્રેમ કરવો પડશે. સર્વનું ભલું કરવું એ ધર્મ છે અને દુઃખ આપવું એ અધર્મ છે. કોઇ પણ વ્યક્તિ નિયત બંધારણથી ઉપર જઈ શકતી નથી, એટલે કે નિયંત્રણ માટે ધર્મદંડ છે.’
‘હિન્દુ ધર્મને હાનિ પહોંચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે’
વિદ્યાવાચસ્પતિ પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ કહ્યું, ‘ભારતની વધતી જતી શક્તિ કેટલાક લોકોને સ્વીકાર્ય નથી. હિંદુ ધર્મને નુકસાન પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. દેડકાઓ વરસાદની મોસમમાં એકઅવાજે બૂમો પાડવા માંડે છે કંઇક એવું જ ચાલે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આવું જ ષડયંત્ર ચાલી રહ્યું છે. સહુએ એક થવાની તાતી જરૂર છે. તમે ગમે તે પંથ-સંપ્રદાયને અનુસરતા હો, પણ સનાતન ધર્મ માટે એક બનો, નહીં તો ભવિષ્ય સારું નથી. આવો આપણે ચર્ચા કરીએ - આપણે કોણ છીએ. આજે સનાતન ધર્મની ગર્જના જરૂરી છે.’
‘ગુજરાત સમાચાર’ના માધ્યમથી સી.બી. ભારતીય સંસ્કૃતિને વધુ મજબૂત કરી રહ્યાા છેઃ માધવપ્રિયદાસજી
સ્વામી માધવપ્રિયદાસજીએ કહ્યું હતું, ‘યુકેનું ‘ગુજરાત સમાચાર’ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. સી.બી.એ તેનું શૂન્યમાંથી અનંત સર્જન કર્યું છે. ભારતમાં જ્યારે તમે બદ્રીનાથ જાઓ છો ત્યારે રુદ્રપ્રયાગ આવે છે. ત્યાં ગંગાજીની બે ધારા - મંદાકિની અને અલકનંદા ત્યાં મળે છે. ભગવાન નારાયણના ચરણકમળમાંથી અલકનંદા અને શિવજીના ચરણકમળમાંથી મંદાકિની વહે છે. આમ, રુદ્રપ્રયાગ બંને પવિત્ર નદીઓનો સંગમ છે. સી.બી.નું ઘર પણ રુદ્રપ્રયાગ જેવો સંગમ છે. તેમના પત્ની ભગવાન સ્વામિનારાયણના અનુયાયી છે જ્યારે તેઓ ખુદ શિવજીના ભક્ત છે. શિવજી જ્ઞાન સ્વરૂપ છે અને સ્વામિનારાયણ ભગવાન ભક્તિ સ્વરૂપ છે. આથી જ તમારું ઘર અમારા ઘર જેવું છે. તમે માત્ર ગુજરાત કે ગુજરાતીઓની જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સમુદાયની સેવા કરી રહ્યા છો. સી.બી.એ ભારતીયો માટે એક અલગ ઓળખ ઉભી કરી. આ બહુ મોટી વાત છે. તેમણે ઘણા લેખકો અને પત્રકારોને અવસર આપ્યો છે. ‘ગુજરાત સમાચાર’ દ્વારા સી.બી. ભારતીય સંસ્કૃતિને સતત મજબૂત કરી રહ્યા છે. હું સમગ્ર ‘ગુજરાત સમાચાર’ પરિવારની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.’
કચ્છી સમાજની સૌથી મોટી તાકાત ધર્મભાવના, સમર્પણ અને નિષ્ઠાઃ સી.બી. પટેલ
કથાના પ્રારંભે સ્વામીશ્રી માધવપ્રિયદાસજી દ્વારા ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’ના પ્રકાશક અને એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.બી.એ કહ્યું હતું, ‘મારો આ સંસ્થા અને કચ્છી સમાજ સાથેનો નાતો 50 વર્ષથી વધુ જૂનો છે.
આજે કચ્છી સમાજ વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને દરેક પ્રગતિશીલ ક્ષેત્રે અગ્રેસર છે. કચ્છી સમાજની સૌથી મોટી તાકાત ધર્મ ભાવના, સમર્પણ અને ભક્તિ છે. જે પ્રકારે સંતો સમુદાયના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે, તે જોઇને લાગે છે કે આપણી આવતી ત્રણ પેઢીઓ આ દેશમાં સુરક્ષિત છે."
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને મહેમાનોનો પરિચય વેલજીભાઈ વેકરિયાએ આપ્યો હતો. શશીભાઈ વેકરિયા, ભીમજીભાઇ વેકરિયા, ઇલિંગના મેયર કાઉન્સિલર હિતેશભાઇ દરજી, કાઉન્સિલર જયંતિભાઈ પટેલ, સૂર્યકાંતભાઇ જાદવા, સુભાષભાઇ પટેલ, મહેશ લિલોરીયાને પણ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા.
ધાર્મિક વિચરણ માટે બ્રિટન પધારેલા સ્વામીશ્રી 22થી 24 જૂન દરમિયાન શ્રી રામ મંદિર - વુલવિચ ખાતે સાંજે 6 થી 8 વાગ્યા સુધી શ્રી ભાગવત વ્યાખ્યાન આપશે. જ્યારે 25થી 28 જૂન દરમિયાન શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર - ઇસ્ટ લંડન ખાતે દરરોજ સાંજે 6:30 થી 7:30 દરમિયાન સહજાનંદ વ્યાખ્યાનમાળા યોજાઇ છે.