લંડનઃ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા હાઉસ ઓફ કોમન્સ ખાતે દિવાળી ઉજવણી પ્રસંગે અન્નકૂટોત્સવનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં આ વર્ષે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ - ‘કુમકુમ’ યુકેને અન્નકૂટ કરવાનું આમંત્રણ અપાયું હતું. મંદિરના સભ્યોએ ખાસ ડિઝાઈન કરેલા મંચ ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરીને ભવ્ય અન્નકૂટની મનમોહક ગોઠવણી કરી હતી. 23 ઓક્ટોબરે યોજાયેલા આ પ્રસંગની માહિતી આપતાં કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ અન્નકૂટોત્સવનો લાભ લેવા માટે લંડનના અનેક સાંસદો, લોકલ કાઉન્સિલના કાઉન્સિલર્સ, વિવિધ મંદિરોના ટ્રસ્ટીઓ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત કુમકુમ મંદિરની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
હાઉસ ઓફ કોમન્સમાં અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં હેરોના એમપી બોબ બ્લેકમેન, લોર્ડ નવનીત ધોળકીયા-ઓબીઇ અને સ્ટોકપોર્ટના એમપી નવેન્દુ મિશ્રાએ ઉમળકાભેર સાથ-સહકાર આપ્યો હતો.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ - ‘કુમકુમ’ યુકે અને મિન્સ્ટર નર્સિંગ કેર હોમ્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર 300થી પણ વરિષ્ઠ મહાનુભાવોને પ્રસાદ અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, લંડનના હાઉસ ઓફ કોમન્સમાં સનાતન હિન્દુ ધર્મના તહેવારની અને સવિશેષ તો અન્નકૂટોત્સવની ઉજવણી થાય, તે હિન્દુ સમુદાય માટે ગૌરવપૂર્ણ બાબત છે. આજે સારાય વિશ્વમાં આપણા ભારતીય ઉત્સવો હવે ઉજવાય છે, તે દરેક ભારતીય માટે આનંદ અને ગૌરવની વાત ગણાય. જો આ રીતે આપણા ઉત્સવો ઉજવાતા રહેશે તો આપણા બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કારવારસો સચવાઈ રહેશે.