લંડનઃ હિન્દુ મંદિરમાં સ્ટ્રીટ પાર્ટી યોજાઈ શકે તેવી સામાન્ય ધારણા હોતી નથી પરંતુ, આ મંદિર સામાન્ય નથી! નામદાર કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશી નિમિત્તે ઉજવણીમાં અનૂપમ મિશન દ્વારા કોમ્યુનિટીને એકસાથે લાવવા અદ્ભૂત સજાવટ અને વ્યવસ્થા કરવામાં આવી હતી. આવા ઐતિહાસિક પ્રસંગે એશિયન કોમ્યુનિટીના સ્નેહ, વફાદારી અને શુભકામનાઓનું પ્રદર્શન કરવા અનૂપમ મિશનના વોલન્ટીઅર્સે તેમના ગુરુ પરમ પૂજ્ય સાહેબજીની પ્રેરણા અને મંદિરના વડા પૂજ્ય હિંમત સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કામગીરી આરંભી હતી.
રવિવાર. 7 મે 2023ની બપોર પછી કપકેક્સ અને સેન્ડવિચીઝથી માંડી વડા પાઉં અને ભેલ-પૂરી, મફત ઠંડા અને ગરમ પીણાં સતત પીરસાયાં હતાં અને નાસ્તાઓ રાંધવા, લાવવા તેમજ બાળકો અને સમગ્ર કોમ્યુનિટી માટે મિજબાનીમાં અદ્ભૂત સરભરા કરવા સ્વયંસેવકો કામે લાગી ગયા હતા. કોમ્યુનિટીના સભ્યોના આગમન સાથે લોકોનો એકબીજા સાથે મેળમિલાપ, વાતચીતો તેમજ અન્ય તમામ પ્રવૃત્તિઓમાં તેમણે લીધેલા ભાગ સાથે ઉત્સવનું અદ્ભૂત વાતાવરણ સર્જાઈ ગયું હતું. યુવા સ્વયંસેવકોએ બાળકો માટે કૂકીઝ ડેકોરેટિંગ સ્ટેન્ડ તેમજ મહેંદી સ્ટેન્ડ અને ચહેરા પર ચીતરામણ માટે સ્ટેન્ડ ગોઠવ્યાં હતાં. સમગ્ર બપોર પછીના સમયમાં રમતો રમાઈ હતી જેમાં, વોલન્ટીઅર્સ દ્વારા બાળકો માટે સંગીત ખુરશી- મ્યુઝિકલ ચેર્સની રમત તેમજ વયસ્કો માટે કોરોનેશન બિન્ગો સહિતના રમતો તૈયાર કરાઈ હતી.
ઉજવણીમાં મંદિરના ધારાધોરણોને આદર આપીને ઈંડારહિત કેક બનાવવા બેક-ઓફની સ્પર્ધા સમગ્ર વિશિષ્ટ આયોજનોમાં એક બની રહી હતી. કોમ્યુનિટીમાંથી જ નિર્ણાયકોની પસંદગી કરવામાં આવી હતી. સંખ્યાબંધ સ્પર્ધકોમાંથી માત્ર 12 વર્ષની પ્રતિભાશાળી બાળાએ બેક-ઓફ સ્પર્ધામાં વિજય હાંસલ કર્યો હતો! ઈવેન્ટમાં રેફલ ડ્રોનું પણ આયોજન કરાયું હતું જેમાં કોમ્યુનિટીના સભ્યો દ્વારા મળેલાં દાનથી પ્રાઈઝનું વિતરણ થયું હતું. ગરબા અને છેલ્લે બ્રિટિશ રાષ્ટ્રગીતના ગાન સાથે કોરોનેશન ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું.
અનૂપમ મિશનના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સાહેબજીએ પ્રિન્સ ઓફ વેલ્સ તરીકેના વર્ષોમાં નામદાર કિંગ ચાર્લ્સના વિઝન અને કામગીરીની હંમેશાં સરાહના કરી છે અને હવે તેઓ આ દેશના મોનાર્ક-રાજા તરીકેનું કર્તવ્ય નિભાવવાનો આરંભ કરી રહ્યા છે ત્યારે કોમ્યુનિટીની અઢળક શુભકામનાઓ તેમની સાથે જ છે.
આ સેલિબ્રેશનમાં કોમ્યુનિટી દ્વારા ઉજવણી, વૈવિધ્યતા અને સૌથી શ્રેષ્ઠ તો સેવા સહિત જે બધું સારું છે તેનું સત્વ અને તત્વ ઝીલાયું હતું. પ્રિન્સ વિલિયમે પોતાના સંબોધનમાં કહ્યું હતું તેમ, ‘ગઈકાલે વેસ્ટમિન્સ્ટરમાં પ્રવેશતી વેળાએ મારા પિતાના પ્રથમ શબ્દો સેવાના વચનના હતા. તે સેવાને જારી રાખવાનો સંકલ્પ હતો.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘મારા પિતા હંમેશાંથી માનતા આવ્યા છે કે તમામ ધર્મના, તમામ પશ્ચાદભૂ અને તમામ કોમ્યુનિટીઓના લોકો પ્રસિદ્ધિ અને સપોર્ટ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે.’
અનૂપમ મિશન ખાતે આયોજિત આ ઈવેન્ટ કોમ્યુનિટી માટે કશું વિશિષ્ટ તૈયાર કરવામાં તેમજ આવનારા તમામ લોકોને અદ્ભૂત સમય માણવાનો અનુભવ મળે તે માટે પોતાના સમય અને શક્તિ આપનારા અનેક સ્વયંસેવકોના કાર્યનું પરિણામ હતું. તમામ વ્યવસ્થા, રસોઈકાર્ય, સાફસફાઈ અને પાર્કિંગ ડ્યૂટીઝથી માંડી રમતોના આયોજન અને ઈવેન્ટના સંચાલન સહિતની સંપૂર્ણ કામગીરી થકી સ્વયંસેવકોએ ચોક્કસપણે સેવાના સંદેશાનું ઉદાહરણ પુરું પાડ્યું હતું.