લંડનઃ અનુપમ મિશન-યુકેએ બકિંગહામશાયરના ડેનહામ ખાતેની જમીન પર અત્યાધુનિક ક્રિમેટોરિયમ - સ્મશાનગૃહના નિર્માણ મુદ્દે સીમાચિહ્ન પ્લાનિંગ અપીલમાં વિજય પ્રાપ્ત કર્યો છે. આ સ્થળ વર્તમાન હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની નજીક આવેલું છે. યુકેમાં આ સૌપ્રથમ ખાસ હેતુસરનું હિન્દુ ધર્મનું સ્મશાનગૃહ બની રહેશે. આ વિજય લેન્ડમાર્ક અપીલ માટે સંઘર્ષ કરનારા અનેક હિસ્સેદારોની સતત ધીરજ અને મક્કમ નિર્ધારના છ વર્ષની લડતનું પરિણામ છે જેના વિના આ વિજય અશક્ય રહ્યો હોત.
ક્રિમેટોરિયમ સવલતો સંદર્ભે રિવ્યૂ લોન્ચ
૨૦૧૧ના સેન્સસ અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સના બ્રિટિશરોમાં ૨.૭ ટકા હિન્દુ (૮૧૭,૦૦૦) અને ૧.૪ ટકા શીખો (૪૨૩,૦૦૦) છે. ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને તેમના ૨૦૧૫ના સમર બજેટમાં હિન્દુઓ અને શીખો માટે ક્રિમેટોરિયમ સવલતો સંદર્ભે રિવ્યૂ લોન્ચ કર્યો હતો જેથી તમામ આસ્થાના ઉપયોગકર્તાઓની જરૂરિયાતોને અનુસાર સ્મશાનગૃહની સુવિધા પ્રાપ્ત થઈ શકે.
બ્રિટિશ હિન્દુઓ અને શીખો દ્વારા ચાન્સેલર સમક્ષ રજૂઆતો કરાઈ હતી કે વર્તમાન સવલતો ઘણી અપૂરતી અને તેમની જરૂરિયાતોને સુસંગત ન હોવાનું ચિંતાજનક છે.
આ સૂચિત પરામર્શ દ્વારા સરકાર આ મુદ્દાઓ વિશે વધુ જાણકારી અને વર્તમાન કાયદા અનુસાર પ્રવર્તમાન સવલતોને સુધારવા શું પગલાં લઈ શકાય તેમ ઈચ્છતી હતી. તત્કાલીન ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને જણાવ્યું હતું કે તેમના બજેટે બ્રિટિશ હિન્દુઓ અને શીખો માટે આપ્યું છે, બિઝનેસીસને ટેકો, સખત મહેનત કરતા પરિવારોની પાછળ રહી તેમની આકાંક્ષાને સપોર્ટ આપે છે. ઓસ્બોર્ને પોતાની કોમ્યુનિટીઓ માટે ક્રિમેશન સવલતોની ચિંતાથી માહિતગાર કરનારા બ્રિટિશ હિન્દુઓ અને શીખોની ચિંતાને સ્વીકારી હતી. તેમણે ડિપાર્ટમેન્ટ ફોર કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્મેન્ટ દ્વારા કન્સલ્ટેશન લોન્ચ કરાશે તેમ કહ્યું હતું અને યોગ્ય સમયમાં તેમ કરાયું હતું. કન્સલ્ટેશનમાં તમામ ધર્મો અને કોમ્યુનિટીના તમામ સભ્યોના મંતવ્યોને ધ્યાનમાં લેવાનો ઈરાદો હતો.
પ્લાનિંગ ઈન્સ્પેક્ટોરેટે વિશેષ સંજોગોની નોંધ લીધી
પ્લાનિંગ ઈન્સ્પેક્ટોરેટે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ પ્રસિદ્ધ નિર્ણયમાં ગ્રીન બેલ્ટ ભૂમિમાં બાંધકામને વાજબી ઠેરવતા વિશેષ સંજોગોની નોંધ લીધી હતી. ઈન્સ્પેક્ટોરેટે નોંધ્યું હતું કે નોર્થ અને વેસ્ટ લંડન તેમજ આસપાસની કાઉન્ટીઝમાં વસતી હિન્દુ કોમ્યુનિટીને ફ્યુનરલ્સ અને ક્રીમેશન્સ સંબંધિત ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ અને પરંપરાઓના સંપૂર્ણ પાલનના ઈનકારનો ગેરલાભ સહન કરવો પડે છે.
હિન્દુ સમુદાયના સભ્યની...
મૃત્યુને આદર આપવાની સ્તુત્ય ડિઝાઈન
આ ઉપરાંત, આ વિસ્તારમાં વર્તમાન ક્રિમેટોરિઆ તમામ હિન્દુ રીતરિવાજોને સુસંગત અપૂરતી સુવિધાઓ ધરાવે છે. પાર્કિંગ ફેસિલીટીઝ તેમજ આવશ્યક હોય તે સમયે ફ્યુનરલ પૂરી પાડવાની અક્ષમતા કે મુશ્કેલી અને સર્વિસનો સમયગાળો પણ અપૂરતો છે. આ દેશમાં હિન્દુ કોમ્યુનિટી માટે ગુણવત્તાપૂર્ણ, પવિત્ર અને યોગ્ય અગ્નિદાહની સવલતો માટે દરખાસ્તોની નોંધ લેવાઈ હતી જે હાલમાં આ દેશમાં પૂરી પાડવામાં આવતી નથી.
ક્રિમેટોરિયમનું બિલ્ડિંગ અને સંકળાયેલી સુવિધાઓની ડિઝાઈન હિન્દુ કોમ્યુનિટીની જરૂરિયાતોને પહોંચી વળવા સ્થાપત્ય સહિત ખાસ રીતે નિશ્ચિત કરવામાં આવી છે. દરખાસ્તોમાં બે વેઈટિંગ રુમ્સ, અગ્નિદાહ અગાઉની વિધિઓ માટે બે ખાનગી વિધિખંડ, ક્રિયાકાંડ માટે વિશાળ હોલ અને અગ્નિદાહના હોલનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત, સ્નાનકર્મની સુવિધા અને સામુદાયિક ભોજન માટે બેઠકો સહિત અલાયદા કેન્ટિન બિલ્ડિંગનો પણ સમાવેશ થયો છે. આના પરિણામે, ધાર્મિક વિધિ અનુસાર સ્નાન અને અગ્નિદાહ પછી સામૂહિક ભોજન પણ શક્ય બનશે. આ ઉપરાંત, વિશાળ કાર પાર્કિંગ પણ પુરું પાડવામાં આવશે.
દરખાસ્તો માટે સમર્થનમાં ૨,૦૦૦થી વધુ સહીઓ મળી હતી તેમજ હિન્દુ કોમ્યુનિટી વતી અપીલની સુનાવણીમાં લોર્ડ જિતેશ ગઢિયા અને સાંસદ બોબ બ્લેકમેને પણ અરજીની તરફેણમાં રજૂઆત કરી હતી.
A40 માર્ગ પર અનુપમ મિશનના પ્રવેશદ્વારે સાઈનેજ મૂકવા ઓછામાં ઓછી ૫,૦૦૦ સહીઓ મેળવવા ‘એન્ટરન્સ સાઈનેજ ફોર અનુપમ મિશન હિન્દુ ટેમ્પલ’ મથાળા હેઠળ અન્ય પિટિશન પર કરવામાં આવી હતી. તમામ મુલાકાતીઓ તેમજ હાઈ સ્પીડ ડ્યુઅલ કેરેજવેના કારણે ઘણા ડ્રાઈવર્સ પ્રવેશદ્વારને ચૂકી જતા હોવાથી માર્ગસુરક્ષા માટે પણ સાઈનેજ આવશ્યક અને મહત્ત્વપૂર્ણ છે.
આ નિર્ણય પર ટીપ્પણી કરતા અનુપમ મિશનના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય સાહેબજીએ કહ્યું હતું કે, ‘અમે આ મહત્ત્વના નિર્ણય અને યુકેની હિન્દુ વસ્તીની સેવા કરવા અનુપમ મિશનને પ્રાપ્ત તકને આવકારીએ છીએ. આપણા હિન્દુ રીતરિવાજો અનુસાર ‘અંતિમ સંસ્કાર’ કે અંતિમવિધિ કરવાથી વિદાય થયેલા આત્માને મોક્ષ તેમજ શોકના સંવેદનશીલ સમયમાં હિન્દુ પરિવારના સભ્યોને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ડેનહામમાં અમારી વિશાળ અને શાંત ભૂમિ અને નવનિર્મિત મંદિર સુવિધાઓ આ ‘માનવસેવા’ માટે આદર્શ સ્થળ છે. સમગ્ર હિન્દુ કોમ્યુનિટીની સેવા પૂરી પાડવા અમે તમામ હિન્દુ સંગઠન-સંસ્થાઓ સાથે કામ કરવા આતુર છીએ.’
લોર્ડ જિતેશ ગઢિયાનો અદમ્ય ઉત્સાહ
લોર્ડ જિતેશ ગઢિયાએ ૨૦૧૫માં એશિયન વોઈસના વાચકોને સંબોધિત કરતા લખ્યું હતું કે, ‘સરકારના ઉચ્ચ સ્તરોએથી ઉદ્ભવતી ગંભીર પહેલોને આપણી કોમ્યુનિટી દ્વારા સમાન પ્રોફેશનલ અને સંકલિત પ્રતિભાવ આપવો જરૂરી છે. ડિપાર્ટમેન્ટ ફોર કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્મેન્ટ દ્વારા રિવ્યૂ પ્રોસેસના ચોક્કસ પ્રકાર અને ફલક વિશે જાહેરાત કરવાની બાકી છે ત્યા તેનાથી આખરે આ બહુચર્ચિત મુદ્દાને માત્ર ચર્ચાના તબક્કેથી શ્રેણીબદ્ધ નક્કર ભલામણો અને પ્રાપ્યતાના તબક્કે પહોંચાડવાની અનોખી તક છે. તેમણે ભારપૂર્વક લખ્યું હતું કે આ રિવ્યૂ ‘આપણી કોમ્યુનિટીની પરિપક્વતા અને સહકાર સાધવાની તેમજ સુસંવાદી સ્વરે બોલવાની ક્ષમતાની મહત્ત્વપૂર્ણ પરીક્ષા છે.’
વંશીય લઘુમતી કોમ્યુનિટીઓમાં ક્રિમેટોરિયમ્સની અછતના મૂળ કારણોનો ઉલ્લેખ કરતા લોર્ડ જિતેશ ગઢિયાએ દર્શાવ્યું હતું કે અગાઉની સ્થાનિક કાઉન્સિલો પર પ્રવર્તમાન દફનસ્થળોને જાળવવા બાબતે ચોક્કસ જવાબદારીઓ હતી પરંતુ, નવી અથવા સ્થાનિક કક્ષાએ યોગ્ય સવલતો પૂરી પાડવા અંગે ચોક્કસ કાનૂની જવાબદારીઓ તેમના પર ન હતી.
ઉદાહરણ લઈએ તો સૌથી વધુ ભારતીય વસ્તી ધરાવતા લંડનના બે બરોઝ - બ્રેન્ટ અને હેરો દ્વારા તેમના જ કેચમેન્ટ વિસ્તારોમાં વાસ્તવમાં કોઈ ક્રિમેટોરીઆ સવલતો અપાતી નથી પરંતુ, પડોશના બરોઝની સવલતો પર આધાર રખાય છે.
લોર્ડ ગઢિયાએ લખ્યું હતું કે, ‘કિમેટોરિયમ રિવ્યૂ આપણી કોમ્યુનિટી માટે મહત્ત્વપૂર્ણ પરીક્ષા છે. તેનું પરિણામ મહત્ત્વનું છે એટલા માટે જ નહિ પરંતુ, આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ તેનું પણ મહત્ત્વ રહેલું છે. આપણી કોમ્યુનિટી તરીકેની જે ધારણા છે તેના માટે સીમાચિહ્ન બની શકે છે. હું આશા રાખું છું કે આ આ પડકારનો સક્ષમપણે સામનો કરીશું.’
છ વર્ષ પછી લેન્ડમાર્ક અપીલ સફળ થઈ છે ત્યારે લોર્ડ જિતેશ ગઢિયાએ કહ્યું હતું કે, ‘યુકેમાં હિન્દુ કોમ્યુનિટી માટે આ સીમાચિહ્નરૂપ પળ છે. આપણામાંથી ઘણાએ આપણી કોમ્યુનિટીની જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ આપણી સાંસ્કૃતિક અને સામાજિક જરૂરિયાતોને સુસંગત બહેતર સુવિધાઓ મળતી થાય તે માટે વિશેષ રીતે નિર્મિત હિન્દુ ક્રિમેટોરિયમ માટે અભિયાનમાં સક્રિયપણે સંકળાયેલા હતા. હું આ પ્લાનિંગ અરજી અને અપીલને ધીરજ સાથે આગળ વધારવા બદલ અનુપમ મિશન યુકેને અભિનંદન પાઠવું છું. પ્લાનિંગ કમિશનરના આવકારદાયી જજમેન્ટથી હિન્દુ કોમ્યુનિટીની અપૂર્ણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરી અને વિશિષ્ટ સંજોગોની નોંધ લેવામાં આવી છે. હું આશા રાખું છું કે હિન્દુ, શીખ અને જૈન વસ્તી ભારે પ્રમાણમાં હોય તેવા વિસ્તારોમાં પણ અન્ય ફેસિલિટીઝ શક્ય બનાવવા વિચારણા કરાશે.’