અમદાવાદઃ દાઉદી વોહરા સમાજના 53મા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ ત્રણ દિવસના અમદાવાદ પ્રવાસ દરમિયાન આસ્ટોડિયા વિસ્તારની કુત્બી મસ્જિદમાં 32મા દાઈ સૈયદના કુતુબખાન કુતુબુદ્દીનની પુણ્યતિથિ નિમિત્તે ઉપદેશ આપ્યો હતો. રસેયદના કુત્બુદ્દીનને સરસપુરમાં મઝાર-એ-કૃત્બીમાં દફનાવવામાં આવ્યા છે, જેમનો ગુજરાત જ નહીં સમગ્ર વિશ્વમાં વસતાં સમાજ દ્વારા ખૂબ જ આદર કરાય છે.
આ નિમિત્તે સરસપુર દરગાહમાં ઉપસ્થિત દેશવિદેશના 35 હજારથી વધુ સભ્યોને સંભોધતા સૈયદનાએ તેમને શ્રેષ્ઠ લક્ષણો વિશે ઉપદેશ આપ્યો હતો. સવિશેષ તો તેમણે લોકોને મળવા અને સાચા દિલથી સેવા કરવા માટે સલાહ આપી હતી. સભ્યોને સંબોધતા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને સૈયદના કુતુબખાન કુતુબુદ્દીનના ઉમદા ગુણોનું વર્ણન કર્યું હતું. સાથે સાથે જ તેમણે કહ્યું હતું કે ‘પ્રત્યેક વ્યક્તિને હૃદયની પવિત્રતા સાથે મળવું જોઇએ. દરેક વયજૂથની વ્યક્તિ પવિત્ર કુર્રાનને આત્મસાત કરે તેવો મારો અનુરોધ છે.’
સમુદાયના તમામ વયના લોકોને પ્રોત્સાહિત કરવા તેમણે પવિત્ર કુર્રાનને કંઠસ્થ કરવા કહ્યું હતું. જેના પગલે અમદાવાદમાં 109 દાઉદી વ્હોરાએ આખું કુર્રાન કંઠસ્થ કર્યું છે. આ ઉપરાંત સૈયદનાએ સાબરમતી નદીના કિનારે કરંજ ખાતે સૈયદના કુતુબખાન કુતુબદ્દીનની શહાદતની ભાવનાત્મક ઘટના વર્ણવી હતી.
અમદાવાદમાં 8 હજાર દાઉદી વહોરા
અમદાવાદ શહેરની ટૂંકી મુલાકાત દરમિયાન, સૈયદનાએ સૈયદના કુતુબખાન કુતુબુદ્દીન અને અહીં દફનાવવામાં આવેલા અન્ય ડાયસના મકબરા પર શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ સમુદાયના સભ્યો સાથે તેમની સુખાકારીની પૂછપરછ કરવા માટે મળ્યા હતા. સદીઓથી, દાઉદી વોરા સમુદાય અમદાવાદના સામાજિક-સાંસ્કૃતિક અને આર્થિક લેન્ડસ્કેપનો સક્રિય અને અભિન્ન હિસ્સો રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં હાલમાં 8 હજારથી વધુ સભ્યો વસે છે. દાઉદી વ્હોરા સમાજ શહેર અને ગુજરાતના વેપારી સમુદાયમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
તેમની ઉદ્યોગિક સાહસ અને આર્થિક વૃદ્ધિમાં ફાળો આપે છે. અમદાવાદમાં આ સમુદાયના સભ્યો નિયમિતપણે સ્વચ્છતા અભિયાનમાં જોડાય છે અને શહેરમાં જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરે છે.