અબુ ધાબીઃ યુએઈમાં અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિર દ્વારા IGF લીડર્સ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, એકતા, સહકાર અને ઈનોવેશનની ઊજવણી કરવામાં આવી હતી. ભારત અને મિડલ ઈસ્ટના અગ્રણી નેતાઓ અર્થસભર સંવાદ, સહકાર અને નેટવર્કિંગની સાંજ માટે અહીં એકત્ર થયા હતા. પ્રાચીન સભ્યતાઓની કથા કંડારતી અતિ બારીક કારીગીરી ધરાવતું માસ્ટરપીસ હિન્દુ મંદિર આંતરધર્મીય સંવાદનું પ્રતીક છે તેમજ ભારત અને યુએઈ વચ્ચે એકતા અને સાંસ્કૃતિક સમજના સહભાગી મૂલ્યોને મૂર્તિમંત બનાવે છે. આ સંદર્ભમાં BAPS હિન્દુ મંદિર ભારત અને મિડલ ઈસ્ટના અગ્રણી નેતાઓ વચ્ચે અર્થસભર સંવાદનું સ્થળ બની રહે તેમાં કોઈ આશ્ચર્ય ન કહેવાય. આ વર્ષના આરંભે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયા પછી આ મંદિર બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોની દૂરદર્શી કલ્પનાનો પુરાવો હોવા સાથે ભવ્ય લેન્ડમાર્ક બની રહ્યું છે. આ ઈવેન્ટમાં યુએઈસ્થિત ભારતીય રાજદૂત સંજય સુધીર અને BAPS હિન્દુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીની ઉપસ્થિતિએ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે,‘તમારામાંથી દરેક પોતાના ક્ષેત્રોમાં અગ્રેસર છો પરંતુ, હું તમને સહુને થોડા અટકવા અને તમારા હૃદયને થોડી સ્પેસ આપવા અને વધુ મહત્ત્વનું તો તેના અવાજને સાંભળવા જણાવું છું. આ પ્રેક્ટિસ કરવા સાથે તમે વધુ ઊંચાઈ પ્રાપ્ત કરશો. આપસી વિશ્વાસ અને સંવાદિતા થકી શું હાંસલ કરી શકાય છે તેનું આ મંદિર ઉજ્જવળ ઉદાહરણ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હૃદયસ્પર્શી પ્રાર્થનાઓથી પ્રેરિત કલ્પના અને હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની અપાર ઉદારતાએ તેને ફળદાયી પરિણામ બનાવ્યું તેમજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અવિચળ સત્યનિષ્ઠા થકી તેને વાસ્તવિકતા પ્રાપ્ત થઈ છે.’
ભારતીય રાજદૂત સંજય સુધીરે મંદિરનાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વને હાઈલાઈટ કરતા કહ્યું હતું કે,‘આ મંદિર યુએઈમાં સૌથી વધુ મુલાકાત લેવાતાં સ્થળોમાં એક હોવાની સાથોસાથ સંવાદિતા અને વિઝનરી નેતૃત્ત્વનું પ્રતીક પણ છે જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની સહભાગી મહત્ત્વાકાંક્ષાએ મૂર્તિમંત બનાવ્યું છે.
IGF – ઈન્ડિયા ગ્લોબલ ફોરમના સ્થાપક અને ચેરમેન મનોજ લાડવાએ વિશ્વાસ-ભરોસાના વિષય પર ભાર મૂકતા કહ્યું હતું કે,‘ ભારત અને યુએઈના સતત વિકસી રહેલા સંબંધોનો પાયો વિશ્વાસ છે જે આ મહાન મંદિરની મજબૂત આધારાશિલા છે. તે બંને દેશો જેને જાળવી રાખવા ઈચ્છુક છે તે માનવતા અને પ્રકૃતિ વચ્ચેની સંવાદિતાનું પ્રતિનિધિત્વ કરે છે.’
આ સાંજે સમગ્રતયા આરોગ્ય, નેતૃત્વ અને સામુદાયિક કલ્યાણ વિશે નોંધપાત્ર ચર્ચાઓ પણ થઈ હતી જેમાં, તુલાહના સ્થાપક ફૈઝલ કોટ્ટિકોલ્લોન, સાંસ્કૃતિક અને લીડરશિપ નિષ્ણાત સુહેલ શેઠ અને ટેનિસ લેજન્ડ લીએન્ડર પેસ જેવા વિશિષ્ટ વ્યક્તિઓએ ફાળો આપ્યો હતો.
ફૈઝલ કોટ્ટિકોલ્લોને પ્રાચીન સ્વાસ્થ્ય પદ્ધતિઓના પુનઃ ઉપયોગની હિમાયત કરતા જણાવ્યું હતું કે,‘આધુનિક મેડિસીન રોગને અલગાવ તરીકે નિહાળે છે પરંતુ, આપણે તો શરીર, મન અને આત્માનો સંઘ-ગઠન છીએ. આયુર્વેદ સમગ્રતયા આરોગ્યનો માર્ગ દર્શાવે છે.’
સુહેલ શેઠે સ્વાસ્થ્યની હિમાયતમાં આધ્યાત્મિકતાની ભૂમિકાને હાઈલાઈટ કરતા કહ્યું હતું કે,‘સારા આરોગ્યનો આરંભ સારા આત્મા સાથે થાય છે. BAPS મંદિર હિન્દુ જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે અને વર્તમાન વિશ્વમાં આધ્યાત્મિક સુશ્રુષાના રણદ્વીપ તરીકે સેવા આપે છે. આ રણમાં તે વાસ્તવિક રણદ્વીપ છે. તે મંદિર હોય, મસ્જિદ કે ચર્ચ હોય, દરેક ક્ષણે માનવતાને આધ્યાત્મિક સુશ્રુષાની જરૂર પડે છે.’
લીએન્ડર પેસે એકતા સાધવાની સ્પોર્ટ્સની શક્તિ તેમજ સંસ્કૃતિઓ વચ્ચે સમતુલા સાધવાની વાત કરતા જણાવ્યું હતું કે,‘ સ્પોર્ટ્સ સીમાડાઓને ઓળંગી જાય છે અને મારું સ્વપ્ન આ સાર્વત્રિક ભાષાના માધ્યમ થકી લાખો બાળકોને પ્રેરણા આપવાનું છે. પાશ્ચાત્ય ઈનોવેશન અને પૂર્વીય હડાપણ વચ્ચે સંતુલન સાધવામાં જ સફળતા રહેલી છે.’
IGF લીડર્સ ડિનર થકી ભાવિ એલાયન્સીસના નિર્માણ, પ્રગતિ અને સહકાર માટે પ્રાદેશિક પ્રતિબદ્ધતાને મજબૂતાઈથી દર્શાવવા સાથે અસરકારક સંવાદને મહત્ત્વ અપાયું હતું. ‘અસીમિત ક્ષિતિજો--Limitless Horizons’ થીમ હેઠળ યોજાએલા IGF ME&A 2024 માં ભારત, મિડલ ઈસ્ટ અને આફ્રિકામાંથી 200થી વધુ વક્તા તેમજ 1000 પાર્ટિસિપેન્ટ્સ એકત્ર થયા હતા. આ ઈવેન્ટમાં ગ્લોબલ પાર્ટનરશિપ, ટેકનોલોજી, ઈનોવેશન અને સસ્ટેનિબિલિટી સહિત 9 ક્ષેત્રોમાં નેટવર્કિંગ તક, વિચારપ્રેરક પેનલચર્ચાઓનો સમાવેશ થયો હતો.