લંડન: સંગત સેન્ટર હેરોના સેનક્રોફ્ટ રોડ ખાતે આવેલ રજિસ્ટર્ડ ચેરિટી છે, જે હેરો અને આસપારના બરોમાં વસવાટ કરતા એશિયન અને અન્ય લઘુમતી સમુદાયોને મદદ કરે છે. તેઓ સરકારી વિભાગો, હાઉસિંગ એસોસિએશન, બેનિફિટ એજન્સીઓ અને સંખ્યાબંધ સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે. સંગત સેન્ટરનો ઉદ્દેશ્ય વૃદ્ધો, નબળા વર્ગો, શીખવામાં અક્ષમ લોકો, માનસિક વિકલાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગોને કાનૂની મદદ દ્વારા સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. સેન્ટર બેનિફિટ્સ એન્ડ ઇમિગ્રેશન અપીલ ખાતે અસીલો વતી કેસવર્ક કરી રજૂઆત કરે છે. સેન્ટરની સેવાઓ લેનારાને થયેલા લાભ તેની સફળતાનો દર દર્શાવે છે.
સંગત સેન્ટરના સીઇઓ કાંતિભાઇ નાગડા - એમબીઇએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન એકલતા અને એકલવાયાપણાની ભયાનક અસરોમાંથી બહાર આવવા સેન્ટરે ડિજિટલ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવીને 29 વ્યક્તિની મદદ કરી હતી. આઇપેડ ઉપલબ્ધ કરાવી અને તેનો ઉપયોગ શીખવીને તેમને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓથી અવગત કરાવ્યા અને સામાજિક રીતે પણ સાંકળ્યા. તેમની આરોગ્ય જરૂરીયાતોના પરિણામોમાં પણ સુધારો લાવી શક્યાં.
તેઓ કહે છે કે હવે સંગત સેન્ટર ટૂંકા ગાળા માટે ધ્યાન કેન્દ્રિત કરીને કોઇને શિયાળા દરમિયાન હીટિંગ અને ભોજન વચ્ચે પસંદગી ન કરવી પડે તે સુનિશ્ચિત કરવાનું છે. વૃદ્ધો મોટાભાગનો સમય ઘરમાં જ રહેતા હોય છે અને તેમની પાસે આવક વધારવાનો કોઇ વિકલ્પ હોતો નથી.
કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસની અસરોમાંથી છૂટકારા માટે સેન્ટર
• શિયાળામાં સૌથી અસરગ્રસ્ત લોકો માટે સુરક્ષિત અને ગરમ જગ્યા ઉપલબ્ધ કરાવવા માગે છે
• જેમને સરકારી સહાય ઉપલબ્ધ નથી તેવા લોકોને સહાય કરવા અને વીજળીના ઉપયોગ અંગે સલાહ આપવા માગે છે
• આખો દિવસ ચ્હા, બપોરનું ગરમ ભોજન ઉપલબ્ધ કરાવવા માગે છે
• આઇ-પેડનો વિનામૂલ્યે ઉપયોગ ઉપલબ્ધ કરાવવા માગે છે
• વિકલાંગ લોકોને વિશેષ સુવિધાઓ આપવા માગે છે