સોરઠ (સૌરાષ્ટ્ર)ની ધરતી એટલે સંત ને શૂરાની પાવનભૂમિ. સાકર જેવી મધમીઠી વાણી બોલનારા કવિઓ ને કથાકારો પણ આ ધરતીની દેન છે. તાજેતરમાં હેરો લેઝર સેન્ટર ખાતે સાત દિવસ શિવ કથા દ્વારા દેવાધિદેવ મહાદેવના મહિમાનું રસપાન કરાવનાર પૂ. ગિરિબાપુને મળવાનો અવસર સાંપડ્યો. "વેસ્ટકોમ્બ" ગૃપના શ્રી વજુભાઇ પાણખાણિયા પરિવાર તરફથી આ શિવકથાનું આયોજન થયું હતું. સહ્દય, નિખાલસ અને ધર્મમયી શ્રી વજુભાઇના આગ્રહથી એમના હેરો ઓન ધ હિલના નિવાસસ્થાને મને ગયા શુક્રવારે સવારે પૂ. ગિરિબાપુ સાથે સત્સંગ કરવાની થોડીક પળો સાંપડી. દેશવિદેશમાં છેલ્લા ૨૦ વર્ષથી શિવકથા કરનાર પૂ. ગિરિબાપુની આ ૫૪૫મી શિવકથા છે. બ્રિટનમાં એમની આ સાતમી કથા હતી. સાવરકુંડલાના ગોસ્વામી કુટુંબમાં જન્મેલા પૂ.ગિરિબાપુ કહે છે, “તેઓ આદિશંકરાચાર્યના વંશજ છે. શિવાલયના મુખ્ય પૂજારી ગિરિ પુરી, ભારથી અને દશનામ ગોસ્વામી જ હોઇ શકે.
ગિરીબાપુ કહે છે કે, “શિવલીંગ પર ભક્તો દૂધ ચઢાવે છે એ રીત ખોટી છે. હું જયાં જ્યાં મંદિરોમાં ગયો ત્યાં મેં શિવલીંગ પર દૂધ અભિષેક બંધ કરાવ્યો છે. શિવને દૂધાભિષેક ચોક્કસ કરી શકાય પણ એ દૂધ કેવું હોવું જોઇએ એનું સૌને જ્ઞાન નથી. કેવું દૂધ શિવલીંગ પર ચઢે? એના પ્રત્યુત્તર આપતાં પૂ. ગિરિબાપુ કહે છે કે, “ગાયનું દૂધ સૂર્યોદય પહેલાં અથવા સૂર્યાસ્ત પહેલાં દોહેલું હોવું જોઇએ. ગાયનું વાછરડું દૂધ પીવાનું છોડે પછી જ એનું દૂધ ચઢે, બે ગાયનું મિક્સ કરેલું દૂધ ના ચઢે, વિયાએલી ગાયનું દૂધ ના ચઢે, બ્રાહ્મણ કે ખીલે બાંધેલી (બધે છૂટી ફરતી, ગમે તેવું ખાતી ના હોય એવી) ગાયનું દૂધ ચઢે, ગાય દોહેલા દૂધનું ટીપુ ધરતી પર પડેલું ના હોવું જોઇએ. હું જ્યાં ગયો ત્યાં મેં દૂધનો અભિષેક બંધ કરાવ્યો છે. મંદિરોમાં દૂધનો ખૂબ વ્યય (બગાડ) થાય છે. શિવને જલ ચઢે. સાવરકુંડલાના શિવાલયમાં જે જલ ચઢે એને અમે પ્યોરીપાઇન કરી પીવામાં વાપરીએ છીએ. જલનો લોટો ભરીને શિવને અભિષેક કરવા જતા હોય અને રસ્તામાં પક્ષીનું કૂડું ખાલી દેખાય તો ત્યાં જ પાણી ચઢાવો. ચિત્ત-મન, વાણી અને જીવનકાર્યમાં વિશ્વકલ્યાણની ભાવના હોય એને જ ખરી શિવપૂજા કહેવાય. તેઓ કહે છે "મારી કથા ક્રાંતિકારી, જાગૃતિ લાવનારી હોય છે. આ વર્ષે મેં યુ.કે.માં કથા દરમિયાન બધા જ મંદિરોમાં મારો સંદેશ આપ્યો છે. મંદિરો, કથા-સત્સંગમાં યુવાનોને લાવો.'
ગિરિબાપુ કહે છે "આપણો આદિ દેવ શિવ છે, આપણે નિરાકારના ઉપાસક છીએ. ૐની ગજબની શક્તિ છે. ૐમાં શિવના દર્શન થાય, ૐને પ્રણવલીંગ કહ્યું છે, ૐ એ ધ્વનિ છે, એના મૂળમાં શિવ છે. શિવ નિરાકારનું પ્રતિક છે. હિન્દુઓ મૂર્તિપૂજક નથી, મૂર્તિ એ આપણો આધાર છે, પ્રારંભ છે, આપણી ભક્તિની શરૂઆત છે. આપણે નિરાકારના ઉપાસક છીએ."
સોમવારે પૂ. ગિરિબાપુ અમેરિકા જવા રવાના થયા છે. ત્યાં એટલાન્ટા, સાઉથ કેરોલીના, ટેકસાસ, શિકાગો ઇત્યાદિ છ સ્થળોએ શિવકથાનું આયોજન કરાયું છે.