હ્યુસ્ટનમાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

Wednesday 28th August 2024 06:28 EDT
 
 

હ્યુસ્ટનઃ ટેક્સાસમાં હ્યુસ્ટન પાસે પવનપુત્ર હનુમાનજીની 90 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું છે. ટેક્સાસમાં માઇલો દૂરથી દેખાતી, આ પ્રતિમા અમેરિકામાં ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. તે ન્યૂ યોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (151 ફીટ) અને ફ્લોરિડામાં હેલેન્ડેલ બીચ સ્થિત પેગાસસ એન્ડ ધ ડ્રેગન (110 ફીટ) બાદ ત્રીજા નંબરે આવે છે.
પ્રતિમાનું અનાવરણ કરતા આયોજકોએ જણાવ્યું હતું કે તેને સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ આપવામાં આવ્યું છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક છે. તે ભારતની બહાર હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા પણ છે. આયોજકોએ જણાવ્યું હતું કે શ્રી અષ્ટલક્ષ્મી મંદિર ખાતે 15 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ દરમિયાન 'સ્ટેચ્યુ ઓફ યુનિયન’ હનુમાન મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આ પ્રતિમા નિઃસ્વાર્થતા, ભક્તિ અને એકતાનું પ્રતિક છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભગવાન રામ અને સીતાને એક કરવામાં હનુમાનની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેને સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ આપવામાં આવ્યું છે. પદ્મભૂષણ વિજેતા અને પ્રખ્યાત વૈદિક વિદ્વાન ચિન્ના જેયર સ્વામીજીના દૂરંદેશી પ્રયાસોને કારણે આ પ્રતિમા શક્ય બની છે. આ ઉત્સવ 15 ઓગસ્ટથી શરૂ થયો હતો અને ત્યારબાદ 18 ઓગસ્ટે ભવ્ય અભિષેક સમારોહ શરૂ થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ચિન્ના જીયર સ્વામીજી અને વૈદિક પુરોહિતો અને વિદ્વાનોના નેતૃત્વને કારણે આ ઉત્સવ આધ્યાત્મિકતાનું અદ્ભુત પ્રદર્શન બની ગયો હતો. સમારોહ દરમિયાન મૂર્તિ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા તથા ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને હજારો ભક્તોની વચ્ચે રામ અને હનુમાનના નામનો જાપ સાથે હનુમાનજીના ગળામાં 72 ફૂટ લાંબી માળા અર્પણ કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter