સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) યુકેની વાર્ષિક સાધારણ સભા ૧૧મી એપ્રિલ, ૨૦૨૧ને રવિવારે સાંજે ૫થી ૭ દરમિયાન યોજાશે. તેમાં ઝૂમના માધ્યમથી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી યોજાશે. SPMS યુકેની વાર્ષિક સાધારણ સભા દર બે વર્ષે યોજાય છે.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે સ્વૈચ્છિક સંસ્થા છે અને ૧૯૮૫માં સરદાર પટેલના શુભેચ્છકો અને પ્રશંસકો દ્વારા તેની સ્થાપના કરાઈ હતી.
સંસ્થાનો હેતુ મહાન નેતા સરદાર પટેલના જીવન અને કાર્યો વિશે માત્ર બાળકોમાં જ નહીં પણ આપણી કોમ્યુનિટીઝમાં જાગ્રતિ કેળવવાનો છે. સોસાયટીના માળખામાં રહીને SPMS યુકેએ તેની મુખ્ય જવાબદારીઓ પૂર્ણ કરવાની છે.
એકતાના જુસ્સાની સરદાર પટેલની વીરાસતને આગળ ધપાવવા માટે SPMS યુકેએ અત્યાર સુધીમાં ઘણાં કાર્યક્રમો યોજ્યા છે. સંસ્થા દ્વારા ભારતના લોહ પુરુષની જન્મજયંતી અને પુણ્યતિથિની વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે અને તેમને અગ્રણી વક્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે.
૧૯૯૦માં ભાજપના તત્કાલીન મંત્રી અને હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતીએ બ્રેન્ટ ટાઉનહોલમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું.
એક્ઝિબિશનમાં સરદાર પટેલની તસવીરો અને ફિલ્મો અને SPMSને સંબંધિત સાહિત્ય રજૂ કરાય છે.
સરદાર પટેલના જીવન વિશે શ્રી રાજેન્દ્ર ભગત દ્વારા લેસ્ટર, પ્રેસ્ટન અને મીડલેન્ડ્સના અન્ય શહેરોમાં વ્યાખ્યાનમાળા રજૂ કરવામાં આવી હતી.
૨૦૦૨માં ભારતના નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન શ્રી એલ કે અડવાણીએ ઈન્ડિયા હાઉસ ખાતે હીઝ એક્સેલન્સી શ્રી રોનેન સેનની હાજરીમાં સરદાર પટેલની કાંસાની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા માટે SPMS યુકે અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ ડોનેશન આપ્યું હતું.
બ્રેન્ટ લાઈબ્રેરીમાં પણ સરદાર પટેલની કાંસાની અર્ધપ્રતિમા મૂકવામાં આવી હતી. SPMS દ્વારા ભારતથી તેમના વિશે ઘણાં પુસ્તકો લાવવામાં આવ્યા છે જેમાં રાજમોહન ગાંધી લિખિત
‘પટેલ અ લાઈફ’ પુસ્તકનો પણ સમાવેશ થાય છે.
૧૯૫૦માં સરદાર પટેલનું અવસાન થયું હતું. તેમના અવસાનના ૪૧ વર્ષ પછી તત્કાલીન વડા પ્રધાન પી વી નરસિંહારાવે (૧૯૯૧-૯૬) તેમને ભારત રત્ન એવોર્ડનું સન્માન આપ્યું હતું.
સંપર્ક. ક્રિશ્રા પૂજારા - 07931 708028 અથવા ઈમેલ – [email protected]