અગાઉ ૮ વર્ષથી પથારીવશ રહેલા યુકેના ૬૫ વર્ષીય સેલ્મા હાર્બ શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે ૯ કલાક લાંબી સ્પાઈન સર્જરી કરાવ્યા બાદ સીધા ઉભા રહી શકે અને ચાલી શકે છે. તેઓ ઓક્સફર્ડના રહેવાસી અને ફાર્મસિસ્ટ છે. તેમણે પોતાની ફાર્મસી સ્થાપી છે. તેમનું આયોજન એક્ટિવ લાઈફ સાથે રિટાયર થવાનું હતું. તેમના પતિ ફૌઝી હાર્બ ફૂડ કેટરિંગનો બિઝનેસ કરે છે. તેમને ચાર સંતાનો છે જેમાંથી એક ડોક્ટર છે.
લગભગ ૧૦ વર્ષ અગાઉ તેમના પર યુકેમાં સ્પાઈન સર્જરી થઈ હતી. શરૂઆતમાં તેમની સ્થિતિ સારી હતી, પરંતુ અચાનક સ્થિતિ કથળવા લાગી. તેઓ આગળની તરફ વાંકા વળવા લાગ્યા જેથી સીધા ઉભા રહેવાનું કે ચાલવાનું મુશ્કેલ બનવા લાગ્યું. થોડા જ સમયમાં સ્થિતિ એવી થઈ કે તેમના માટે ઉભા રહેવાનું કે ચાલવાનું સાવ અશક્ય બની ગયું અને તેમને કાયમ માટે પથારીમાં રહેવું પડતું હતું. તેના કારણે તેમણે બંને પગમાં શક્તિ ગુમાવી દીધી.
યુકેમાં ડોકટરોએ સૂચવ્યું કે તેમના કિસ્સામાં વધુ સર્જરી અથવા સારવાર શક્ય નથી. તેમણે ફરીથી ચાલવાની આશા ગુમાવી દીધી હતી ત્યારે તેમના એક બ્રિટિશર મિત્રે તેમને અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં સારવાર કરાવવા સલાહ આપી. તેમના મિત્રના પિતાનું ઓપરેશન પણ હોસ્પિટલના ડૉ. નિરજ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. ડો. વસાવડાનો અભિપ્રાય મેળવવા માટે તેઓ કોવિડ પછી ફ્લાઇટ્સ ફરી શરૂ થતાંની સાથે જ ભારત આવ્યા. સુખદ આશ્ચર્યની વાત એ છે કે, તેમની સ્થિતિનું વિવિધ ટેસ્ટ (જેમાંના કેટલાક ટેસ્ટની યુકેમાં ક્યારેય સલાહ આપવામાં આવી ન હતી) સાથે સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી ડૉ. વસાવડા અને તેમની ડૉક્ટરોની ટીમે તેમની વિકલાંગતાનું ચોક્કસ કારણ શોધ્યું.
ડૉ. વસાવડાના જણાવ્યા મુજબ, તેમની વિકલાંગતાનું કારણ તબીબી પરિભાષામાં "સર્જરી પછીના સેગિટલ અસંતુલન સાથે ગતિશીલ અસ્થિરતા" (“post surgery saggital imbalance with dynamic instability”) હતું. આ સ્થિતિમાં વ્યક્તિની સ્પાઈન અસ્થિર થઈ જાય છે અને જ્યારે પણ તે ઊભા રહેવાનો કે ચાલવાનો પ્રયત્ન કરે છે ત્યારે દર્દી આગળ ઝૂકવા લાગે છે.
ડો. વસાવડાએ તેમને સમજાવ્યું કે આ અસંતુલનને અત્યંત જટિલ સ્પાઇન સર્જરી દ્વારા સુધારી શકાય છે જેમાં ચોકસાઇ, અનુભવ અને ન્યુરોમોનિટરીંગ અને નેવિગેશન જેવી અદ્યતન ટેકનોલોજીની જરૂર પડે છે.
શ્રીમતી હાર્બની સર્જરી ૯ કલાક ચાલી હતી. બીજા જ દિવસે તેમને ઉભા કરાયા ત્યારે તેમને એ વાત પર વિશ્વાસ બેસતો ન હતો કે તેમની સ્પાઈન આગળની તરફ ઝુકતી ન હતી અને તેમની પીડા દૂર થઈ ગઈ હતી. તેમને પીઠ વધારે મજબુત લાગવા લાગી. તે પછી શેલ્બી ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિહેબિલિટેશન સાયન્સિસ (SIRS) ખાતે ફિઝિયોથેરાપિસ્ટની ટીમ દ્વારા લગભગ એક મહિના સુધી રિહેબિલિટેશન ચાલ્યું. સિનિયર સર્જન ડૉ. પ્રતિક લોઢાએ કહ્યું કે શ્રીમતી હાર્બ પરત રવાના થયા ત્યારે તેઓ માત્ર એક લાકડીના સહારે ૨૦૦ મીટર સુધી ચાલી શકતા હતા. શ્રીમતી હાર્બ અને તેમના પતિ એટલા ખુશ થયા કે તેઓએ તેમના પૌત્રનું નામ ડૉ. નિરજ વસાવડાના નામે રાખવાનું વચન આપ્યું”.