શનિવાર ૧૨ ઓગષ્ટના રોજ યુ.કે. એશિયન વુમન્સ ક્લબે ન્યુટ્રીશીયન અને વેલબીઇંગ નિષ્ણાતને આમંત્રી વાર્તાલાપનું આયોજન હેરોમાં એક ચર્ચમાં કર્યું હતું. જેમાં ૯૦ વર્ષ સુધીની ઉમરની બહેનો-ભાઇઓએ મોટી સંખ્યામાં હાજર રહી તંદુરસ્તી જાળવવાની જાણકારીનો લાભ લીધો હતો. આ આરોગ્યને લગતો વાર્તાલાપ હોવાથી ભાઇઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
ક્લબના પ્રમુખ વર્ષાબહેન બાવીશીએ સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ‘૪૪ વર્ષ અગાઉ સંસ્થા સ્થપાઇ હતી અને એના ૩૦૦ સભ્યો છે. વિવિધ પ્રવૃત્તિઓ અને તહેવારોની ઉજવણી કરી ક્લબની બહેનોને મનોરંજન સાથે માહિતી પીરસીએ છીએ.’
ન્યુટ્રીશિયન નિષ્ણાત ગીતાબહેન ટેલરે જણાવ્યું કે, ઉમર વધવાની સાથે તકલીફો વધતી જાય છે. આર્થરાઇટીસ, યાદ શક્તિ ઓછી થવી-ડીમેન્શીયા, ડીપ્રેશન, સોજા આવવા, ટાલ પડવી, આંખ-કાનની તકલીફ, પાચનશક્તિ નબળી થવી, પાર્કીન્શન, શરીરનો દુ:ખાવો, સ્થૂળતા, ઊંઘ બરાબર ન આવવી, એકલતા વગેરે…એના કારણો તેમજ ઉપાયો વિષે જણાવ્યું. અંતરથી યુવા કઇ રીતે રહેવું? એ જાણ્યા પછી ઉમર ઓછી વરતાય! બાકી ઉમર-ઉમરનું કામ કરે પરંતુ મન-તનથી સ્વસ્થ રહેવું જરૂરી છે. આપણા આયુર્વેદમાં પણ બધા રોગોનું મૂળ કબજિયાત કહ્યું છે. પહેલું સુખ તે જાતે નર્યા મુજબ રોગોથી બચવા પેટ સાફ થવું જરૂરી છે. ૨૦ ટકા રોગો જીન્સને કારણે હોય છે બાકી ૮૦ ટકા પર આપણે કાબૂ મેળવી શકીએ જો આહાર-વિચાર પર નિયંત્રણ રાખીએ તો. આપણામાં કહેવત છે, ‘અન્ન તેવા ઓડકાર અને આચાર તેવા વિચાર’. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરમાં શું ખાવું એની સમજ આપી. પેટ સાફ રાખવા ફાઇબરયુક્ત ખોરાક, પૂરતું પાણી પીવું અને નિયમિત ચાલવું, હળવી કસરતો, લીલાં શાકભાજી, ફળોનો ડાયટમાં સમાવેશ કરવો. ખાવામાં છ રસો યુક્ત મીઠા, ખારા, ખાટા, તીખા, તૂરા અને કડવા બધા સ્વાદોનો સમાવેશ તાસીર મુજબ કરવો. શરીરમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ વગેરે જરૂરી છે પણ માપમાં લેવું. સૂકો મેવો, સીડ્સ, સ્પ્રાઉટ્સ (જુદા જુદા કઠોળના) ખાવા. વાસી ખોરાક ન ખાવો, સાંજે ભારે ખોરાક ન ખાવો જેવી બાબતોનું ધ્યાન રાખવાથી આરોગ્ય સારું રહે. ફર્મેન્ટેટેડ ખોરાક સારો. તળેલો ખોરાક ન ખાવો.. સૂર્ય-ચંદ્રની ગતિ પર ડાયટનો આધાર છે એટલે પૂનમે ઉપવાસ કરવાનું કહેવાયું છે. સૂર્ય તપતો હોય તો ખોરાક પચાવવાની તાકાત વધારે હોય છે. આપણા પેટમાં અગ્નિ હોય છે જે પાચનક્રિયામાં મદદરૂપ થાય છે. ક્યારે, કેટલું, શું ખાવું? એનો વિવેક જળવાય તો આરોગ્ય સારું રહે.
યોગ નિષ્ણાત લીનાબહેને વેલનેસ વિષે માહિતી આપતાં કહ્યું કે, યોગમાં આઠ ગુણ છે, જે વિચાર, પર્યાવરણ, શ્વાસોશ્વાસ, આર્તનાદ, પોસ્ચર, ધ્યાન વગેરે માટે લાભદાયી છે. સામૂહિક ક્રિયા વધુ અસરકારક રહે છે. સ્ટ્રેચીંગ એક્સરસાઇઝ વગેરેની સમજ આપી. સેશનના અંતે પ્રશ્નોત્તરી યોજાઇ. કાર્યક્રમના અંતે હેલ્થી લંચ બાદ સૌએ વિદાય લીધી.