લંડનઃ ગુરુકુલ પરિવાર અને સ્વામિનારાયણ ગુરુકુલ-અમદાવાદના વડા શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દૃઢપણે માને છે કે સનાતન ધર્મના મૂળ આપણા કુટુંબ, સમુદાય અને વિશ્વમાં એકતા તથા અખંડિતતાના મૂલ્યોનું જતન-સંવર્ધન કરવામાં બહુ મદદરૂપ થાય છે. આજે હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક થવાનો સમય પાકી ગયો છે, જો આમ નહીં થાય તો આ પ્રાચીન અને ઉમદા ધર્મને મોટું નુકસાન થશે.
માધવપ્રિયદાસજી સ્વામી 29 મે થી 30 જુલાઈ સુધી આધ્યાત્મિક વિચરણ માટે યુકે પધાર્યા છે. સ્વામીશ્રી 10 જૂન સુધી (દરરોજ સાંજે 6.00થી 8.00) કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર - કેન્ટન, હેરો ખાતે સહજાનંદ વ્યાખ્યાનમાળાને સંબોધશે. કેન્ટન મંદિર ખાતે ‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું હતું, “એકતા એ હિંદુ ધર્મનો મુખ્ય આધારસ્તંભ છે અને વિવિધતામાં એકતાનો આ સમન્વય વિશ્વના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતો નથી. આ વિવિધતા એવા બગીચા જેવી છે જેમાં અનેકવિધ પ્રકારના ફૂલો હોય છે, બધાના રંગ, સુગંધ અને કદ અલગ અલગ હોય છે પરંતુ તેમનો દૃષ્ટિ અને ધ્યેય એકસમાન હોય છે. તે નદીઓના પ્રવાહ જેવું છે, તે વિવિધ સ્થળોએથી ઉદ્ભવે છે અને જુદા જુદા માર્ગે વહે છે, પરંતુ છેવટે તે સમુદ્રમાં એક થઈ જાય છે. હિન્દુ ધર્મનું પણ એવું જ છે, તેમાં વિવિધ પંથ જરૂર છે, પણ આખરે તો તેઓ એક પરમ તત્ત્વ સાથે એકરૂપ છે. દરેક હિંદુને ખબર હોવી જોઈએ કે તેઓ કોણ છે.”
પ્રાચીન ગુરુકુલ શિક્ષણ પરંપરા વિશે વાત કરતાં તેમણે કહ્યું, “ગુરુકુળ પરંપરા સમાજને શિક્ષિત કરવાની સૌથી સફળ પદ્ધતિ હતી. આથી જ તે સમયે ભારત દેશ સોનાની ચીડિયા હતો. આપણા ગુરુકુળો દુનિયાભરમાં આગવી નામના ધરાવતા હતા. આજે વિશ્વભરમાં લોકો ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અથવા હાર્વર્ડ યુનિવર્સિટીઓ પર પસંદગી ઉતારે છે જ્યારે પ્રાચીન સમયમાં લોકો તક્ષશિલા અને નાલંદા યુનિવર્સિટી પર પસંદગી ઉતારતા હતા. તેમની સ્થાપનાના મૂળમાં ધર્મ, પંથ અને આધ્યાત્મિકતાના મૂલ્યો હોવા છતાં પણ તે કોઇ ધાર્મિક વિશ્વવિદ્યાલય નહોતા. ગુરુકુલ શિક્ષણ પરંપરાનો સમગ્રતયા વિચાર વિશ્વસમસ્તના ભલા માટે હતો.”
માધવપ્રિયદાસજી સ્વામીએ કહ્યું, “ગુરુકુલ પ્રણાલી બહુમુખી અને પ્રગતિશીલ છે. પ્રાચીન શિક્ષણ પ્રણાલીના ત્રણ મુખ્ય સ્તંભ હતાઃ પરમ સત્તામાં સંપૂર્ણ શ્રદ્ધા, ગુરુ-શિષ્ય વચ્ચે પરસ્પર આદરભાવ અને સ્નેહ. અને સૌથી મહત્ત્વની બાબત તો એ હતી કે ગુરુઓ વિદ્યા(શિક્ષા)ને વેચતા ન હતા, પણ તેઓ વિદ્યાનું વિતરણ કરતા હતા. માતા કુદરત વિશે ખૂબ જ ચિંતા અને કાળજી હતી. આપણે ચૈતન્ય સ્વરૂપમાં વૃક્ષોનું પૂજનઅર્ચન કરતા હતા. પશ્ચિમી વિશ્વ ક્યારેય આ બધું સમજી શક્યું નથી અને હવે બધા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પ્રાચીન ગુરુકુલનું શિક્ષણ આજીવિકા રળવા અને નૈતિકતા તથા ફરજો શીખવાવા માટે હતું. ગુરુ-શિષ્ય વચ્ચેનો નાતો જીવનભરનો સંબંધ હતો.”
કૌટુંબિક મૂલ્યો વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, “આપણે પાસે વડીલોનું સન્માન કરવું અને નારીનું પૂજન કરવા જેવા કેટલાક દુર્લભ મૂલ્યો છે. ભાષા એ બધાને એકમેક જોડી રાખતું ગુંદર છે અને કોઈ પણ સંસ્કૃતિની સાચી ઓળખ છે. યુવા પેઢીને પારિવારિક એકતા, સ્નેહ અને અન્યોન્યના વિકાસ વિશે શીખવવું જોઈએ. જો કોઈ ભાષા જોખમમાં મૂકાશે તો સીધો જ સંસ્કૃતિ પર ખતરો મંડરાશે. યુવા પેઢીને હિંદુ સંસ્કૃતિના શ્રેષ્ઠ સારનું અંગ્રેજીમાં જ્ઞાન આપો, જેથી તેઓ તેમના મૂળ સાથે જોડાયેલા રહી શકે. આ માટે વૈશ્વિક સ્તરે સામૂહિક જાગૃતિની જરૂર છે.”
માધવપ્રિયદાસજી સ્વામીએ કહ્યું, “હું યુકેના લોકોને કહેવા માંગુ છું, તમે તમારી કર્મભૂમિમાંથી કમાણી કરો છો, વધારાની સુવિધાઓ અને લાભો મેળવો છો પરંતુ ક્યારેય તમારા અધિકારનો દુરુપયોગ કરશો નહીં. તમારી કમાણી હંમેશા સારા કામ માટે વાપરો. આ જ રીતે, ભારત તમારી માતૃભૂમિ છે. તમારા મૂળ, નાતો અને સ્નેહ જાળવી રાખવા જોઈએ. યુવા પેઢીએ કોઈ પણ પ્રકારના વ્યસનમાંથી મુક્ત થવું જોઈએ. તેમણે હિન્દુ ધર્મના સર્વોચ્ચ તત્ત્વને સમજવું જોઈએ.”