‘ગેટવે ફ્રોમ ઈન્ડિયા’ ભારત અને યુકેની ટકાઉ મૈત્રી અને ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરશે

મહેશ લિલોરિયા Tuesday 05th September 2023 13:12 EDT
 
 

લંડનઃ સુંદર રીતે સુશોભિત કોતરણી સાથેની પથ્થરની કમાન ‘ગેટવે ફ્રોમ ઈન્ડિયા’નું ભવ્ય ઉદ્ઘાટન પહેલી સપ્ટેમ્બર શુક્રવારે મિલ રોડ પર ડિચબર્ન પ્લેસ ખાતે યોજાયું હતું. આ સમારંભમાં ભારતીય હાઈ કમિશનના પ્રતિનિધિઓ અને કેમ્બ્રિજશાયરના ડેપ્યુટી લોર્ડ લેફ્ટનન્ટ, કેમ્બ્રિજના મેયર જેની ગોથોર્પે, ડેનિયલ ઝિકનેરMP, હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાન અને અન્ય મહત્ત્વપૂર્ણ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્બ્રિજના MP ડેનિયલ ઝિકનેરે પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકનો સંદેશો સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે,‘ તમામ પાર્લામેન્ટેરિયનો વતી અમે આજે જે કરવામાં આવ્યું છે તે બધાને બિરદાવીએ છીએ.’

ભારતીય હાઈ કમિશનના પ્રતિનિધિ સંજય કુમારે જણાવ્યું હતું કે,‘સમૃદ્ધ ઈતિહાસ અને વૈવિધ્યસભર કોમ્યુનિટી ધરાવતો મિલ રોડ ગેટવે ફ્રોમ ઈન્ડિયાની સંસ્થાપના માટે સંપૂર્ણ યોગ્ય સ્થળ છે. તે ભારત અને યુકે સહભાગી છે તેવી ટકાઉ મિત્રતા અને ભાગીદારીનું પણ પ્રતિનિધિત્વ પણ કરશે.’

કેમ્બ્રિજ હિન્દુ એસોસિયેશનના પૂર્વ ચેરમેન થાક પટેલે જણાવ્યું હતું કે,‘આ કોતરણી હિન્દુ મંદિરમાં સુશોભનનો ધાર્મિક ભૂતકાળ ધરાવે છે જેનું હાલ અસ્તિત્વ રહ્યું નથી પરંતુ, તે આજે ગેટવે ફ્રોમ ઈન્ડિયા તરીકે, આશાના પ્રતીક સ્વરૂપે અને કદાચ પુનઃ અવતાર તરીકે ઉભા છે. જેના થકી સમગ્ર કોમ્યુનિટી માન્યતાઓને ધ્યાનમાં લીધા વિના એકસંપ થઈ છે.’ કેમ્બ્રિજશાયરના ડેપ્યુટી લોર્ડ લેફ્ટનન્ટ પ્રોફેસર રોડ્રિક વોટકિન્સે સમગ્ર કોમ્યુનિટીને એક સાથે લાવવા બદલ આ પ્રોજેક્ટને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘આ ભવ્ય પ્રસંગ વૈવિધ્યપૂર્ણ મિલ રોડ કોમ્યુનિટીના જોશની ઉજવણીને સમર્પિત છે.’

આ કોતરણીકામને મિલ રોડ ટ્રેડર્સ એસોસિયેશન વતી પિએરો ડી’એન્જેલિકો દ્વારા આ પથ્થરનાં કોતરણીકામને બચાવી લેવાયું હતું. તેમણે પ્રોજેક્ટ શરૂ કર્યો અને કેમ્બ્રિજશાયર કાઉન્ટી કાઉન્સિલને ભારે સમજાવટ-દબાણ પછી આ પથ્થરો એક પાઉન્ડમાં તેને વેચી દેવા ઠરાવી તેમને બચાવી લીધા હતા. આ પછી સમગ કોમ્યુનિટીએ પથ્થરો ખસેડવા, સંઘરવા અને કોતરણીને લોકો આનંદ માણી શકે તે રીતે નવી કમાનની ડિઝાઈન તરીકે ઉભા કરવાની કામગીરી સંભાળી લીધી હતી.

પિએરોએ જણાવ્યું હતું કે, ‘મારા દાદા સલાટ (સ્ટોનમેશન) હતા અને તેમણે મને બાળપણમાં આ કારીગરી વિશે ઘણું શીખ્વ્યું હતું. હું જ્યારે પણ કોતરણી નિહાળું છું ત્યારે મને તેની વિશિષ્ટતા અને તેમાં કેટલી મહેનત કરાઈ હશે તે દેખાઈ આવે છે અને મને સ્પષ્ટ થાય છે કે મારે તેમને બચાવવાના જ છે. મિલ રોડની આસપાસની કોમ્યુનિટીમાં ઘણા લોકોએ આને શક્ય બનાવવા તેમના કૌશલ્ય, સલાહો અથવા દાન આપીને મદદ કરી છે. આનાથી લોકો ખરેખર એકસંપ થયા હતા.’ પિએરોએ ઉમેર્યું હતું કે, ‘ આ ગેટવે-પ્રવેશદ્વારની આસપાસ પોતાના નામ મૂકાવવામાં લોકો ગૌરવ અનુભવે છે ઘણી કોમ્યુનિટીઓ અને બિઝનેસીસમાંથી ઘણા નામ અંકિત થયેલાં છે. આ સ્થળે રહેલી જુની મેટરનિટી હોસ્પિટલમાં જેમનો જન્મ થયો હતો તેને પણ લોકો યાદ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ આ પ્રોજેક્ટનો હિસ્સો હોવાની લાગણી અનુભવે છે.’

મિલ રોડ ટ્રેડર્સ એસોસિયેશનના ચેરમેન શાપૌર મેફતાહે જણાવ્યું હતું કે, ‘આ પ્રોજેક્ટને સંપૂર્ણતા સુધી પહોંચાડવામાં સંકળાયેલા પ્રત્યેકનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. આ કાર્ય ભારે મહેનતનું હતું અને આ અદ્ભૂત કોમ્યુનિટી પ્રોજેક્ટની પરિપૂર્ણતા માટે પોતાના સમય અને મહેનતનું યોગદાન આપનારા વેપારીઓ, કાઉન્સિલરો તેમજ કોમ્યુનિટીઓના સંખ્યાબંધ સભ્યો સહિત ઘણા લોકો તેમાં સંકળાયેલા હતા.’

સમારંભના સમાપને પિએરોના વતન શહેર કાસ્ટાલુસીઓ વાલમેગિઓરે, ઈટાલીના મેયર સર પાસ્ક્યુએલ માર્ચેસી અને કેમ્બ્રિજના ડેપ્યુટી મેયર બાજુ થિટ્ટાલા વાર્કેએ પિએરોના દાદા અને નિષ્ણાત સ્થપતિ (સલાટ) ફાલ્કો ગિઆન પિએટ્રોની સ્મૃતિમાં તખતી સ્થાપિત કરી હતી.

એક સમયે આ સુશોભિત કોતરણી કેમ્બ્રિજના મિલ રોડ પરના ઓલ્ડ લાઈબ્રેરી બિલ્ડિંગમાં આવેલા હિન્દુ મંદિરની શોભા વધારતી હતી. પરંતુ, કાઉન્ટી કાઉન્સિલે આ ઈમારત સ્વહસ્તક લઈ લીધા પછી તેની તોડફોડ કરાવાની હતી ત્યારે માત્ર પિએરો ડી’ એન્જેલિકોના મક્કમ નિર્ધાર થકી જ કોતરણીનો નાશ થવામાંથી બચાવ થયો હતો. ગુલાબી પથ્થરમાં કોતરણીકામ મૂળતઃ રાજસ્થાન (ભારત)ના પથ્થરકામના નિષ્ણાત સલાટ-કડિયાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને 2006માં ભારત ભવન મંદિરમાં સ્થાપિત કરાયું હતું. આ મંદિરનું ઉદ્ઘાટન 2010માં કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter