લંડનઃ શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વર્તમાન ગુરુ પ.પૂ. મહંત સ્વામી મહારાજે મંગળવારે લંડન પધરામણી કરતાં હરિભક્તોમાં આનંદ-ઉલ્લાસનું મોજું ફરી વળ્યું છે. વરિષ્ઠ સંતગણ સાથે લ્યુટન એરપોર્ટ પર આવી પહોંચેલા મહંત સ્વામી મહારાજનું નિસ્ડન મંદિરના વડા યોગવિવેક-દાસ સ્વામી, પ્રબુદ્ધમુનિદાસ સ્વામી સહિતના સંતોએ સ્વાગત કર્યું હતું. મહંત સ્વામી મહારાજ બીજી મેથી આઠમી જૂન એમ પાંચ સપ્તાહ બ્રિટનમાં વિચરણ કરશે અને આ દરમિયાન શ્રદ્ધા - સેવા - વૈશ્વિક સંવાદિતાનો પ્રચાર-પ્રસાર કરશે. એરપોર્ટ પર આગમન સાથે જ મહંત સ્વામી મહારાજે નિસ્ડન મંદિરમાં રાહ જોઈ રહેલા તમામ હરિભક્તોને સંદેશ આપતા કહ્યું હતું, ‘જેમ તમે બધા મારી સાથે રહેવા આતુર છો, તેમ હું તમારા બધાના દર્શન માટે આતુર છું!’
પ.પૂ. મહંત સ્વામી મહારાજની બ્રિટન મુલાકાત છેલ્લા કેટલાક સમયમાં કોવિડ મહામારી, મોંઘવારી સહિતના પડકારો -પ્રતિકૂળતાનો સામનો કરી રહેલા સમુદાયમાં નવી આશા, ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરશે. પ.પૂ. મહંત સ્વામી મહારાજની બ્રિટન પધરામણીને વધાવવા માટે યુકે અને યુરોપમાં વસતાં સેંકડો હરિભક્તો વિશેષ વ્રત અને નિયમ પાળી રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં અનેક આયોજનો અને કાર્યક્રમો યોજાયા છે. નિસ્ડન મંદિરના કોઠારીસ્વામી યોગવિવેકદાસ સ્વામીએ કહ્યું હતું કે 2017 બાદ પહેલી વખત બ્રિટનની મુલાકાતે આવી રહેલા પ.પૂ. મહંત સ્વામી છ વર્ષથી રાહ જોઇ રહેલા સમુદાયનો ઉત્સાહ છલકાઇ રહ્યો છે. અબાલવૃદ્ધ સહુ કોઇ તેમની નિશ્રામાં યોજાનારા વિવિધ કાર્યક્રમો - પ્રવૃત્તિઓમાં ભાગ લેવા થનગની રહ્યા છે.’
પ.પૂ. મહંત સ્વામી મહારાજ 1970થી યુકે અને યુરોપમાં વિચરણ અર્થે આવતા રહ્યા છે, પરંતુ બીએપીએસના વડા તરીકે સૌપ્રથમ 2017માં યુકે આવ્યા હતા.
સંયોગવશાત તેમનું આ વેળાનું બ્રિટન વિચરણ કિંગ ચાર્લ્સ તૃતીયના રાજ્યાભિષેક પ્રસંગે યોજાઇ રહ્યું છે. મંદિરના ટ્રસ્ટી સંજય કારા કહે છે, ‘પ.પૂ. મહંત સ્વામી મહારાજની મુલાકાતના સમાચારે હરિભક્તોમાં ચેતનાનો સંચાર કર્યો છે. અનેક લોકોએ પડકારજનક સમયનો સામનો કર્યો છે. તેમનું આધ્યાત્મિક જ્ઞાન અને યુકેમાં તેમની ઉપસ્થિતિ લોકોમાં આશાવાદ તથા આનંદનો સંચાર કરશે અને સ્થિરતા લાવશે.’
તા. 2 થી 14 મે સુધીના વિવિધ આયોજનની ઝલક
6 મે - શનિવાર, પૂજાદર્શન
(સમય: સવારે 6.00 થી 7.30)
સ્વાગત દિવસ - 1 (સમય: સાંજે 5.30 થી 8.00)
ફક્ત આ કેન્દ્રોના ભક્તો માટેઃ • એડિનબર્ગ • ચિલ્ટર્ન • કાર્ડિફ • બ્રિસ્ટલ • લંડન બ્રેન્ટ • લંડન એનફિલ્ડ • લંડન ફિન્ચલી • લંડન હેરો • લંડન વેસ્ટ • લુટન • મિલ્ટન કિન્સ • સ્વિંડન • વોટફર્ડ • વેલ્વિન હેટફિલ્ડ
7 મે - રવિવાર, પૂજાદર્શન (સમય: સવારે 6.00 થી 7.30)
7 મે - રવિવાર, સ્વાગત દિન-2 (સમય: સાંજે 5.30થી 8.00)
ફક્ત આ કેન્દ્રોના ભક્તો માટે: • બર્મિંગહામ • બ્રાઇટન • કેમ્બ્રિજ • કોલચેસ્ટર • કોવેન્ટ્રી • ક્રોલી • ડર્બી • હવન્ટ • હિન્કલી • લીડ્સ • લેસ્ટર • લંડન ઇસ્ટ • લંડન સાઉથ • લંડન સાઉથ ઇસ્ટ • લફબરો • માન્ચેસ્ટર • નોટિંગહામ • ઓક્સફર્ડ • પ્રેસ્ટન • રિડીંગ • સાઉથએન્ડ-ઓન-સી • વેલિંગબરો • જેમના નામ યાદીમાં સામેલ નથી
8 મે - સોમવાર, પૂજાદર્શન (સમય: સવારે 6.00થી 7.30)
પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ આશીર્વાદ સાથે
• સાંજે: પ્રાપ્તિ દિન - કીર્તન આરાધના
ભગવાન સ્વામિનારાયણ અને પ.પૂ. મહંત સ્વામી મહારાજની દિવ્ય નિશ્રામાં સંગીતમય સંધ્યા (સમય: સાંજે 5.30 થી 8.00)
10 મે - બુધવાર પૂજાદર્શન (સમય: સવારે 6.00 થી 7.30)
11 મે - ગુરુવાર પૂજાદર્શન (સમય: સવારે 6.00 થી 7.30)
12 મે - શુક્રવાર પૂજાદર્શન (સમય: સવારે 6.00 થી 7.30)
13 મે - શનિવાર, પૂજાદર્શન (સમય: સવારે 6.00 થી 7.30)
સવારેઃ મહિલા દિન (સમય: સવારે 9.00 થી 12.00)ઃ ‘સગપણ તમ સાથઃ સીમાઓને ઓળંગી જતું એક આધ્યાત્મિક બંધન’ મહિલા ભક્તો અને ભગવાન તથા ગુરુ વચ્ચેના દૈવી સંબંધનું મહત્ત્વ સમજાવતી નાટ્ય પ્રસ્તુતી.
13 મે - શનિવાર (સમય: સાંજે 5.30 થી 8.00)
સાંજે: ફેમિલી દિન ‘ઘરે સત્સંગ: એક નવો માર્ગ, સ્વામીનો માર્ગ’ સત્સંગ કરવાની સૌથી અસરકારક રીત કઈ? મંદિરમાં, આપણી જાતે કે આપણા પરિવાર સાથે? ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કે પુસ્તકો થકી? સ્વામીના માર્ગના માધ્યમથી આપણા બાળકો સાથે ઘરે સત્સંગ કરવાની નવી રીત શોધો.
14 મે - રવિવાર પૂજા દર્શન (સમય: સવારે 6.00 થી 7.30)
રજિસ્ટર્ડ ભક્તો માટે પ્રાયોરિટી સિટીંગ.
14 મે - રવિવાર (સમય: સાંજે 5.30 થી 8.00)
સાંજે: કાર્યકર દિન - ‘મારે બનવું છે ઉપાસક કાર્યકર’. મહંત સ્વામી મહારાજ સાથે પ્રશ્નોત્તરી ઉપરાંત પેનલ ચર્ચા અને પ્રેરક પ્રવચનના માધ્યમથી શીખવા મળશે કે આદર્શ સ્વયંસેવક તરીકે આપણે કઇ રીતે અન્યોની સેવા કરી શકીએ.