બોચાસણ: તીર્થધામ બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવકોની પાર્ષદ દીક્ષા ગ્રહણ વિધિ નિમિત્તે મહાપૂજા સંપન્ન થઈ હતી. જેમાં દીક્ષા લેનારા યુવકોની સાથે એમનો પરિવાર પણ જોડાયો હતો. દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. લાડકવાયા દીકરાને ભગવાન ભજવાના પંથે પ્રયાણ કરવાના વિદાય પ્રસંગે દીક્ષાર્થી યુવકોનાં માતા-પિતા ખૂબ આનંદિત હતાં. દીકરાનો લગ્નપ્રસંગ હોય એમ વરરાજાના માતા-પિતા નવા વસ્ત્રો અને ઘરેણાં પહેરીને આ પ્રસંગને માણી રહ્યાં હતાં. દીક્ષા ઉત્સવમાં ત્યાગની દીક્ષા ગ્રહણ કરનાર પુત્રને પગે લાગતા પિતા કે પૌત્રના ચરણમાં મસ્તક નમાવતા દાદાના દર્શનથી સૌને આનંદ થયો હતો.
દીક્ષા લેનારનાં મા-બાપને ધન્યવાદઃ મહંત સ્વામી
દીક્ષા પ્રસંગે આશીર્વાદ આપતા પ.પૂ. મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું, ‘સૌ પ્રથમ દીક્ષા લેનાર સાધકના મા-બાપને ધન્યવાદ છે. દીકરા ભણીગણીને તૈયાર થયા અને અહીં સેવામાં આપી દીધા. સાધુનો માર્ગ સહેલો નથી. તપ, વ્રત, સેવા, ભક્તિ અને મનને જીતવાનું છે. આ બધું સત્પુરુષ મળ્યા વગર પત્તો ન પડે. સત્પુરુષ હોય તો માર્ગ ચોખ્ખો મળે. આ પ્રાપ્તિ મોટી છે. મહારાજ સ્વામીએ સ્વીકાર્યા છે. આ પ્રાપ્તિ મોટી છે. સેવામાં આપણે મહારાજ સ્વામીને સાથે રાખવાના છે તો જીવન ધન્ય થઈ જાય. અહીં બોચાસણમાં શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવીને લાખો માટે મોક્ષનું દ્વાર ખોલી દીધું. આપણને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા તે મોક્ષ માર્ગમાં ખામી રહેવા નહીં દે.’
‘...હું પુરુષોત્તમનો દાસ છું’
પાર્ષદોને સદ્ગુરુવર્ય પૂ. વિવેકસાગર સ્વામીએ કંઠી, ઉપવસ્ત્ર, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પાઘ, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીએ કપાળ-હાથ પર ચંદનની અર્ચા અને પૂ. ડોકટર સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. જ્યારે પ.પૂ. મહંત સ્વામીએ ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ અર્થાત્, ‘અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું’ એવો દીક્ષામંત્ર આપી દીક્ષાર્થીને તિલક કર્યું હતું.
અત્યારે 1195 સંતો થયા છે. સાધુની દીક્ષા લેનારા આ યુવાન સંતો માટે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર-સાળંગપુર ખાતે સંત તાલીમ કેન્દ્ર ચાલે છે જ્યાં તેઓ સેવા, શિક્ષણ અને સંયમના પાઠ શીખે છે. ત્યારબાદ તેમને અભ્યાસ, રૂચિ અને કુશળતા મુજબ સેવા કાર્યની સોંપણી કરાશે.
આજે બીજો પુત્ર સ્વામીના ચરણે સોંપુ છુંઃ માતા
રાજકોટના દીક્ષાર્થી અક્ષરભાઈનાં માતા રસિલાબેન પરસાણાએ કહ્યું કે ‘મારા એક પુત્રએ 2012માં દીક્ષા લીધી હતી, આજે બીજાને સ્વામીના ચરણે સમર્પિત કરું છું, તેનો અતિ આનંદ છે. પાંચ-સાત જણ જ એનો પરિવાર નથી, પણ આખું વિશ્વ એનો પરિવાર છે.’
આજના દીક્ષા લેનારા યુવકોમાં લાયકાતની રીતે જોઈએ તો એક ડોક્ટર, એક પીએચડી, ત્રણ પોસ્ટ ગ્રેજ્યુએટ, 11 એન્જિનિયર, ચાર અન્ય વિષયના ગ્રેજ્યુએટ છે.
એક યુવક ઉર્વીશ ડોક્ટર છે, જે સુખીસંપન્ન કુટુંબના છે. જામનગરના જિજ્ઞેશ પીએચડી છે. રાજકોટના અક્ષરભાઈ સંસ્કૃતમાં એમએ છે, તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી રિલિજીયનમાં અભ્યાસ કર્યો છે.