અમદાવાદઃ ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી તથા દિલ્હીસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનો વિમોચન સમારંભ રવિવારે શાહીબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે શેખાવતે પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે દુનિયાભરના અસંખ્ય લોકો પૂ. પ્રમુખ સ્વામી મહારાજની નિ:સ્વાર્થ સેવા અને યોગદાનથી લાભાન્વિત થયા છે. તેમણે કહ્યું હતું કે ‘પ્રમુખ સ્વામી મહારાજના જીવનને પુસ્તકમાં બાંધવું અસંભવિત છે. પ્રમુખ સ્વામી મહારાજ એવા એક મહાપુરુષ હતા, જેમના જીવનની પ્રત્યેક ક્ષણ લોકકલ્યાણ માટે સમર્પિત હતી. અસીમ શાંતિના ધારક, સહજ, સરળ, વિનમ્ર, દિવ્ય, ભારતની સનાતન મહાન સંસ્કૃતિના વાહક પ્રમુખ સ્વામી મહારાજ હતા.’
પ્રમુખ સ્વામી મહારાજના જીવન પરનો અમૂલ્ય ગ્રંથઃ ભાગ્યેશ જ્હા
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાએ આ પુસ્તકને બિરદાવતા કહ્યું હતું કે ‘પ્રમુખ સ્વામી મહારાજના જીવન પરનું પુસ્તક આપણાં શાસ્ત્રોનો સાર છે. વિશ્વવંદનીય મહાપુરુષ એવા પ્રમુખ સ્વામી મહારાજની ચેતનાને વંદન. પ્રમુખ સ્વામી મહારાજના જીવન પરનો આ અમૂલ્ય ગ્રંથ છે.’ આ પુસ્તકના લેખક મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનને શબ્દોમાં ઢાળવું અશક્ય છે. શ્રીમદ ભગવદ ગીતામાં વર્ણિત સ્થિતપ્રજ્ઞ પુરુષનું મૂર્તિમંત સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ હતા. આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિકૃતિ સમાન છે.’
પ્રમુખ સ્વામી મહારાજ સાથેના સંસ્મરણો વાગોળતા મહાનુભાવો
આ સમારોહમાં લેખક સ્વામી ભદ્રેશદાસજીએ તથા અન્ય મહાનુભાવોએ તેમના પૂ. પ્રમુખ સ્વામી મહારાજના સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, ગુજરાતના સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન પદ્મશ્રી ગૌતમભાઈ પટેલ, કવિ, સાહિત્યકાર, વિવેચક માધવ રામાનુજ, ‘પાંચજન્ય’ સામયિકના પૂર્વ તંત્રી અને પૂર્વ સાંસદ તરુણ વિજય, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દિલ્હીના કુલપતિ શ્રીનિવાસ વરખેડી, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હરેકૃષ્ણ સતપથી, લાલબહાદુર શાસ્ત્રી યુનિવર્સિટીના કુલપતિ મુરલી મનોહર પાઠક, તિરુપતિ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ જી.એસ.આર. કૃષ્ણમૂર્તિ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાત સેનાપતિ, આઈઆઈટી-ખડગપુરના પૂર્વ નિર્દેશક વિરેન્દ્રકુમાર તિવારી જેવા વિદ્વાનોએ આ પુસ્તકને અભૂતપૂર્વ પુસ્તક તરીકે વધાવી લેતા વકતવ્યો આપ્યા હતા. તેમજ આ વિશિષ્ટ પુસ્તકના લેખન બદલ લેખક એવા મહોમહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીનો ખૂબ આભાર માન્યો હતો.
સાત પ્રકરણમાં સમાવાયું છે
પ્રમુખ સ્વામી મહારાજનું જીવનકવન
લેખક મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી દ્વારા આ પુસ્તકમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને તેમના વૈશ્વિક પ્રભાવને સરળતાથી રજૂ કરાયા છે. આ પુસ્તક સાત પ્રકરણો દ્વારા પ્રમુખસ્વામીજીના નિ:સ્વાર્થ યોગદાનને ઉજાગર કરે છે, જે કરુણા, સેવા અને શ્રદ્ધા જેવાં મૂલ્યોની પ્રેરણા આપે છે. વિશ્વશાંતિ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને પ્રોત્સાહન આપતું આ પુસ્તક પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક જીવનને એક પ્રેરક આદર્શ તરીકે રજૂ કરે છે.