મુંબઇઃ મહાનગરના હરિભક્તો તાજેતરમાં ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિપર્વ, પૂ. પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિપર્વ તથા પૂ. મહંતસ્વામી મહારાજની જન્મજયંતીની ઉજવણી એમ ત્રિવેણી ઉત્સવના સાક્ષી બન્યા છે. પૂ. મહંતસ્વામી મહારાજને તેમની 91મી જન્મજયંતીએ વધાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દેશવિદેશમાં કાર્યરત 400થી વધુ સંતગણ ઉપરાંત લાખો હરિભક્તોમાં અનેરો ઉત્સાહ વર્તાતો હતો. 26 સપ્ટેમ્બરે મુંબઇમાં યોજાયેલી આ ઉજવણીમાં સામેલ થવા માટે હરિભક્તો ગોરેગાંવ ખાતે નેસ્કોમાં ઉમટ્યા હતા.
મહોત્સવ પ્રસંગે આશીર્વચન આપતા પૂ. મહંતસ્વામી મહારાજે કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના યથાર્થ મહિમાને સમજવું અને તેમની ભક્તિ કરવી તેમજ તેમના આદેશોનું પાલન કરવું એ જ આપણું પરમ કર્તવ્ય છે.
આ પૂર્વે કાર્યક્રમના પ્રારંભે જ્ઞાનનયનદાસ સ્વામીએ કહ્યું કે સાચા સંતમાં ભગવાનનો સાક્ષાત નિવાસ હોય છે. મહંતસ્વામી મહારાજના જન્મદિવસે ભગવાનની હાજરી અનુભવી શકવાની પાવન તક છે.
આ પ્રસંગે નારાયણમુનિ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની અનન્ય ભક્તિ પર પ્રકાશ પાડયો, જ્યારે ભગવતસેતુ સ્વામીએ મહંતસ્વામીની અવિરત ભક્તિ અને સાધનાનો ઉલ્લેખ કર્યો હતો. પૂ. વિવેકસાગર સ્વામીજીએ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભક્તો પર વરસાવાયેલા દિવ્ય સ્નેહનું વર્ણન કર્યું હતું તો પૂ. આદર્શજીવન સ્વામીએ મહંતસ્વામીના માતૃત્વ અને વાત્સલ્ય વર્તનની સ્મૃતિ તાજી કરી હતી.
ઉજવણીને સંબોધતા પૂ. બ્રહ્મવિહારી સ્વામી અને પૂ. આત્મતૃપ્ત સ્વામીએ અનુક્રમે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના વિશાળ સેવાકાર્ય અને સેવાભાવનાનો ભાવસભર ઉલ્લેખ કર્યો હતો. પૂ. ઇશ્વરચરણસ્વામી અને પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની વિનમ્રતા પર પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. પૂ. ભક્તિપ્રિય (કોઠારી) સ્વામીએ કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કર્યું છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પૂ. મહંતસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા. મહંતસ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરુષ છે તેમ કહીને તેઓએ વધુમાં જણાવ્યું કે, બીએપીએસ સંસ્થા સમાજકલ્યાણ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં અનન્ય કાર્ય કરી રહી છે. આપણી સંસ્કૃતિ વિશ્વભરમાં ફેલાવવામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું મહત્વપૂર્ણ યોગદાન છે.
ઉજવણી પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ મંત્રી મંગલ પ્રભાત લોઢા અને નેસ્કો લિમિટેડના ચેરમેન - મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે વડીલ સંતોએ પુષ્પમાળા દ્વારા પૂ. મહંતસ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરી હતી. હજારો દીવડાની સમૂહ આરતીએ સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું.