‘મહંતસ્વામી લોકોને સારા બનાવે છે તેથી મંદિર માટે જમીન આપી’

Friday 16th February 2024 04:31 EST
 
 

સાત અમિરાતના દેશ યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)ના પાટનગર અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બનીને તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસંત પંચમી પર્વે આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. બીએપીએસ દ્વારા નિર્મિત આ મંદિરમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના દર્શન, મહાત્મ્યને જાણી શકાય છે. એક સમય હતો જ્યારે આ દેશમાં પર્સમાં જો ભગવાનનો ફોટો રાખ્યો હોય અને તપાસ દરમિયાન તે મળી આવે તો ફોટો ફાડી નાખવાની ફરજ પાડવામાં આવતી હતી. તો પછી આ હિન્દુ મંદિર માટે જમીન કેમ આપી? ત્યારે અબુ ધાબીના શાસકે કહ્યું હતું, ‘મહંતસ્વામી લોકોને સારા બનાવે છે.’
વર્ષ 1997માં બીએપીએસના વડા પ્રમુખસ્વામી મહારાજે શારજાહમાં સંકલ્પ કર્યો હતો કે, અબુ ધાબીમાં ભવ્ય મંદિર બનશે અને બન્ને દેશો, ધર્મ અને સંસ્કૃતિ વચ્ચે અંતર ઘટે. બન્ને ધર્મના લોકો એકબીજાની વધુ નજીક આવે. એ સમયે તો આ વાત સપના જેવી લાગતી હતી. અન્ય સંતોને પણ એમ લાગતું હતું કે, બાપા આ શું બોલી રહ્યા છે? પણ સત્પુરુષના વચન ક્યારેય એળે નથી જતા. પુરાવો છે અબુ ધાબીમાં તૈયાર થયેલું ભવ્ય મંદિર. જેના માટેની 27 એકર જમીન વર્ષ 2018માં ભારતના વડાપ્રધાન મોદી અને અબુ ધાબીના પ્રમુખ શેખ મહોમ્મદ બિન ઝાયદ અલ નાહયાનના મૈત્રીભાવને લીધે મળી.
યુએઇની સંસ્કૃતિને પણ સ્થાન
યુએઈની સંસ્કૃતિને દર્શાવતી મજલિસ પણ અહીંયા બનાવવામાં આવી છે. જે ખાસ મહેમાનો અને અહીંના રાજવી પરિવાર માટે હશે. અહીં બેથી ત્રણ હજાર લોકોની ક્ષમતા ધરાવતો સભામંડપ છે. જ્યાં હરિભક્તોને રવિસભા તેમજ સમૈયા ઉત્સવોનો લાભ મળશે. અહીંના સોવેનિયરને ‘સ્મૃતિ’ નામ આપવામાં આવ્યું છે. અહીં એક વિશાળ ફૂડકોર્ટ છે જેનું નામ ‘ધ ઓર્કિડ’ છે. મંદિરના નિર્માણમાં હજારો કારીગરો ઉપરાંત હરિભક્તોનું પણ એટલું જ યોગદાન છે.
રામાયણ, શિવપુરાણના દર્શન: ગંગા-યમુના નદીનો જળાભિષેક
મંદિરમાં રામાયણના શિલ્પચિત્રો છે. જ્યાં શિવ પાર્વતીનું શિખર છે ત્યાં આખા શિવપુરાણના શિલ્પચિત્રો દર્શવાયા છે. એ જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ, રાધાકૃષ્ણ, અય્યપાજી, તિરુપતિ બાલાજી અને જગન્નાથજી ભગવાનના શિલ્પચિત્રો છે. જેથી મુલાકાતીએ રામાયણ કે મહાભારત વાંચી ન હોય પણ તેઓ શિલ્પચિત્ર જોઈને તે સહેલાઈથી સમજી શકે. આથી જ તેને બીએપીએસ હિન્દુ મંદિર કહેવાય છે. મંદિરમાં એક ઘુમ્મટ છે જેની નીચે ધ્યાન કરવાથી શાંતિનો અનુભવ થાય છે. મંદિરમાં આવેલા અભિષેક મંડપમમાં ભગવાન સ્વામિનારાયણનો જળાભિષેક થઈ શકશે. મંદિરમાં ગંગા અને યમુનાનું પાણી લાવવામાં આવવાનું છે જે નીચેથી ઉપરની તરફ જશે.
મંદિરની વિશેષતા
• બીએપીએસનું આ પરિસર 27 એકરમાં ફેલાયેલું છે • મંદિર પરિસર 13.5 એકરમાં અને 13.5 એકરમાં પાર્કિંગ છે • નાગર શૈલીમાં બનેલું આ મંદિર 108 ફૂટ ઊંચું છે • મંદિર નિર્માણમાં 50 હજાર ઘન ફૂટ માર્બલ, 1.80 લાખ ઘન ફૂટ ગુલાબી પથ્થર, 18 લાખ ઈંટનો ઉપયોગ • મંદિરમાં 150થી વધુ સેન્સર્સ લગાવાયા છે • મંદિરની ફ્રન્ટ સાઇડ પેનલમાં વૈશ્વિક મૂલ્યો દર્શાવતી લાઇફસાઇઝ પેનલ્સ મુકાઈ છે, જેમાં વિવિધ સંસ્કૃતિઓની સંવાદિતાની વાર્તાઓ, હિન્દુ અવતારો અને આધ્યાત્મિક વિભૂતિઓને દર્શાવાઇ છે • મંદિરની 27 એકર જમીનમાંથી અડધી જમીનમાં પાર્કિંગ છે. • મંદિરની પાછળના ભાગમાં બે હેલિપેડ છે. જેમાંથી એક હેલિપેડ રાજવી પરિવાર માટે છે. • મંદિરનું નિર્માણકાર્ય શાપૂરજી ગ્રુપને સોંપાયું હતું • સંપૂર્ણ મંદિરનું નિર્માણ ગુલાબી તેમજ સફેદ આરસમાંથી કરવામાં આવ્યું છે • મંદિરમાં પ્રવેશની સાથે જ વોલ ઓફ હાર્મની છે જે સુસંવાદિતતાનું પ્રતીક છે • મંદિર સાત શિખરનું બનેલું છે. સાત શિખરવાળું આ પહેલું મંદિર છે, જ્યાં દરેક શિખરને ચિત્રવાર્તાઓથી કંડારવામાં આવ્યું છે. • મંદિરમાં રામાયણ, શિવપુરાણની સમગ્ર કથા ચિત્ર સ્વરૂપે કંડારાયેલી છે
આઠ મૂલ્યોના પ્રતીકરૂપે આઠ મૂર્તિ
મંદિરના પ્રવેશદ્વાર પર, આઠ મૂલ્યોના પ્રતીકરૂપે આઠ મૂર્તિ બનાવાઈ છે. શ્રદ્ધાની મૂર્તિ, દાનની મૂર્તિ, પ્રેમની મૂર્તિ, જે સનાતન ધર્મના મૂળભૂત મૂલ્યોને દર્શાવે છે. આ મૂલ્યોનું સંવર્ધન કરનારી ઐતિહાસિક વ્યક્તિઓ, ઋષિઓ અને આચાર્યોની મૂર્તિઓ મુકવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter