બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી અગ્રણી સંસ્થા ‘વન જૈન’ દ્વારા ૧૦ જાન્યુઆરીને રવિવારે ગુજરાતી ભાષી સમાજ માટે એક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું. તેમાં કોવિડનાં ભયસ્થાનો અને નવી વેક્સિનથી થતાં ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.
ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા શરૂ થયેલું ‘વન જૈન’ નામનું આંતરરાષ્ટ્રીય જૈન સંગઠન જૈન ધર્મ અંગે સરકાર સમક્ષ અને ઇન્ટર-રિલિજિયસ બાબતો અંગે અત્યંત સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રસંગે ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ટ્રસ્ટી શ્રી જયસુખ મહેતાએ જણાવ્યું કે બ્રિટનમાં વસતા લોકો કોવિડથી ઘણા પ્રભાવિત થયા છે અને જેમની માતૃભાષા અંગ્રેજી નથી તેઓને માટે આ વેબિનારમાં આવશ્યક અને પ્રમાણભૂત માહિતી આપવામાં આવી છે. આ વેબિનારમાં બર્ટન ઓન ટ્રેન્ટના કન્સલ્ટન્ટ યુરોલોજિકલ સર્જન કુ. જ્યોતિ શાહ, લંડનના જનરલ પ્રેક્ટિશ્નર ડો. ખ્યાતિ બખાઈ, લુટનના જનરલ પ્રેક્ટિશ્નર ડૉ. અનુજા શાહ, લંડનના કાર્ડિયોલોજિસ્ટ અને રિસર્ચ ડાયરેક્ટર ડો. અમીત બખાઈ અને લંડનના રિસર્ચ સાયન્ટીસ્ટ ડૉ. રાજવી પુનાતરે ભાગ લીધો હતો.
આ વેબિનારમાં કોવિડની માહિતી આપવા ઉપરાંત એને રોકવા માટે સરકારે આપેલી સલાહ તથા જુદી જુદી વેક્સિન વિશે ચર્ચા કરવામાં આવી હતી. એકસોથી વધારે સૂચનો અને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે આ કાર્યક્રમમાં આવરી લેવાયા હતા. આ કાર્યક્રમ ‘વન જૈન’ની વેબસાઈટ www.onejainuk.org પર જોઈ શકાશે.
આ કાર્યક્રમ અંગે શ્રી જયસુખ મહેતાએ કહ્યું કે તેઓ અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણે ભાષામાં કોવિડ અને આરોગ્ય વિશેના બીજા વિષયો પર કેટલાક વેબિનાર કરવા માગે છે, જેનાથી સૌ કોઈને નિષ્ણાતો પાસેથી પ્રમાણભૂત માહિતી અને સાચી સલાહ પ્રાપ્ત થાય. આ પ્રવૃત્તિઓને માટે www.onejainuk.org/covid એક નવી વેબસાઈટ પણ તૈયાર કરવામાં આવી છે.
આગામી ૨૪ જાન્યુઆરીને રવિવારે બીજા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંગ્રેજીમાં કોવિડ વિશે માહિતી આપવામાં આવશે, જે ‘વન જૈન’ની વેબસાઈટ પરથી મેળવી શકાશે.
વિશેષ માહિતી માટે www.jainology.org અને www.jainpedia.orgનો સંપર્ક સાધો.