સુઇગામ: છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પ.પૂ. સચ્ચિદાનંદ સ્વામી સુઇગામમાં મુકામ કરીને ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે. ગયા ગુરુવારે 16 મેના રોજ તેમની તબિયત લથડી હતી, પરંતુ બાદમાં સ્વસ્થ થઇ જતાં નિત્યક્રમ મુજબ સત્સંગ શરૂ કર્યો હતો. જોકે ગયા ગુરુવારે અચાનક એમની તબિયત કથળતા ભક્તોમાં ચિંતા પ્રસરી હતી. થરાદ સરકારી હોસ્પિટલ અને સુઈગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સુઈગામના રાજેશ્વર મંદિર ખાતે જ્યાં સચ્ચિદાનંદ મહારાજ સત્સંગ કરી રહ્યા હતા ત્યાં જઈને મેડિકલ ચેકઅપ કર્યું હતું અને આરામની સલાહ આપી હતી.
‘નડેશ્વરી માતાના પ્રાંગણમાં સમાધિ આપજો’
યોગાનુયોગ આના બે દિવસ પહેલાં મંગળવાર - 14 મેના રોજ સચ્ચિદાનંદ સ્વામી ભક્તો સાથે ભારત-પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી માતાના મંદિરે ગયા હતા અને પોતાના અંતિમ સમયની સમાધિની જગ્યા પણ નક્કી કરી હતી. આ અરસામાં જ તેમની તબિયત લથડ્યાના સમાચારો ફેલાતા ભક્તો સુઈગામ પહોંચી ગયા હતા. સ્વામીજીએ અંતિમ ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે મારા નિધન પછી દેહને નડેશ્વરી માતાના પ્રાંગણમાં સ્થાન આપજો.
રાજેશ્વર મંદિરના સંતે જણાવ્યું કે પાછલા 40-42 દિવસથી સચ્ચિદાનંદજી સ્વામી સ્થાનિકો સમક્ષ સ્વાધ્યાય પ્રવચન કરી રહ્યા છે. અહીં ગરમી અને લૂનું પ્રમાણ વધુ છે. શરદી અને કફના રોગનો પણ વાવર છે. તેમની તબિયત અચાનક બગડતા મેડિકલ ટીમે આવીને તેમનું ચેકઅપ કરીને બે દિવસ આરામ કરવાનું કહ્યું હતું.
રાજપૂત સમાજના પ્રમુખ ડી.ડી. રાજપૂતે જણાવ્યું હતું કે સુઈગામના રાજેશ્વર મંદિરમાં છેલ્લા 40 દિવસથી સચ્ચિદાનંદજી સ્વામી રોકાયેલા છે. તેમણે અહીં મુકામ દરમિયાન જાહેરાત કરી છે કે જે પણ દાન આવ્યું છે તે મંદિરમાં આપી દઈશ. સ્વામીજીએ ભૂતકાળમાં અહીંની હાઈસ્કૂલ માટે 65 લાખ રૂપિયાનું જ્યારે છાત્રાલય માટે 35 લાખ રૂપિયા મળીને એક કરોડ રૂપિયા દાન કરેલું છે. તેઓ જ્યારે પણ અહીં મુકામ કરે છે ત્યારે શિક્ષણ પાછળ હંમેશાં દાન આપે છે.