લંડનઃ ભારતના હાઈ કમિશન દ્વારા તાવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન ખાતે શુક્રવાર બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની ૧૪૬મી જન્મજયંતી ઉજવાઈ હતી. આ પ્રસંગે મુખ્યત્વે એશિયન મૂળના સહિત ૨૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ દિવસ અને યુગમાં ગાંધીજીની પ્રસ્તુતતા દર્શાવવા સાથે તેમના ઉપદેશો પણ યાદ કરાયા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત તેમ જ તેમના સ્વચ્છ ભારત પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કરાયો હતો.
ભારતીય વિદ્યા ભવનના ડિરેક્ટર નંદકુમારજી દ્વારા સંસ્કૃત શ્લોકગાન સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. આ પછી મહાનુભાવો અને કોમ્યુનિટીના પ્રતિનિધિઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ભારતના હાઈ કમિશનર રંજન મથાઈ, ઈન્ડિયા લીગના ચેરમેન સી. બી. પટેલ, કેમડેનના મેયર કાઉન્સિલર લેરિન રેવાહ, ઉમરાવો અને સાંસદો, મેયર્સ અને કાઉન્સિલરોએ ટુંકમાં સંબોધનો કર્યા હતા.
હાઈ કમિશનર રંજન મથાઈએ જણાવ્યું હતું કે‘આપણે ગાંધીજીના સંદેશામાં માનીએ છીએ અને હજુ તેમના ઋણી છીએ. આપણે ગાંધીજીની પરીક્ષામાં નાપાસ થયા હોઈશું, પરંતુ તેમના ઉદ્દેશો આપણા આદર્શ છે અને રહેશે. ભારતના રાષ્ટ્રપતિજીએ તેમના પ્રવચનમાં મહાત્મા ગાંધીના અહિંસા, શાંતિ અને સહિષ્ણુતાના સંદેશની યાદ અપાવી હતી. આજે આપણે આ મહાન માનવીની સાથે તેમના સંદેશાને પણ યાદ કરીએ છીએ. આપણે સહુ સત્ય, કરુણા અને અહિંસાના આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધતાના શપથ લઈએ. વિશ્વ અને ભારતમાં હિંસાનું ચલણ છે ત્યારે ગાંધીજીએ નોઆખલીમાં સામૂહિક હિંસાને અટકાવી હતી અને આપણે તેમાંથી શીખવું જોઈએ.’
‘ભારતના વડા પ્રધાને પણ આપણને મહાત્મા ગાંધીના હૃદયની નિકટ રહેલા સ્વચ્છતાના આદર્શની યાદ અપાવી છે. આપણે પ્રિય બાપુના સ્વપ્નને પરિપૂર્ણ કરવા સ્વચ્છ ભારત પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનઃ સ્વીકાર કરીએ. વિશ્વમાં ઘૃણા અને હિંસા ફેલાયેલાં છે ત્યારે હિંસા આપણને કશે લઈ જતી નથી તેવી તેમની સ્પષ્ટ સમજને પણ સમજવાની જરૂર છે. તેમના જીવન અને એક જ લક્ષ્ય- સત્ય, અહિંસા, માનવતા પ્રત્યે પ્રેમ અને કાર્યમાં નિર્ભયતાને આપણે યાદ રાખવા જોઈએ. ગાંધીજીની સ્મૃતિ અમર રહે!’
ભવન્સના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીના પ્રિય ભજનનું ગાન કરાયું હતું. બોલીવુડના સુપરસ્ટાર જેકી શ્રોફે પણ ગાંધીપ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ કો-ઓર્ડિનેશન સુનિલ કુમારે ઉદ્ઘોષકની કામગીરી બજાવી હતી.
આ વર્ષે સૌપ્રથમ વખત મહાત્મા ગાંધી ફાઉન્ડેશન અને નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ સહિતની કોમ્યુનિટી સંસ્થાઓ દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું હતું. હાઈ કમિશનરના વડપણ હેઠળ લોકોએ તાવિસ્ટોક સ્ક્વેરથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધી પદયાત્રા કરી હતી. અહીં પણ નવનિર્મિત ગાંધીપ્રતિમાને પુષ્પહાર કરાયા હતા. આ વર્ષના પૂર્વાર્ધમાં વડા પ્રધાન ડેવિડ કેમરન અને ભારતીય નાણા પ્રધાન અરુણ જેટલીએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
વડા પ્રધાનના ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન અને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યાં ન હતાં. તેમણે એક સંદેશો પાઠવી શાંતિ અને અહિંસાના પ્રણેતા ગાંધીજીની વંદના કરી હતી.