દેશ વિદેશમાં હિન્દુ ધર્મનું નામ રોશન કરનાર BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા, સત્સંગ અને મંદિરોના નિર્માણમાં હજારો સત્સંગી પરિવારોના ભાઇબહેનોનો અપ્રતિમ ફાળો રહ્યો છે. ઇસ્ટ આફ્રિકા અને તેમાં પણ ખાસ કરીને નાઇરોબી તેમજ લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા અને સત્સંગના વિકાસમાં ખૂબજ મહત્વનો ફાળો આપનાર સત્સંગી પરિવારો પૈકીના એક ભટ્ટેસા પરિવારનો ફાળો મહામુલો રહ્યો છે. આજે અહી જેમની માહિતી પ્રસ્તુત કરાઇ છે તે પૂ. વ્રજકુંવરબા ભટ્ટેસાના નામ અને સેવાપરાયણતાથી નાઇરોબી અને લંડનનો દરેક સત્સંગી જાણીતો છે. મોટાભાગના સૌ તેમને માસીબાના હુમલામણા નામે બોલાવતા હતા.
પૂર્વ આફ્રિકામાં BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા અને સત્સંગના મૂળ ઊંડે ઉતારનાર મુક્તરાજ મગનભાઈ, પૂ. હરમાનભાઈ, પૂ. ત્રિભોવનભાઈ, પૂ. સી. ટી. પટેલ, પૂ. અંબાલાલ પટેલ, પૂ. રવિભાઈ પંડ્યા, પૂ. ગોરધનદાસ ભટ્ટેસા વિગેરેથી આપણે સૌ વાકેફ છીએ. પરંતુ સત્સંગના વિકાસમાં નારી શક્તિનો ફાળો પણ ખૂબજ મુલ્યવાન હતો. તે સમયે મહિલા વિભાગમાં પૂ. ચંચળબા, પૂ. હીરાબા, પૂ. ડાહીબા, પૂ. મણીબા, પૂ. કાશીબા, પૂ. કમલાબા અને પૂ. વૃજકુંવરબા ખૂબજ સક્રિય હતા.
તે સમયે પૂ. શાસ્ત્રી મહારાજના આશીર્વાદથી અને પૂ. નિર્ગુણદાસ સ્વામીના પત્રોથી પૂર્વ આફ્રિકામાં સ્વામિનારાયણ સત્સંગને ખૂબ જ વેગ મળ્યો. ભગવાન સ્વામિનારાયણનની કૃપા અને સંતોના આશીર્વાદ ઠેર ઠેર સત્સંગ સભાઓનો પવન ફૂંકાયો હતો. એમાં પણ નૈરોબીમાં મોટા ભાગની સભાઓ પૂ. ગોરધનદાસ ભટ્ટેસાના ઘરે થતી હતી. પૂ. ગોરધનદાસના ઘરનું નામ પણ ‘યોગી હાઉસ’ હતું અને હરિભક્તોમાં પણ તે બહુ જ જાણીતું હતું. પૂ. ગોરધનદાસ ભટ્ટેસા પરિવાર 'યોગીજીમય' થયાનું બીજું શ્રેષ્ઠ ઉદાહરણ એ હતું કે તેમણે ખીલીઓ - સ્ક્રૂ બનાવવાની પોતાની ફેક્ટરીને નામ આપ્યું - ‘જ્ઞાનજીવન ઈન્ડસ્ટ્રીઝ’.
નૈરોબીમાં થતી બધી સત્સંગ સભાઓ, સમૈયા, મહોત્સવો વખતે ભોજન-પ્રસાદ વગેરે માટે જરૂરી તમામ સાધનસામગ્રી એકત્ર કરવાથી માંડીને સમગ્ર આયોજન સરસ રીતે પાર પડે તે માટેશ્રી ગોરધનદાસ ભટ્ટેસાના ધર્મપત્ની પૂ. વૃજકુંવરબા ભટ્ટેસા ખૂબજ પ્રેમ અને ખંતથી તૈયારીઓ કરતા હતા. ધીમે ધીમે પૂ. વૃજકુંવરબા ભટ્ટેસાની વય વધતા યુવાન સત્સંગી ભાઇ બહેનોમાં તેઅો 'માસીબા'ના હુલામણા નામથી જાણીતા થયા હતા. સત્સંગમાં ભાઇઓની સભાઓની સગવડતા સાચવવા ઉપરાંત બહેનોની સત્સંગ પ્રવૃત્તિમાં પણ તેઅો ખૂબ જ દિલચશ્પી રાખતા. આમ, મહિલા વર્ગમાં સત્સંગ વધારવામાં પૂ. વૃજકુંવરબા ભટ્ટેસા ખૂબ જ જાણીતા અને માનીતા થયા. સમયના વહેવા સાથે તેમને આદરભર્યું પ્રેમાળ નામ મળ્યું ‘માસીબા’. પુરુષો તથા મહિલાઓની સત્સંગ સભાઓનો સિલસિલો વર્ષો સુધી ચાલતો રહ્યો અને તેથી ‘માસીબા’ના ઘરને હરિભક્તોએ ‘દાદા ખાચરના દરબાર’ની ઉપમા આપી દીધી હતી.
નૈરોબીમાં વર્ષો સુધી મંદિર ન હતું આથી પૂ. યોગીજી મહારાજ, પૂ. પ્રમુખસ્વામી મહારાજ તેમજ અન્ય વરિષ્ઠ સંતો અને અગ્રણીઅો ‘યોગી હાઉસ’ તરીકે ઓળખાતા શ્રી ભટ્ટેસા પરિવારના ઘરને જ પાવન કરતા હતા. પૂ. માસીબાએ ભારતથી કામ-ધંધા માટે તેમજ સ્થાયી થવા આવતા સત્સંગી પરિવારો અને અન્યોને પણ ખૂબજ મદદ કરી હતી અને હંમેશા તેમની તકલીફોમાં પડખે ઉભા રહેતા હતા.
પૂ. માસીબા હંમેશા સત્સંગીઅોને અંતરના પ્રેમ અને લાગણીથી સાચવતા અને તેમની દિલથી સંભાળ રાખતા હતા. તેઅો હંમેશા વડિલ હરિભક્તોને પૂ. બાપાના પ્રતિનિધિ તરીકે માન આપીને સાચવતા અને દરેક હરિભક્તો માટે જમવાનું બનાવવાનું હોય તો તેને પોતાના સદનસીબે મળેલી મહાન સેવા તરીકે માની ખૂબજ હેતપૂર્વક રસોઇ બનાવતા હતા. પૂ. માસીબાના ઘરે હંમેશા હરિભક્તોનો જાણે કે મેળાવડો જામ્યો હોય, પરંતુ એક પણ દિવસ પૂ. માસીબા હરિભક્તોની રસોઇ બનાવતા થાક્યા નહોતા કે તે તરફ અણગમો રાખ્યો નહોતો. ખરેખર હરિભક્તો અને સત્સંગ પરત્વેની તેમની ભક્તિ અને સેવા અભિનંદનીય હતી અને તેમણે જીવનમાં સત્સંગીઅોની સેવાનો જે આનંદ અને સમર્પણ મેળવ્યું છે તે સૌ જોઇ શકે છે. સંતો પણ જ્યારે ભટ્ટેસા પરિવારના ઘરે પધરામણી માટે પધારે ત્યારે તેઅો સંતોને પણ પૂ. બાપાના ખૂબ જ મહત્વના પ્રતિનિધિ ગણીને આનંદ ઉલ્લાસ પૂર્વક તેમની સેવા કરતા અને પ્રસાદ બનાવતા. પૂ. માસીબાના સત્સંગ પ્રત્યેના સમર્પણ માટે શબ્દો શોધ્યા મળે તેમ નથી. ખરેખર તેમને ભલે સૌ 'માસીબા' કહેતા પણ તેઅો સાચા અર્થમાં બધાની માતા હતા.
છેલ્લી ચાર પેઢીથી સત્સંગના સતત સમાગમથી ભટ્ટેસા પરિવારના બધાં જ સભ્યો સત્સંગના રંગે રંગાયેલા છે. લંડનમાં વિનુભાઈ પરિવાર, દિનુભાઈ પરિવાર, ડો. બાબુભાઈ કારિયા પરિવાર, અમેરિકામાં પ્રફુલ્લભાઈ રાજા પરિવાર, કેનેડામાં કાર્તિક મહેતા પરિવાર, મુંબઈમાં ડો. રમેશભાઈ શાહ પરિવાર, વડોદરામાં ડો. ભરતભાઈ પરિવાર વિગેરે. ડો. રાહુલભાઈ શાહ તો પોતે દાદર મંદિરમાં સંતોને સેવા આપી રહ્યા છે. યુરોપમાં તથા લંડનમાં મંદિરોના નિર્માણ કાર્યમાં વિનુભાઈ, વી. એચ. પટેલ, એ. પી. પટેલ, પૂ. જીતુભાઇ તેમજ પૂ. સંતોના માર્ગદર્શન હેઠળ સક્રિય રહે છે અને શ્રીજી મહારાજ અને પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો મેળવે છે તે નાનોસુનો લાહ્વો નથી.
પૂ. માસીબા પૂ. સંતો, હરિભક્તો અને સૌનો રાજીપો મેળવીને ૭૬ વર્ષની વયે એપ્રિલ ૧૯૮૪માં અક્ષરધામમાં ગયા. પૂ. માસીબાનો સાંસ્કૃતિક વારસો, સેવા પરાયણતા અને સત્સંગ પ્રત્યેની પ્રીતિ ભટ્ટેસા પરિવારના વિશાળ વૃંદમાં વર્ષોવર્ષ જળવાઈ રહે એ જ સ્વામીશ્રીને પ્રાર્થના.
જય સ્વામીનારાયણ.