સબરંગ આર્ટ્સ દ્વારા તા. ૨૧, ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ ક્રોયડનના ફેરફિલ્ડ હોલ ખાતે 'ગ્રાન્ડ દિવાલી ગાલા'નું શાનદાર આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઅો ઉપરાંત મોટી સંખ્યામાં ભારતીય વસાહતીઅોએ દિપાવલી ઉત્સવની ઉજવણી કરી હતી. ક્રોયડનના મેયર સુશ્રી સુશ્રી પેટ્રીસીયા હે-જસ્ટીસ, કિંગસ્ટનના મેયર શ્રી રોય અરોરા, હિન્દુ એકેડેમીના વડા શ્રી જય લાખાણી, કાઉન્સલર વિધી મોહન સહિત અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ દિવસ દરમિયાન અર્નહેમ ગેલેરી ખાતે રામાયણ પર આધારીત પ્રદર્શન અને રંગોળી પ્રદર્શનનું આયોજન કરાયું હતું. બીજી તરફ ભારતીય સંસ્કૃતિ અને કલાનો સૌને પરિચય કરાવા ક્લે પોટ – દિવડાઅો પર પેઇન્ટીંગ, ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા, માસ્ક બનાવવા, મહેંદી, બીડ ક્રાફ્ટ્સના વર્કશોપનું આયોજન કરાયું હતું. સ્થાનિક શાળાઅોના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉમળકાભેર લાભ લીધો હતો.
શનિવાર તા. ૨૧ના રોજ બપોરે યોજાયેલા શુભારંભ સમારોહ પ્રસંગે સુશ્રી પેટ્રીસીયા હે-જસ્ટીસે દીપાવલિ પર્વે ઉપસ્થિત સૌ કોઇ તેમજ ક્રોયડનના નગરજનોને શુભકામનાઅો પાઠવી હતી. જ્યારે હિન્દુ એકેડેમીના વડા શ્રી જય લાખાણીએ ભારતીય સંસ્કૃતિ અને દીપાવલિ ઉત્સવ અંગે ખૂબજ મનનીય પ્રવચન આપ્યું હતું. તા. ૨૧ના રોજ અર્નહેમ ગેલેરી ખાતે 'ઉત્સવ' ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સૌએ ભારતીય ગીત સંગીત કાર્યક્રમનો લાભ લીધો હતો.
તા. ૨૨ના રોજ સાંજે ફેરફિલ્ડ હોલ ખાતે સબરંગ આર્ટ્સના વિખ્યાત નાટક 'જનક દુલારી સીતા'ના શોનું આયોજન થયું હતું, જેને ખૂબજ સુંદર સફળતા સાંપડી હતી.