પ્રિય વાચકમિત્રો
અહીંનું હવામાન ઠંડીની રંગત પકડી રહ્યું છે અને ક્ષિતિજ પર પાનખરના અણસાર જણાય છે. અમે ગત બે સપ્તાહમાં મારખમમાં બે અલગ પ્રસંગો માણ્યા હતા. એક શનિવારે અમે મારખમ સનાતન મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. મોડી સાંજથી શરુ કરાયેલી ઉજવણી મધ્યરાત્રિ સુધી ચાલી હતી. મંદિરમાં ઉજવણીનો ઉત્સાહ અને રોમાંચ વર્ષો સુધી મારાં સ્મરણમાં રહેશે. કોમ્યુનિટી સેન્ટરનું પરિસર ભગવાન કૃષ્ણના ભક્તવૃંદથી ભરચક હતું અને મોટા ભાગના લોકો નજીકના શહેરોમાંથી વાહનો હંકારીને ઉજવણીમાં ભાગ લેવા આવ્યાં હતાં.
મધરાતના ટકોરે, હોલની લાઈટ્સ બંધ કરી દેવાતાં અંધકાર છવાઈ ગયો હતો અને સમગ્ર હોલમાં જાણે વાવાઝોડું આવતું હોય તેવાં પડઘા સાંભળવા મળ્યા હતા. પડઘાની સાથે ઝગારા મારતી ટચુકડી લાઈટ્સનું તેજ જોવાં મળ્યું. આ સમયે વાસુદેવ બાળ કૃષ્ણને ટોપલામાં રાખી યમુના નદી પાર કરી રહ્યાં હોય અને વાસુકિ નાગ ફણાઓ પ્રસારી વરસાદના પાણી અને પવનના તોફાનથી તેમનું રક્ષણ કરતા હોય તેવાં વિહંગમ દૃશ્યની રચના જોઈને મારાં સહિત તમામ લોકો સ્તબ્ધ બની ગયાં હતાં. મંદિરમાં કરાયેલી તમામ વ્યવસ્થા ઉત્કૃષ્ટ હતી અને આ ઉજવણીમાં મને ભાગ લેવા મળ્યો તે માટે હું ખુદને સદનસીબ માનું છું.
કેનેડાસ્થિત ગુજરાતી સમાજને સાંસ્કૃતિક કેન્દ્રની આવશ્યકતા સમજાઈ ત્યારે ૧૯૭૭માં સનાતન મંદિરનો વિચાર સર્જાયો હતો. પ્રાપ્ત દાન અને ભંડોળ પછી સેન્ટરના બિલ્ડિંગના નિર્માણકાર્યનો ૧૯૮૫માં આરંભ કરાયો હતો. કેટલાક વર્ષોની અડચણો પછી સમિતિએ તેની ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ કરી. ગુજરાતી સમાજ દ્વારા વર્ષોનાં લાંબા સંઘર્ષનો અંત ૧૯૯૬માં આવ્યો જ્યારે, સનાતન મંદિર કોમ્યુનિટી સેન્ટરનું મહાન સ્વપ્ન સાકાર બન્યું હતું.
મને અને મારાં પતિને અમારાં મિત્રનાં નિવાસે દુંદાળા દેવ ગણેશજીની સ્થાપના નિમિત્તે આમંત્રણ મળ્યું હતું. આરતી અને ભોજન સહિત સમગ્ર દેવસ્થાપન કાર્યક્રમ સુંદર રીતે ઉજવાયો હતો. આ પછી અમે જૈન સોસાયટી ઓફ ટોરન્ટો (JSOT)ના સંચાલન હેઠળના જૈન દેરાસરની પણ મુલાકાત લીધી. ૧૯૭૪માં JSOTની સ્થાપના જૈનવાદના પાલન, ઉત્તેજન અને શિક્ષણના મહત્ત્વપૂર્ણ વિચાર સાથે બિનનફાકારી સંગઠન તરીકે થઈ હતી. JSOTકેનેડામાં સ્થાપિત જૈન સંસ્થાઓમાં સૌપ્રથમ અને નોર્થ અમેરિકામાં પાંચમી જૈન સંસ્થા છે.
ભારતની માફક જ વિદેશમાં પણ હિન્દુ પરંપરાઓ સમૃદ્ધ અને સુસંચાલિત છે. ગત થોડા દિવસોમાં અમે પણ આપણી સાંસ્કૃતિક પરંપરાઓના સંપર્કને સારી રીતે માણ્યો. સાચુ કહીએ તો, અહીં આપણી વિશાળ કોમ્યુનિટી સાથે સંપર્કમાં આવવું એક નિરાંતનો અનુભવ બની રહે છે.