લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોવિડ મહામારીમાં સરકારની કામગીરીના મુદ્દે સંપૂર્ણ ધારાકીય સત્તા સાથેની સ્વતંત્ર પબ્લિક ઈન્ક્વાયરીની જાહેરાત કરી છે. જોકે, ઈન્ક્વાયરીની શરુઆત ૨૦૨૨માં થઈ શકશે તેના કારણે મૃતકોના પરિવારો અને નિષ્ણાતોએ જ્હોન્સન પર પસ્તાળ પાડી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાના વરિષ્ઠ અધિકારી, કોવિડ-૧૯ બીરેવ્ડ ફેમિલીઝ ફોર જસ્ટિસ તેમજ ઘણા સાંસદો સહિતના ટીકાકારોએ જણાવ્યું હતું કે સંભવિત ત્રીજી લહેર અગાઉ જ બોધપાઠ શીખવો જોઈએ.
વિશ્વમાં કોરોના વાઈરસના કારણે થયેલા ૧૫૦,૦૦૦થી વધુ મોત સાથે યુકે સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતા દેશોમાં એક છે. નિષ્ણાતો અને સાંસદોએ મિનિસ્ટર્સે લોકડાઉન તથા અન્ય નિર્ણયો મુદ્દે વૈજ્ઞાનિક સલાહોનું અનુસરણ કર્યું હતું, વંચિત-કચડાયેલા જૂથો અને ફ્રન્ટલાઈન વર્કર્સને અપાયેલો સપોર્ટ, સરકાર સાથે કડીઓ ધરાવતા લોકોને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સના કોન્ટ્રાક્ટ અપાયા હતા, કન્ઝર્વેટિવ ઉમરાવ ડિડો હાર્ડિંગ સંચાલિત ૩૭ બિલિયન પાઉન્ડના NHS ટ્રેસ અને ટેસ્ટિંગ પ્રોગ્રામ સહિતની બાબતો માટે સ્વતંત્ર ઈન્ક્વાયરી રચવા દબાણ કર્યું હતું. ‘લોન્ગ કોવિડ’ બાબતે પણ તપાસ થઈ શકે છે.
જ્હોન્સને સંકેત આપ્યો હતો કે શિયાળામાં કોવિડ કેસીસ વધવાની ભારે શક્યતા હોવાના કારણે આગામી વર્ષે સ્પ્રિંગ પહેલા ઈન્ક્વાયરીની શરુઆત થઈ શકે તેમ નથી. હવે કોવિડ તપાસપંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરાવા ઉપરાંત, પંચની કામકાજની જોગવાઈઓ ઘડાશે. ઈન્ક્વાયરી કોઈ જજની અધ્યક્ષતામાં યોજાઈ શકે છે. એકાદ વર્ષમાં ઈન્ક્વાયરીની કામગીરી શરુ થવાની શક્યતા છે તેમ જ્હોન્સને કોમન્સમાં જણાવ્યું હતું. જોકે, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તપાસપંચની રચનામાં ત્રણથી છ મહિના લાગી જશે અને ૨૦૨૨ના સ્પ્રિંગમાં તેની કામગીરી શરુ થઈ શકશે. લોર્ડ ચાન્સેલર તરીકે ઈન્ક્વાયરીઝ એક્ટ પસાર કરનારા લેબરના લોર્ડ ફાલ્કનરના જણાવ્યા મુજબ આગામી સામાન્ય ચૂંટણી પહેલા ૨૦૨૩ સુધીમાં કોવિડ ઈન્ક્વાયરી પૂર્ણ નહિ થાય.