લંડનઃ મેઈડસ્ટોન, કેન્ટ નજીકના પર્યટન સ્થળ લેનહામ ખાતે મોડી રાત્રે શસ્ત્રો સહિત ત્રાટકીને મહિલાઓ અને બાળકોમાં આતંક ફેલાવનારી બુરખાધારી ગેન્ગના ૧૪ સભ્યને મેઈડસ્ટોન ક્રાઉન કોર્ટે નવથી ૨૧ વર્ષ સુધીની જેલની સજા ફરમાવી હતી. બધા આરોપીને લૂંટના કાવતરાના દોષિત ઠરાવાયા હતા. એપ્રિલ ૨૬, ૨૦૧૬ની ઘટનામાં અપરાધીઓએ પર્યટકો પાસેથી બંદૂકની અણીએ નાણા માગ્યા હતા.
આ બુરખાધારીઓ રાત્રિના ૧૧.૩૦ના સુમારે શોટગન્સ, હેન્ડગન્સ, ક્રોબાર્સ, અને બેઝબોલ બેટ્સ સાથે પર્યટન સ્થળ લેનહામના ત્રણ ઘરમાં પ્રવેશ્યા હતા. તેમણે ચાર લોકોના હાથ બાંધી દીધા હતા. એક દંપતીને ગન્સથી ધમકી અપાઈ હતી. આ સમયે જાગેલા તેમના છ વર્ષીય બાળકે રોકકળ મચાવી હતી. એક વ્યક્તિને જમીન પર પાડી લાતો મારવા સાથે હાથ અને સાથળમાં ચાકુના ઘા કરાયા હતા. આ હુમલામાં તેમને રોકડ રકમો મળી હતી અને તેઓ નાસી છૂટ્યા હતા. જોકે, કેન્ટ ગામના વ્હીટ ગ્રેટન સ્ટેબલ યાર્ડ્સ ખાતે હુમલા દરમિયાન લોકોએ સામનો કરતા લૂંટારાઓએ ખાલી હાથે નાસવું પડ્યું હતું.
પોલીસે કુલ ૧૭ વ્યક્તિની ધરપકડ કરી હતી પરંતુ, બે વર્ષ લાંબી ટ્રાયલમાં ૧૪ આરોપીને દોષિત ઠરાવી સજા કરાઈ હતી. આરોપીઓમાં ડેરેન મેયર્સ (૨૧ વર્ષ), નાના દાનકાહ (૧૮ વર્ષ), એરોન મેયર્સ (૧૬ વર્ષ), ન્યાકે એલિઉ (૧૬ વર્ષ), ઝેરીલ લોન્ગ (૧૬ વર્ષ), જ્હોન સ્માઈલી (૧૪ વર્ષ), ફૈઝલ ઈસાહ (૧૪ વર્ષ), જેક જેન્ક્સ (૧૪ વર્ષ), જુનિયર શાવાકી ટામાક્લો (૧૩ વર્ષ, છ મહિના), અહેમદ અલી (૧૩ વર્ષ), કોન્નોર મિલર (૧૩ વર્ષ), લી બેકર (૧૨ વર્ષ), બ્રેડી ડ્યુસન (૧૨ વર્ષ) અને ગ્લેન કેન્ની (૯ વર્ષ, ચાર મહિના)ને સજા કરાઈ હતી. (૨૮૯)