લંડનઃ ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) દ્વારા સહાયક શ્વાનને સવારીમાં લેવાનો ઈનકાર કરનારા મિનિકેબ ડ્રાઈવર અલી એટ્સ સામે સફળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. મિનિકેબ ડ્રાઈવરે ૧,૪૮૮ પાઉન્ડ દંડ ચૂકવી આપવાનો આદેશ કરાયો છે. ફેબ્રુઆરી ૨૦૧૫થી અત્યાર સુધી સહાયક શ્વાનને સ્વીકારવાનો ઈનકાર કરનારા ૨૧ ખાનગી ભાડાના ડ્રાઈવરો સામે કામ ચલાવાયું છે અને તેમની પાસેથી ૭,૦૫૫ પાઉન્ડ દંડ વસૂલ કરાયો છે.
એસેક્સના બ્રેન્ટવૂડની નિવાસી સોફી બિબાયક પોતાના સહાયક શ્વાન રસ્ટી સાથે લગ્નમાં હાજરી આપવા જતી હતી ત્યારે મિનિકેબ ડ્રાઈવરે સોફી વધારાના ૪૫ પાઉન્ડ ન ચૂકવે તો શ્વાનને બેસાડવાનો ઈનકાર કર્યો હતો. સોફીએ વધારાની રકમ ચૂકવી નહિ અને તે રીસેપ્શનમાં મોડી પહોંચી હતી.
બુધવાર, ૧૯ એપ્રિલે સિટી ઓફ લંડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ૬૫ વર્ષીય ડ્રાઈવર અલીને તેની ગેરહાજરીમાં દોષિત ઠરાવી ૫૦૦ પાઉન્ડ દંડ અને ૯૮૮ પાઉન્ડ કોસ્ટ ચૂકવવા આદેશ કરાયો હતો. કાયદા અનુસાર ટેક્સી અને ખાનગી ભાડાંના વાહનોએ આસિસ્ટન્સ ડોગ સાથે પ્રવાસ કરવા ઈચ્છનાર વ્યક્તિને ઈનકાર કરી શકાતો નથી અથવા તેના માટે વધારાનું ભાડું પણ માગી શકાતું નથી. દેશભરમાં રસ્ટી જેવા આશરે ૧,૦૦૦ હીઅરીંગ શ્વાન છે, જેઓ ચોક્કસ અવાજો સાંભળી નહિ શકનારા તેમના બધિર માલિકોને સાવધ કરવાની તાલીમ ધરાવે છે.