‘ગુજરાત સમાચાર’ અડધી સદીથી સૌ ગુજરાતીઓ માટે લાગણી અને માગણીની અભિવ્યક્તિનું સાધન બનીને ટક્યું અને સૌનો સાથ અને સ્નેહ પામીને વધ્યું અને જીવ્યું. લંડનથી શરૂ થયેલું એનું શૈશવ હવે આફ્રિકા, યુરોપ, અમેરિકા અને ભારતના ગુજરાતીઓના પ્રેમના પયપાને હવે વટવૃક્ષ બન્યું છે. ગુજરાતીઓના હક્ક અને તક, માગણી અને લાગણી એના માટે ઉરધબકાર જેમ અનિવાર્ય છે. ત્યારે ગુજરાતીઓમાં એકતા વધે, સ્નેહ, સૂઝ અને સંબંધોના તાણાવાણા વધારે દૃઢ બને માટે એ માટે આપના સાથ અને સ્નેહથી કૃતજ્ઞ અમે એ ઋણ અદા કરવા સતત ચિંતન કરતા રહીએ છીએ.
આ સુવર્ણ જયંતી વર્ષે અમે વિચાર્યું, ‘ઈંગ્લેન્ડમાં વસતાં સૌ આપણે કોશેટામાં ભરાયેલો જીવ ન બનીએ. ગુજરાતી હોય કે બીજી પ્રજા હોય પરસ્પર સંપ, સમજ, સ્નેહ અને સૂઝ એ જ શક્તિ બની રહે છે. વૈશ્વિક ગુજરાતી તરીકે વિચારીએ, એકબીજાની ખામીઓ અને ખૂબીઓ સમજીએ તો જ આપણી શક્તિ વધે - કળિયુગમાં શક્તિ સંઘમાં - સમૂહમાં રહેલી છે. સંઘ ટકે સંપથી. સંપ જન્મે સમજમાંથી અને સમજ સર્જાય પરસ્પર સ્નેહથી.
ગુજરાતીઓની વૈશ્વિક ખામીઓ અને ખૂબીઓ સમજવા અને એમાંથી સ્વરુચિ ભોજનની જેમ ગમતું ગ્રહણ કરવાની તક સૌને મળે તો લાભદાયી બને એમ મારું મંતવ્ય છે. આ માટેનો સરળ રસ્તો એ વિચાર્યો કે આના જાણકાર સાથે મળવાની, વાતો સાંભળવાની, પૂછવાની તક મળે એવું કંઇક કરવું.
બરાબર ચોવીસ વર્ષ પહેલાં અમારા આમંત્રણથી પ્રા. ચંદ્રકાન્ત પટેલ લંડન આવ્યા અને ‘બ્રિટિશ ગુજરાતીઓની ગૌરવગાથા’ પુસ્તક લખ્યું. જે ‘ગુજરાત સમાચાર’એ પ્રગટ કર્યું હતું.
ચંદ્રકાન્ત પટેલે 114 પુસ્તક લખ્યાં છે. આમાં 30 કરતાં વધુ પુસ્તકો દરિયાપાર વસતાં ગુજરાતીઓનાં છે. ચંદ્રકાન્ત પટેલે 1000થી વધુ વિદેશવાસીઓ ગુજરાતીઓને જે તે દેશમાં રૂબરૂ મળીને તેમનો પરિચય લખ્યો છે. તેમણે વિશ્વના 65 દેશોનો પ્રવાસ કર્યો છે અને તેમાંય 30 કરતાં વધુ દેશોમાં ગુજરાતીઓના પરિવારમાં રહીને તેમના વિશે લખ્યું છે. ગુજરાતીઓમાં આટલાં મોટા પ્રમાણમાં વિદેશવાસી ગુજરાતીઓને આ રીતે રૂબરૂ મળીને લખનાર પ્રો. ચંદ્રકાન્ત પટેલ એકમાત્ર ગુજરાતી છે. આના કારણે તેઓને ગુજરાતીઓની ખામીઓ અને ખૂબીઓનો વિશેષ અનુભવ છે.
પ્રા. ચંદ્રકાન્ત પટેલ મહાત્મા ગાંધીજીએ તેમના જીવન દરમિયાન સ્થાપેલી એકમાત્ર અને પ્રથમ યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠમાં 30 વર્ષ કરતાં વધુ ઈતિહાસ અને સંસ્કૃત વિષયમાં પ્રોફેસર હતા. 1975માં તેઓના ઈઝરાયેલ વિશેના પુસ્તકને ગુજરાત સરકારે ઈનામ આપ્યું હતું.
ભારતની આઝાદીની લડત, ઈઝરાયેલ અને વિદેશવાસી ગુજરાતીઓની ખામીઓ અને ખૂબીઓના એ અભ્યાસી અને સુંદર વક્તા છે. જીવનના નવમા દશકાના અંત તરફ ગતિ કરતા તેમનો જુસ્સો અડીખમ છે.
સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે ચંદ્રકાન્ત પટેલને યુકેમાં બોલાવીને, વિવિધ સ્થળે તેઓ આપણને ‘અમે સૌ ગુજરાતી’ વિશે વાતો કરે અને તેમના અનુભવો પીરસે, તેમની સાથે સવાલ–જવાબ થાય તો એમાંથી આપણને આપણી ગુજરાતી તરીકેની ખામીઓ અને ખૂબીઓનું દર્શન થાય એવી મારી ઈચ્છા છે.
પ્રા. ચંદ્રકાન્ત પટેલને કેટલાક દરિયાપારના ગુજરાતીઓને જોડતો સેતુબંધ કહે છે તો બીજા એમને ગુજરાતીઓના એમ્બેસેડર કહે છે.યુકેની ગુજરાતી મૂળની સંસ્થારૂપ વ્યક્તિઓ અને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા જ આ સહજ અને સુલભ બની શકે. આ માટે સંસ્થાઓ અને વ્યક્તિઓ સૌને તમામ પ્રકારના સહકાર અને સૂચન માટે અમારું આમંત્રણ છે.
આ મુદ્દે આપને મારા ઇ-મેઇલ આઇડી [email protected] પર સંપર્ક સાધવા અનુરોધ છે.