લંડનઃ સામન્થા કેમરને મંગળવાર ૧૭મેના દિવસે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સેન્ટ લ્યુક્સ હોસ્પિસના માનમાં વિશેષ સમારંભની યજમાની કરી હતી. જીવનના આરે પહોંચેલા દર્દીઓ ઘરમાં કટોકટી અનુભવી રહ્યા હોય ત્યારે હોસ્પિસ દ્વારા કેવી રીતે સારસંભાળ લેવાય છે તેના વિશે જાગરુકતા કેળવવાનો આ પ્રયાસ હતો.
હોસ્પિસની સિંગલ પોઈન્ટ ઓફ એક્સેસ સર્વિસ દર્દીઓ, તેમની સંભાળ લેનારાઓ અને હેલ્થ કેર પ્રોફેશનલ્સને એક નંબર પૂરો પાડે છે, જેના પર તેઓ હેરોમાં સપ્તાહના સાતેય દિવસના ૨૪ કલાક જીવનના આખરી કાળ સુધીની સંભાળ, સલાહ અને સપોર્ટ માટે કોલ કરી શકે છે. હોસ્પિસની રેપિડ રિસ્પોન્સ ટીમ પેશન્ટ ઘેર રહેવા ઈચ્છતા હોય ત્યારે તેમને અનાવશ્યકપણે હોસ્પિટલમાં દાખલ કરાવવાનું ટાળતા ઘેર જ ઈમર્જન્સી સંભાળ પૂરી પાડે છે. આવી ઈમર્જન્સી વિઝિટ્સ માટે નર્સીસ અને હેલ્થ કેર સહાયકોને ભંડોળમાં મદદ કરવા ઉદાર સમર્થકોએ ૬૯,૦૦૦ પાઉન્ડની સહાયની બાહેંધરી આપી છે.
૧૦, ડાઉનિંગ સ્ટ્રીટના કાર્યક્રમમાં સેન્ટ લ્યુક્સના સીઈઓ રોબિન વેબ, સેન્ટ લ્યુક્સના ચેરમેન માઈક રેડહાઉસ અને હોસ્પિસના પેટ્રન લોર્ડ ડોલર પોપટની સાથે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ, પોતાની ૪૦મી એનિવર્સરીની ઉજવણીના ભાગરુપે સેન્ટ લ્યુક્સને સપોર્ટ કરી રહેલા ધામેચા પરિવાર સહિત કોમ્યુનિટીના અગ્રણીઓ તથા હોસ્પિસના દીર્ઘકાલીન સમર્થકો અને વોલન્ટીઅર્સ ઉપસ્થિત હતા.
સેન્ટ લ્યુક્સના સીઈઓ રોબિન વેબે જણાવ્યું હતું કે,‘અમારા કેટલાક ઉમદા સમર્થકો માટે આ ખાસ ઈવેન્ટના યજમાન બનવા સામન્થા કેમરને સંમતિ દર્શાવી તેનો આનંદ છે. નંબર ૧૦ ખાતે રીસેપ્શન ગોઠવાય તે સદ્ભાગ્ય છે અને અમારા મહેમાનોને સામન્થાને મળવાનું ઘણું જ ગમ્યું હતું. અમારા ઘણા મહેમાનોને સેન્ટ લ્યુક્સ દ્વારા તેમના પરિવારને અપાયેલી સારસંભાળ અને સપોર્ટનો અંગત અનુભવ છે, જેના કારણે તેમને સેન્ટ લ્યુક્સને સપોર્ટ કરવાની પ્રેરણા મળી છે. સામન્થાએ સંબોધનમાં તેમના પુત્ર માટે સ્થાનિક ચિલ્ડ્રન્સ હોસ્પિસ દ્વારા મળેલી સંભાળનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી હોસ્પિસ કેરના ઉચ્ચ મૂલ્યની માન્યતાને મજબૂતી મળી હતી. આ સાંજ ભવ્ય અને જીવનમાં એક વાર મળતી તક હતી. આ કાર્યક્રમની યજમાની માટે સામન્થા અને ઈવેન્ટના આયોજન બદલ લોર્ડ ડોલર પોપટનો ફરી એક વાર આભાર માનીએ છીએ.’
સેન્ટ લ્યુક્સ દ્વારા બ્રેન્ડન કિલ્કરના પત્ની ક્રિસ્ટીનની દેખભાળ કરાઈ હતી તેમજ તેમના પરિવારને ટેકો અપાયો હતો. તેઓ લાંબા સમયથી હોસ્પિસના સમર્થક છે અને નંબર ૧૦ના ઈવેન્ટમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રેન્ડન કહે છે,‘આ ખરેખર સુંદર સાંજ હતી અને ત્યાં હાજર રહેવું તે સૌભાગ્ય હતું. મેં સ્નેહાળ અને મિલનસાર સામન્તા સાથે હસ્તધૂનન કર્યું અને વાતચીત કરી હતી. વડા પ્રધાનના પત્ની સાથે મુલાકાત રોમાંચકારી હતી. સેન્ટ લ્યુક્સને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખવા દર વર્ષે ત્રણ મિલિયન પાઉન્ડથી વધુના ભંડોળની જરૂર છે. હોસ્પિસને જરૂરી નાણા એકત્ર કરવામાં જે મદદ જોઈએ તે અમે કરી રહ્યા છીએ.’
સેન્ટ લ્યુક્સ લંડનના બે સૌથી વૈવિધ્યસભર બરોને સેવા આપે છે અને પેશન્ટ્સની ઓળખ કરી અંગત તબીબી, માનસિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જરૂરિયાત પૂરી પાડવા કામ કરે છે. મૃત્યુકાળે ઘરમાં જ રહેવાની ઈચ્છા હોવાં છતાં દર વર્ષે સેંકડો લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. સેન્ટ લ્યુક્સ આવા વધુ લોકો સુધી પહોંચવા માગે છે.
સેન્ટ લ્યુક્સની હેરો CCG ના સહયોગમાં સિંગલ પોઈન્ટ એક્સેસ સર્વિસથી જીવનના આખરી ૧૨ મહિના ધરાવતા હોય તેવા દર્દીઓને સેન્ટ લ્યુક્સની નર્સના સંપર્કમાં રહેવા એક નંબર પર કોલ કરવાની સુવિધા મળે છે. આ કોલ્સ મળતા તાલીમબદ્ધ નર્સીસ પેશન્ટ વતી તેમના હેલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરે છે અને જરૂર જણાય ત્યાં તબીબી સંભાળ અને સપોર્ટ આપવા નિષ્ણાત રેપિડ રીસ્પોન્સ ટીમને મોકલી આપે છે.