સાહિત્ય સેવાનો ભેખ ધરાવે છે ચારણ - ગઢવી સમાજ

- બાદલ લખલાણી Wednesday 03rd July 2024 05:22 EDT
 
 

ગુજરાત સમાચારનો ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ દર ગુરુવારે અનેકવિધ માહિતીપ્રદ વિષયો સાથે શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત થાય છે, ત્યારે 27 જૂને ગુરુવારે સોનેરી સંગતમાં લોકસાહિત્યને વરેલા ચારણ-ગઢવી સમાજ માટે વિશેષ ચર્ચા કરવામાં આવી. જેના પર ચર્ચા કરવા ખાસ ધીરુભાઈ ગઢવીને આમંત્રણ અપાયું હતું.
કાર્યક્રમનું સંચાલન કરતાં ધીરુભાઈએ જણાવ્યું કે, મા સરસ્વતી અને ભોળા શંકરના સંપૂર્ણ આશીર્વાદ મળ્યા હોય તો ચારણ સમાજને જ છે. કહેવાય છે કે અમારી જીભ પર સરસ્વતીનો વાસ હોય છે. સી.બી. પટેલેે ચારણ-ગઢવીઓને સમર્પિત કાર્યક્રમનું આયોજન કરી અમને ઋણી કરી દીધા છે.
કાર્યક્રમને આગળ વધારતાં ધીરુભાઈ ગઢવીએ સર્વપ્રથમ અનામિકાબહેન ગઢવીને આમંત્રિત કર્યાં. અનામિકાબહેન ગઢવીએ કાર્યક્રમની શરૂઆત કરતાં ‘સ્તુતિ પ્રસ્તુત કરી હતી. તેમની આ સ્તુતિમાં કવિ કાગબાપુનાં દીકરીનાં પૌત્રીએ સાથ આપ્યો હતો. જે બાદ અનામિકાબહેને ‘કૃષ્ણ જીનકા નામ હૈ, ગોકુલ જીસકા ધામ હૈ’ ગીત લલકાર્યું હતું.
કાર્યક્રમને આગળ વધારતાં ધીરુભાઈએ સમાજની સેવાની નેમ ધરાવતા હમીરભાઈ ગઢવીને આમંત્રણ આપ્યું. હમીરભાઈએ કહ્યું કે, ચારણોની ગાયકી વિશેષ છે, કારણ કે અમારી જગદંબાઓ વિલંબિત ગાય છે, જે ખૂબ અઘરું છે. ઉદાહરણ તરીકે ‘કોયલ બેઠી આંબલિયાની ડાળ...’ જે બાદ હમીરભાઈએ ફટાણું ‘ભાંગ પીવડાવો રે...’, વહેમ, અંધશ્રદ્ધા અને વ્યસન છોડાવવા માટેની આઇ સોનલના ભક્તિરસથી ભરપુર ‘કાળી અંધારી કાંઈ સૂઝે નહીં, એવી વરણ માથે પડી રાત’ રચનાઓ લલકારી હતી. તો બાદમાં શિવાજીનું હાલરડું ‘આભમાં ઊગેલ ચાંદલો’ ગાયું હતું.
હમીરભાઈએ સુંદર સાહિત્યિક રચના સંભળાવ્યા બાદ ધીરુભાઈ ગઢવીએ ‘સાવ સુંવાળો રાખ્યો નથી, મારા ભારતે કાયર દેશ’ ગીત લલકાર્યું હતું. તેમણે કહ્યું કે, તમામ કોમ્યુનિટી - જ્ઞાતિઓએ પોતપોતાની રીતે સમાજને યોગદાન આપ્યું છે.
કાર્યક્રમને આગળ વધારતાં ધીરુભાઈએ મહેશ ગઢવીને આમંત્રિત કર્યા. જેમણે ‘તારી આંખનો અફીણી’ ગઝલ, ‘હંસલા હાલો રે હવે’ અને ‘પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે’ ગીત લલકાર્યાં હતાં.
મહેશભાઈ બાદ લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય પિરસવા રામભાઈ ગઢવી પધાર્યા હતા. રામભાઈએ જણાવ્યું કે, સંસ્કાર અને સંસ્કૃતિ સાચવી રાખવા આપણે આપણી ભાષા, પહેરવેશ, રીતરિવાજ સાચવી રાખવા જોઈએ. આ માટે ચારણ સમાજે જે યોગદાન આપ્યું છે તે જાણવું જરૂરી છે. આ સાથે રામભાઈએ ભગતબાપુની ‘રામની અજબ રચના રે...’ રચના ગાઈ હતી, આ રચના દ્વારા ભગતબાપુએ અંધશ્રદ્ધા છોડવા માટે અપીલ કરી હતી. જે બાદ રામભાઈએ ભગતબાપુએ તળાવનાં પાણીને લઈને બનાવેલું એક સુંદર ગીત ‘પ્રેમી તળાવ તણાં હે પાણી’ લલકાર્યું હતું, જેના દ્વારા ગમે તે મનદુઃખ હોય પણ પાણીની જેમ સાથે મળીને રહેવું જોઈએ તેનો સંદેશ આપવામાં આવ્યો છે.
મુખ્ય વક્તા ધીરુભાઈ ગઢવીએ કાર્યક્રમનું સમાપન કરતાં ‘કસુંબીનો રંગ’ ગીત ગાઈને સૌકોઈને ચારણી સાહિત્ય અને ગાયકીના રસમાં તરબોળ કરી દીધા હતા. આ સાથે ધીરુભાઈએ અનામિકાબહેન, હમીરભાઈ, મહેશભાઈ અને રામભાઈ ગઢવીનો ખૂબખૂબ આભાર વ્યક્ત કર્યો.
કાર્યક્રમનું સમાપન કરતાં એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલે કહ્યું કે, આ કાર્યક્રમ માત્ર ગઢવી કોમ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે છે. હું ગઢવીઓનો ઉપાસક છું. ગુજરાતીની પહોંચ, પરિચય અને પરખ એ ગઢવી ચારણ કોમે આપી છે. આપણે આખા સમાજને જાણવો છે, જે અંતર્ગત ગઢવીની સાથે અન્ય કોમ અને જ્ઞાતિની વાત કરવી છે. આ અંગે આવનારા સમયમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter