લંડનઃ સિગ્મા યુકે કોમ્યુનિટી ફાર્મસી કોન્ફરન્સ રવિવાર 6 ઓક્ટોબરે હીથ્રો હિલ્ટન T5 ખાતે યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં ફાર્મસી સેક્ટર માટે ફંડિંગની તાકીદે જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ plcના સીઈઓ હાતુલ શાહે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ફાર્મસી કોન્ટ્રાક્ટર તરીકે તેઓ આ સેક્ટરમાં હાલ ઘણા સામનો કરી રહ્યા છે તેવી અસ્થિરતા અને રોકડ નાણાપ્રવાહની અસરોને બરાબર સમજી શકે છે. તેમણે કહ્યું હતું કે,‘મારી કારકીર્દિમાં સૌપ્રથમ વખત કોન્ટ્રાક્ટર તરીકે મારા હિસાબો સરભર કરવા સંઘર્ષ કરી રહ્યો છું. હું એક જહાજને સંચાલન કરી શકું તેની ચોકસાઈ માટે મારી પાસે શ્રેષ્ઠ સાધનો હોવાનું હું માનતો હતો પરંતુ, વધતા જતા ઓવરહેડ્સ અને ઘટતા જતાં માર્જિન્સથી હવે મારા સ્ટોર્સ બ્રેકિંગ પોઈન્ટ પર આવી ગયા છે.’
તેમણે યાદ અપાવી હતી કે 2023 સિગ્મા કોન્ફરન્સમાં તેમણે વ્યૂહાત્મકપણે બંધ થવાથી નહિ પરંતુ, માર્જિન્સમાં ઘટાડાથી ઈંગ્લેન્ડમાં કોમ્યુનિટી ફાર્મસીની સંખ્યામાં ઘટવાની સંભાવના વિશે ભય વ્યક્ત કર્યો હતો. ‘તે સમયે આપણે વેતનમાં વધારો, વધતા વ્યાજ દરો અને અછતનો સામનો કરી રહ્યા હતા. એક વર્ષ પછી આપણે ઓછાં ભંડોળની તીવ્ર અસરને સમજી રહ્યા છીએ.’ તેમણે કહ્યું હતું કે રચનાત્મક બાબત એ રહી છે કે આ સમસ્યાનો ઘણો પ્રચાર થયો છે અને ઘણા લોકો કોમ્યુનિટી ફાર્મસીના પ્રશ્નો વિશે જાણકારી ધરાવે છે.
મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કેર સ્ટીફન કિનોક MPએ રેકોર્ડેડ સંદેશામાં ‘ફાર્મસી ટીમ્સની કુશળતાઓના બહેતર ઉપયોગ’ તેમજ ‘કોમ્યુનિટીઓના હાર્દમાં ફાર્મસીઓની હાજરી પર આગળ વધવા’ના તેમના દબાણને હાઈલાઈટ કર્યું હતું. ફાર્મસીઓ બંધ થવા વિશે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે ઉપાયો શોધવાનું સરળ નહિ હોય. તેમણે સારસંભાળને હોસ્પિટલમાંથી કોમ્યુનિટી, એનેલોગથી ડિજિટલ અને બીમારીથી અટકાવ તરફ લઈ જવાની પોતાની મહત્ત્વાકાંક્ષાને પણ જાહેર કરી ટકાઉ ઉપાય શોધવાને તાકીદની બાબત ગણાવી હતી.
તેમણે ફાર્મસીના સ્ટેકહોલ્ડર્સ સેક્ટર સમક્ષના પ્રશ્નોને કેવી રીતે ઉકેલી શકે તે માટે જ નહિ પરંતુ, તેઓ કેવી રીતે નવી તકો ઝડપી લે છે તે જોવા માટે પણ તેમની સાથે કામ કરવા ઉત્સુક હોવાનું કહ્યું હતું. ગત દાયકામાં સંખ્યાબંધ કોમ્યુનિટી ફાર્મસીઓ બંધ થઈ જવા બાબતે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ જાણે છે કે કોમ્યુનિટી ફાર્મસીઓ દ્વારા ઓફર કરાતી સેવાઓ વધારવા અને સુધારવાની સરકારની મહેચ્છા સાથે ફંડિંગના ટકાઉ ઉપાયો પણ સુસંગત હોવા જોઈએ. અને સરકાર તેને તાકીદની બાબત તરીકે હાથ પર લઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે,‘ હું જાણું છું કે આ સેક્ટર ઈનોવેટિવ સેક્ટર છે અને રાષ્ટ્રના આરોગ્યને સપોર્ટ કરવામાં તેની ભૂમિકા સંદર્ભે કોઈ ઊંચી મર્યાદા નથી. તમે શું કરી શકો છો તે વારંવાર દર્શાવ્યું છે. આપણે સાથે મળીને તફાવત સર્જી શકીએ અને આપણે બધા ગૌરવ અનુભવી શકીએ તેવી સંકલિત પ્રાઈમરી કેર સર્વિસને પુનઃસ્થાપિત કરી શકીએ.’
કોમ્યુનિટી ફાર્મસી ઈંગ્લેન્ડ (CPE)ના સીઈઓ જેનેટ મોરીસને જણાવ્યું હતું કે તાજેતરના સપ્તાહોમાં મિ. કિનોક સાથે ફળદ્રૂપ વાતચીતો થઈ છે અને વાટાઘાટો શક્ય તેટલી ઝડપે ચાલુ થશે તેવી આશા છે. સરકાર સાથે અગાઉ માર્ચ મહિનામાં વાટાઘાટો શરૂ થઈ હતી જે ઈલેક્શનના કારણે અટકી હતી અને હવે પુનઃ ગતિ પકડી છે. મોરીસને એમ પણ જણાવ્યું હતું કે હેલ્થ અને સોશિયલ કેર ડિપાર્ટમેન્ટે (DH) આ વર્ષે અને 2024/25ના સ્પેન્ડિંગ રીવ્યૂમાં ફંડિંગ ઓછું પડવા મુદ્દે ટ્રેઝરી સમક્ષ રજૂઆતો કરી છે. તેનું નિરાકરણ હજુ આવ્યું નથી. સરકારની મશીનરી આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. મોરીસને સિગ્માના ડેલીગેટ્સને જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર્સ નાણાકીય ભીંસ અનુભવી રહ્યા છે તે બાબતે CPE કોઈ ભ્રમમાં નથી અને વાટાઘાટકારો સેક્ટરની સ્થિરતાને નિશ્ચિત કરશે તેવી ખાતરી પણ ઉચ્ચારી હતી.
નેશનલ ફાર્મસી એસોસિયેશન (NPA)ના સીઈઓ પોલ રીસે પણ ફંડિંગમાં 40 ટકાના વાસ્તવિક કાપ, ગત દાયકામાં બંધ પડેલી 1500 ફાર્મસીઝ અને 75 ટકા ફાર્મસીઓ ખાધમાં ચાલી રહી હોવા સહિત કોમ્યુનિટી ફાર્મસીઝ સમક્ષના તીવ્ર પડકારોની વાત કરી હતી. તેમણે પરિણામો હાંસલ કરવા એકસંપ સેક્ટરના મહત્ત્વ પર ભાર મૂકવા સાથે ‘સેવ અવર ફાર્મસીઝ’ અભિયાનને ટેકો આપનારા સહુનો આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે NPAએ સેક્ટર લાંબા સમયથી તદ્દન ઓછા સ્રોતો ધરાવે છે અને ભારે દબાણ હેઠળ છે તેવી લેખિત અને મૌખિક રજૂઆતો થકી દરઝી રિપોર્ટને પ્રભાવિત કરવામાં મદદ કરી હતી.
હીથ્રો ખાતે કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા વોટફર્ડના સાંસદ મેટ ટર્માઈને ડેલીગેટ્સને જણાવ્યું હતું કે ‘નવી સરકાર આ દેશમાં કોમ્યુનિટી ફાર્મસીને કાર્યરત બનાવવા મક્કમ છે અને કોમ્યુનિટી ફાર્મસી સંબંધિત બાબતોને ગંભીરતાથી લઈ રહી છે.’ તેમણે શક્ય હોય ત્યાં સાંસદો સાથે કામ કરવા અને તેમની સાથે કોમ્યુનિટી ફાર્મસી બાબતે વાત કરવા ફાર્માસિસ્ટ્સને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘જો તમારી સમસ્યાઓ અને ચિંતા હોય જે અમે સાંભળીએ તેમ તમે ઈચ્છતા હો તો અમારી સાથે તે મુદ્દા અવશ્ય ઉઠાવો.’
સિગ્માના સહસ્થાપક ડો. ભરત શાહે સમાપન કરતા ઉમેર્યું હતું કે સિગ્મા હેલ્થકેર પ્રોફેશનલ્સને પ્રોત્સાહિત કરવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવા આ મહિનાના ઉત્તરાર્ધમાં હાઉસ ઓફ કોમન્સમાં એક સેશનનું આયોજન કરી રહેલ છે. તેમણે કહ્યું હતું કે,‘ આપણે બધા જ પેશન્ટ્સ માટે કામ કરતા હોવાથી NHS સાથે મળીને કામ કરવા અમે ઉત્સુક છીએ.’ તેમણે હાજર રહેલા સહુનો આભાર માન્યો હતો અને ભવિષ્યના સફળ સહયોગ માટે આશા વ્યક્ત કરી હતી.