લંડનઃ લેબર પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનના ભાગરૂપે ટ્રે્ઝરી માટેના શેડો ચીફ સેક્રેટરી ડેરેન જોન્સે 6 જૂન 2024ના રોજ વોટફર્ડના સૌથી મોટા એમ્પ્લોયર સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ plcની મુલાકાત લીધી હતી. ડેરેન જોન્સ અને વોટફર્ડ માટે લેબર પાર્ટીના સંભવિત ઉમેદવાર મેટ ટર્માઈનેની બનેલી લેબર પાર્ટીની ટીમને નવી વોટફર્ડ સાઈટની ટુર કરાવાઈ હતી.
વોટફર્ડ સાઈટની મુલાકાત વિશે ટીપ્પણી કરતા મિ. ડેરેન જોન્સે જણાવ્યું હતું કે,‘ સિગ્માએ યુકેમાં કોમ્યુનિટી ફાર્મસી માટે જે હાંસલ કર્યું છે તેનાથી અમે ભારે પ્રભાવિત થયા છીએ અને તેમના વોટફર્ડ ઓપરેશનના કદ અને કામગીરીની વ્યાપકતા નિહાળી અમે આશ્ચર્યચકિત બન્યા હતા. લેબર પાર્ટી કોમ્યુનિટી ફાર્મસીને સપોર્ટ કરવા તેમજ સરકારી મદદને જાળવી રાખવાના સારા માર્ગ અને રાષ્ટ્રના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે આ મહત્ત્વના હિસ્સા માટે ખૂબ આવશ્યક ભંડોળ રીલીઝ કરવા તમામ પ્રયાસોની બાંયધરી આપે છે.’
સિગ્માના સહસ્થાપક ડો. ભરત શાહ CBEએ ઉમેર્યું હતું કે, ‘ડેરેન. મેટ અને લેબર પાર્ટીની ટીમ અમારા બિઝનેસની સમયસરની મુલાકાતે આવી તે સારી વાત છે. અમે આશા રાખીએ છીએ કે નવી સરકાર સ્થાનિક ફાર્મસીઓની જરૂરિયાતોને પૂરી પાડવા સક્રિય બની રહેશે અને ગંભીર નીતિવિષયક નિર્ણયો લેશે તેમજ આપણા દેશના આરોગ્યમાં તેઓ જે ભૂમિકા ભજવે છે તેની કદર કરશે.’
ગ્રૂપ સીઈઓ હતુલ શાહ અને કોમર્શિયલ ડાયરેક્ટર રાજ હરીઆએ ચર્ચા કરી હતી અને સિગ્માની પ્રવૃતિઓ વિશે સમજ આપી હતી.